...તો શું સોરોસના કારણે 2014માં ભાજપ જીત્યો? કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કેમ ઊઠાવ્યો સવાલ
USAID Funding Row: અમેરિકન વિદેશી સહાય એજન્સી યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના ભંડોળને લઈને દેશમાં રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળનું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) વિશે સતત મોટા ઘટસ્ફોટ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે USAID દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું હતું.
ભાજપે કોંગ્રેસ પર લગાવ્યો ગંભીર આરોપ
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અમિત માલવિયાએ જણાવ્યું હતુ કે, 'મતદારો માટે 21 મિલિયન ડોલર? આ સ્પષ્ટપણે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ છે. આનો ફાયદો કોને થશે? ચોક્કસ શાસક પક્ષ નહીં!
અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, 'વર્ષ 2012માં એસવાય કુરેશીના નેતૃત્વ હેઠળ ભારતના ચૂંટણી પંચે ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંસ્થા જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન સાથે જોડાયેલી છે. તેને USAID દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.'
કોંગ્રેસ નેતા પવન ખેરાએ વળતો પ્રહાર કર્યો
અમિત માલવિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો કોંગ્રેસ નેતા પવન ખેરાએ જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'વર્ષ 2012માં જ્યારે કથિત ગ્રાન્ટ આપવામાં આવી હતી, ત્યારે સત્તામાં કોંગ્રેસ (યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સના નેતૃત્વ હેઠળ) હતી, ભાજપ નહીં. વર્ષ 2012માં જ્યારે ચૂંટણી પંચને USAID તરફથી આ ભંડોળ મળ્યું, ત્યારે શાસક પક્ષ કોંગ્રેસ હતો. તેથી, તેમના તર્ક મુજબ: શાસક પક્ષ આ કહેવાતા 'બહારના હસ્તક્ષેપ' મેળવીને તેની ચૂંટણી સંભાવનાઓને નુકસાન પહોંચાડી રહ્યો હતો. વિપક્ષ (ભાજપ) સોરોસ/USAID ના કારણે 2014ની ચૂંટણી જીત્યો.'
આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા બાકીના 29 ગુજરાતીઓ પણ અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, કે ઈલોન મસ્કના કાર્યક્ષમતા વિભાગ (DODGE) એ તાજેતરમાં ભારત સહિત વિશ્વભરના ઘણાં દેશોને આપવામાં આવતી નાણાકીય સહાય બંધ કરી દીધી છે.
પીએમના સલાહકારે પણ સવાલો ઊઠાવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સલાહકાર સંજીવ સાન્યાલે ભારતને આપવામાં આવતા આ ભંડોળ પર સવાલો ઊઠાવ્યા હતા. તેમણે USAID ને માનવ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું. તેમણે જણાવ્યું હતું કે, 'ભારતમાં મતદાન સુધારવા માટે 21 મિલિયન યુએસ ડોલર અને બાંગ્લાદેશમાં રાજકીય વાતાવરણને મજબૂત બનાવવા માટે 29 મિલિયન યુએસ ડોલર કોને આપ્યા?'