અમેરિકાથી દુઃખદ સમાચાર, ગુજરાતના વતની અને 120 મોટેલના માલિકની મુક્કો મારી હત્યા કરાઈ
હેમંત મિસ્ત્રીએ મોટેલ સામેથી સામાન ખસેડવા કહેતા અમેરિકન યુવાને મુક્કો મારતા રોડ પર પટકાયા અને બ્રેઈન ડેડ થયા
USA Hemant Mistri Bilimora news | નવસારી જિલ્લાના બીલીમોરાના મૂળ વતની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા મોટેલ માલિકે તેમના મોટેલ સામે મુકેલો સામાન ખસેડી લેવાનું કહેતા અમેરિકાના યુવાને તેમને મુક્કો માર્યો હતો. જેના કારણે મોટેલ માલિક ગંભીર ઈજા તેમનું કરૂણ મોત થયું હતું. જેના પગલે તેમના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
બે દાયકા અગાઉ અમેરિકા ગયા હતા
બીલીમોરાના ગૌહરબાગ ખાતે ઓનેસ્ટ કંપની ચલાવનાર મિસ્ત્રી પરિવારના હેમંતભાઈ શાંતિલાલ મિસ્ત્રી (ઉ.વ.59) બે દશક અગાઉ ભારત છોડીને અમેરિકામાં પરિવાર સાથે જઈને વસ્યા હતા. અમેરિકાના ઓકલાહો સિટીમાં મોટેલ વ્યવસાય ચલાવતા હતા. તેમના માલિકીની 120થી વધુ મોટેલ છે.
કેવી રીતે બની હતી ઘટના?
શનિવારે રાત્રે 10:30 વાગ્યાના સુમારે હેમંતભાઈ મિસ્ત્રી પોતાની મોટેલની બહાર ટહેલવા નીકળ્યા હતા. ત્યારે તેમણે જોયું કે, એક અજાણ્યા અમેરિકન યુવાને તેનો સામાન મોટેલની સામે મુક્યો હતો. આથી હેમંતભાઈએ તેની પાસે જઈ કહ્યું હતું કે “તારો સામાન અહીંથી હટાવી લે” આ સાંભળી પેલા યુવાનને ગુસ્સો આવ્યો હતો અને ઉશ્કેરાઈ જઈને હેમંતભાઈ પર હુમલો કરી એક મુક્કો મારી દીધો હતો. જેના કારણે હેમંતભાઈ રસ્તા પર ઢળી પડ્યા હતા. તેમને માથામાં ગંભીર ઈજા થતાં બ્રેઈન હેમરેજ થઇ ગયું હતું. ત્યારબાદ હુમલાખોર યુવાન ભાગી ગયો હતો.
પરિવાર શોધવા નીકળ્યો તો જાણ થઇ..
બીજી બાજુ તરફ ઘણો સમય થવા છતાં હેમંતભાઈ ઘરે ન આવતાં તેમનો પરિવાર તેમને શોધવા બહાર નીકળ્યો ત્યારે તેમને રસ્તા પર બેભાન હાલતમાં જોયા. જ્યાંથી તેમને સારવાર અર્થે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ ચેકઅપ કર્યા બાદ તેમને બ્રેઈન ડેડ જાહેર કરી દેતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યો હતો. આ મામલે પોલીસે ઘટનાના સીસીટીવી તપાસ કરતાં આરોપીની ઓળખ કરાઈ હતી. બંને વચ્ચે બોલાચાલીની માહિતી પણ સામે આવી હતી જેના બાદ અમેરિકન યુવાને હુમલો કર્યાનો ખુલાસો થયો હતો. હુમલાખોરની ઓળખ રિચર્ડ લુઈસ તરીકે થઇ હતી. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પરિવારે જણાવ્યું કે હેમંતભાઈની ઈચ્છા અનુસાર તેમના ઓર્ગન ડોનેટ કરી દેવાશે.