ભારતીયોમાં અમેરિકન વિઝાની ભારે માંગ, યુએસ રાજદૂત પોતે એમ્બેસી પર પહોંચીને કરી લોકોને મદદ
અમેરિકી સરકારે વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઘણા પગલા લીધા
Eric Garcetti visit embassy : ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોમાં વિદેશ ભણવા તેમજ સ્થાયી થવાનો ક્રેઝ વધ્યો છે અને તેમાં પણ અમેરિકાની વિઝાની માંગ સૌથી વધુ છે જેના કારણે ભારતના લોકોને યુએસ વિઝા માટે રાહ જોવી પડે છે ત્યારે હવે અમેરિકી સરકારે વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઘણા પગલા લીધા છે.
યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
ભારતમાંથી વિદેશમાં જતા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે તેમાં પણ અમેરિકા ભારતીયોની પહેલી પસંદ છે ત્યારે હવે ભારતીયોને અમેરિકી વિઝા સરળતાથી મળી જાય તેમજ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અમેરિકી સરકારે ઘણા પગલા લીધા છે. આ માટે અમેરિકી રાજદૂત એરિક ગારસેટી દિલ્હી સ્થિત યુએસ એમ્બેસી પહોંચ્યા હતા અને કામકાજને જોયું હતું. યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે 'અમેરિકાના વિઝાની માંગને પહોંચી વળવા માટે નવી દિલ્હીમાં અમારી કોન્સ્યુલર ટીમ આ સપ્તાહના પ્રારંભમાં કામ પર પહોંચી ગઈ છે. આ દરમિયાન રાજદૂત એરિક ગારસેટી વિશેષ અતિથિ તરીકે વિઝા અરજદારોને મદદ કરી હતી.
90 હજાર ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકન વિઝા આપવામાં આવ્યા
અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ કહ્યું હતું કે કોન્સ્યુલર ટીમ સાથે કામ કરીને તેમને આનંદ થયો હતો. ભારતીયોમાં અમેરિકન વિઝાની માંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જુલાઈ-ઓગસ્ટમાં જ 90 હજાર ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકન વિઝા આપવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે સમગ્ર વિશ્વમાં યુ.એસ. દ્વારા આપવામાં આવતા દર 4 વિદ્યાર્થીઓના વિઝામાંથી એક વિઝા ભારતીય વિદ્યાર્થીને આપવામાં આવે છે.
અમેરિકાનું 2023માં 10 લાખ વિઝા આપવાનું લક્ષય
એરિક ગારસેટીએ વધુમાં કહ્યું હતું કે પ્રથમ વખત વિઝિટર વિઝા પર વિઝા ઈન્ટરવ્યુમાં 50 ટકાનો ઘટાડો કરાયો છે. અમેરિકાએ 2023માં 10 લાખ વિઝા આપવાનું લક્ષય રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વડાપ્રધાનની અમેરિકાની મુલાકાત દરમિયાન બંને દેશો એ વાત પર સહમત થયા હતા કે અમેરિકામાં H1B વિઝા પર કામ કરતા ભારતીયો અમેરિકામાં રહીને જ તેમના H1B વિઝાને રિન્યૂ કરી શકશે.