અમેરિકાએ 33 ગુજરાતીઓ સહિત વધુ 112 ભારતીયોને ડિપોર્ટ કર્યા, અમૃતસર પહોંચી ત્રીજી ફ્લાઈટ
USA Deportation News | અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની ત્રીજી ફ્લાઇટ અમૃતસર આવી પહોંચી છે. રવિવારે (16 ફેબ્રુઆરી) 112 ભારતીયોને લઇને આવેલું અમેરિકન એરફોર્સનું વિમાન RCH869 મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું. આમાંથી હરિયાણાના સૌથી વધુ 44, ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો સામેલ છે. અન્ય ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના છે. આ ભારતીયોનો ત્રીજો જૂથ છે જે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યું હતું અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરાયા છે.
બીજા વિમાનમાં 104 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ હતા
નોંધનીય છે કે, ગઇ કાલે (15 ફેબ્રુઆરી) પણ 116 ભારતીયોને લઇને અમેરિકન એરફોર્સનું વિમાન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. જેમાં 60 થી વધુ પંજાબના અને 30 થી વધુ હરિયાણાના હતા. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના હતા. આમાં મોટા ભાગના લોકો 18 વર્ષથી લઇને 30 વર્ષની ઉંમર હતા.
પ્રથમ વિમાનમાં 116 ઈમિગ્રન્ટ્સ હતા
આ અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ પણ 104 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન વિમાન પણ અમૃતસરમાં ઉતર્યું હતું. તેમાંથી, હરિયાણા અને ગુજરાતના 33-33 અને પંજાબના 30 હતા. મોટાભાગના દેશનિકાલ કરાયેલા લોકોએ કહ્યું હતું કે, તેઓ તેમના પરિવારોને વધુ સારું જીવન પૂરું પાડવા માટે અમેરિકામાં સ્થાયી થવા માંગતા હતા.
ભારતીયોનું દેશનિકાલ કેમ કરી રહ્યું છે અમેરિકા?
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ તરીકે સત્તા સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે આકરું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે જે નીતિઓ હેઠળ ગેરકાયદે લોકોને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે તે નીતિઓ હેઠળ ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવી રહ્યા છે. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે અથવા તેમના વિઝાની અવધિ કરતાં વધુ સમય ત્યાં રહે છે.
PM મોદીએ ટ્રમ્પ સાથે કરી હતી ચર્ચા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળીને ઇમિગ્રેશન સહિતના મુખ્ય મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, પીએમ મોદીએ અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને સ્વીકારવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. આ સાથે જ તેમણે ગેરકાયદે સ્થળાંતર કરનારા લોકોનું શોષણ કરતા માનવ તસ્કરી નેટવર્કનો સામનો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.