આગામી સપ્તાહે ભારત આવશે અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ, PM મોદી સાથે કરશે મુલાકાત
JD Vance India Visit : અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ અને તેમના પત્ની ઉષા વેન્સ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખના કાર્યાલય દ્વારા આ જાહેરાત કરાઈ છે. મળતી માહિતી મુજબ, જે.ડી.વેન્સ 18થી 24 એપ્રિલ દરમિયાન ઈટાલી અને ભારતનો પ્રવાસ કરવાના છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ બંને દેશોના નેતાઓ સાથે આર્થિક અને ભૂ-રાજકીય અંગેના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
વેન્સ વડાપ્રધાન મોદી સાથે કરશે બેઠક
અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખના કાર્યાલયે વધુમાં કહ્યું છે કે, જે.ડી.વાન્સ આવતા અઠવાડિયાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે, ત્યારે નવી દિલ્હી, જયપુર અને આગ્રાની મુલાકાત લેશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત વેન્સ દંપત્તિ સાંસ્કૃતિક સ્થળો પર યોજાતા કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. ઉષા વેન્સના માતા-પિતા, ક્રિશ ચિલુકુરી અને લક્ષ્મી ચિલુકુરી, 1970ના દાયકાના અંતમાં ભારતથી અમેરિકા જતા રહ્યા હતા.
આ પણ વાંચો : ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ
વેન્સની ભારત મુલાકાત ખૂબ જ મહત્ત્વપૂર્ણ
ભારતની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અંગે વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે. તેથી વેન્સની ભારત મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જે.ડી.વેન્સ ઈટાલીની પણ મુલાકાત કરશે
માહિતી અનુસાર, જે.ડી.વેન્સ ભારત ઉપરાંત ઈટાલીનો પણ પ્રવાસ કરવાના છે. તેઓ ઈટાલીની રાજધાની રોમમાં વડાપ્રધાન જૉર્જિયા મેલોની અને વેટિકનના રાજ્ય સચિવ કાર્ડિનલ પિએત્રો પેરોલિન સાથે મુલાકાત કરશે.
આ પણ વાંચો : 50થી વધુ ઘરોમાં આગ લાગતાં પાંચનાં મોત, 15 બાળકો ગુમ: બિહારમાં મોટી દુર્ઘટના