અમેરિકાએ ખાલિસ્તાની આતંકી પન્નૂને મારવાનું ષડયંત્ર બનાવ્યું નિષ્ફળ, ભારતને આપી ચેતવણી

પોતાની હત્યાના ષડયંત્રની વાત સામે જ આવતા ભડક્યો પન્નૂ, કહ્યું ‘અમેરિકી સરકારે જવાબ આપવો પડશે’

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
અમેરિકાએ ખાલિસ્તાની આતંકી પન્નૂને મારવાનું ષડયંત્ર બનાવ્યું નિષ્ફળ, ભારતને આપી ચેતવણી 1 - image

નવી દિલ્હી, તા.22 નવેમ્બર-2023, બુધવાર

અમેરિકા (America)એ ખાલિસ્તાની આતંકી પન્નૂને મારવાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. અમેરિકી અધિકારીઓએ દાવો કરતા કહ્યું કે, તેમણે સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક શિખ અલગતાવાદીને મારવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યો છે. ઉપરાંત આ મામલે ભારતને પણ ચેતવણી જારી કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ ષડયંત્રના નિશાને શિખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના નેતા ગુરપતવંત સિંહ પન્નૂ (Gurpatwant Singh Pannun) હતો. ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ ‘અમેરિકી અધિકારીઓએ અમેરિકામાં એક શિખ અલગતાવાદીને મારવાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યો છે.’ 

અમેરિકાની ભારતના રાજદ્વારીઓને ચેતવણી

આ રિપોર્ટ મામલે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી હાલ કોઈપણ પ્રતિક્રિયા સામે આવી નથી તેમજ અમેરિકી અધિકારીઓએ નવી દિલ્હીમાં વિરોધના કારણે ષડયંત્રકારોએ પોતાની યોજના બદલી નાખી કે પછી FBIના હસ્તક્ષેપના કારણે ષડયંત્ર નિષ્ફળ બનાવાયું, તેની પણ કોઈ માહિતી આપી નથી. રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારતના રાજદ્વારીઓને ચેતવણી ઉપરાંત યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઓછામાં ઓછા એક શંકાસ્પદ વિરુદ્ધ સીલબંધ આરોપ પણ દાખલ કર્યો છે.

‘અમેરિકી સરકારે જવાબ આપવો પડશે’

રિપોર્ટ મુજબ ગુરપતવંત સિંહ પન્નૂએ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે કે, શું અમેરિકી અધિકારીઓએ તેમને ષડયંત્ર અંગે ચેતવણી આપી હતી. જોકે આ મામલે પન્નૂએ એટલું જ કહ્યું છે કે, ભારતીય એજન્ટોના કારણે અમેરિકાની ધરતી પર પોતાના જીવ પર ખતરો હોવા મામલે અમેરિકી સરકારે જવાબ આપવો પડશે.

NIAએ પન્નુ સામે દાખલ કર્યો હતો કેસ

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ગુરપતવંત સિંહ પન્નુનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવનારા મુસાફરોને ધમકી આપી હતી, ત્યારે મામલે એનઆઈએએ એક નિવેદન બહાર પાડી કહ્યું કે, પન્નુએ ચોથી નવેમ્બરે એક વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયોમાં તેણે શિખોને કહ્યું કે, તેઓ એર ઈન્ડિયાની 19 નવેમ્બરની અને ત્યારબાદની ફ્લાઈટમાં મુસાફરી ન કરે, કારણ કે તેમના જીવ પર ખતરો આવશે. ત્યારે આ મામલે NIAએ ખાલિસ્તાની સંસ્થા શિખ ફૉર જસ્ટિસ (SFJ)ના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. NIAએ જાહેર કરેલા આતંકવાદી પન્નુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ભારત-કેનેડા વચ્ચેનો વિવાદ કેવી રીતે વધ્યો? 

ઉલ્લેખનીય છે કે નિજ્જરની હત્યા વાનકુવરમાં કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ ભારત પર લાગ્યો છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)એ આરોપ મૂક્યો હતો કે ભારતની ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ નિજ્જરની હત્યા કરી હતી. આ મામલે ટ્રુડોએ ભારતને તપાસમાં સહયોગ કરવા કહ્યું હતું અને તેના બાદથી જ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વકર્યો હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જર (45)ની કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં 18 જૂને એક ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ભારતે કેનેડામાં રહેતા નિજ્જરને જૂલાઈ 2020માં ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. નિજ્જરની હત્યા બાદ કેનેડાની સંસદમાં પીએમ ટ્રુડોએ આ આતંકીની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાનો દાવો કર્યો હતો. તેમણે ત્યાંની પાર્લામેન્ટમાં કહ્યું કે અમને એ વાતના પુરાવા મળ્યા છે કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે. જેના બાદ ભારતે  કેનેડા પાસે પુરાવા માગ્યા પણ કંઈ મળ્યું નહીં. ટ્રુડોના નિવેદન બાદથી જ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વકર્યો હતો.

ગુરપતવંત સિંહ પન્નુ કોણ છે ?

કેનેડામાં નિજ્જરની હત્યા બાદ હવે અમેરિકામાં રહેતા ગુરપતવંત સિંહ પન્નુનું નામ વધુ ચર્ચાએ ચઢ્યું છે. ગુરપતવંત સિંહ પન્નુ મૂળ પંજાબના ખાનકોટનો છે. ભારતના મોસ્ટ વોન્ડેટ આતંકવાદીઓની યાદીમાં પન્નુનું પણ નામ સામેલ છે. તેને 2020ના રોજ આતંકવાદી જાહેર કરાયો હતો. પન્નુ વિરુદ્ધ પંજાબમાં 22 જેટલા ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં 3 રાજદ્રોહના કેસનો પણ સામેલ છે. હાલ પન્નુ અમેરિકાનો નાગરિક છે અને ત્યાંથી તે સતત વીડિયો જાહેર કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. વિદેશમાં રહીને પણ તે ખાલિસ્તાની પ્રવત્તિઓ ચાલુ રાખે છે. આ અગાઉ ભારત સરકારે પન્નુની ભારત સ્થિતિ તમામ મિલકતો જપ્ત કરી હતી.


Google NewsGoogle News