ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગરને લાંચ કાંડમાં અમેરિકાનું તેડું, SECએ પાઠવ્યું સમન્સ
Gautam Adani charged in US : અદાણી ગ્રૂપના ચેરમેને ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધના લાંચ કેસમાં અમેરિકન સરકારે સમન્સ પાઠવ્યું છે. અમેરિકામાં લાંચ કાંડમાં નોંધાયેલા આ કેસમાં યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને (SEC) કુલ આઠ લોકોને આરોપી બનાવ્યા છે. સૌર ઊર્જા સંબંધિત પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા 265 મિલિયન ડૉલર (2200 કરોડ રૂપિયા)ની લાંચ આપવાના આરોપ મુદ્દે અમેરિકન ઓથોરિટીએ ગૌતમ અદાણી અને સાગર અદાણીને જવાબ આપવા કહ્યું છે. એસઈસીએ ગૌતમ અદાણીના અમદાવાદમાં આવેલા શાંતિવન ફાર્મ નિવાસસ્થાન અને તેમના ભત્રીજા સાગરને બોડકદેવના નિવાસસ્થાને સમન્સ પાઠવીને 21 દિવસમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે.
ન્યૂયોર્કની કોર્ટે 21 નવેમ્બરે મોકલી નોટિસ
ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે 21 નવેમ્બરે નોટિસ મોકલીને કહ્યું છે કે, ‘હવે પછી તમને સમન્સ મળે તો 21 દિવસમાં (જે દિવસે સમન્સ મળ્યું, તે દિવસ છોડીને), જો તમને વાદી (યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન) સામે ફરિયાદ હોય, તો તેનો જવાબ તમારે યુએસ ફેડરલના નિયમ 12 પ્રમાણે રજૂ કરવાનો રહેશે.’ તેમાં કહેવાયું છે કે, ‘જો તમે જવાબ આપવામાં નિષ્ફળ રહેશો, તો ફરિયાદમાં માંગવામાં આવેલી રાહત માટે તમારી વિરુદ્ધ ડિફોલ્ટ રીતે નિર્ણય લેવાશે. તમારે તમારો જવાબ કે પ્રસ્તાવ પણ કોર્ટમાં જ દાખલ કરવો પડશે.’
ન્યૂયોર્કની કોર્ટમાં 20 નવેમ્બરે રજૂ કરાઈ હતી ચાર્જશીટ
ન્યૂયોર્કની કોર્ટમાં બુધવારના રોજ ચાર્જશીટ ખોલવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સહિત સાત અન્ય પ્રતિવાદિઓ, જેઓ અદાણી ગ્રૂપની અક્ષય ઉર્જા એકમની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં નિર્દેશક છે, તેઓએ લગભગ સૌર ઊર્જા સંબંધિત પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે 2020થી 2024ની વચ્ચે ભારત સરકારના અધિકારીઓને કથિત રીતે લગભગ 265 મિલિયન ડૉલર (2200 કરોડ રૂપિયા)ની લાંચ આપવા સહમત થયા હતા. આ કોન્ટ્રાક્ટના કારણે કંપનીને 20 વર્ષમાં બે અબજ ડૉલરનો ફાયદો થવાની આશા હતી.
શું છે અમેરિકાના લાંચ કાંડનો મામલો?
આ સમગ્ર મામલો સૌર ઊર્જા પ્રોજેક્ટ સાથે સંબંધિત છે. ડિસેમ્બર 2019થી જુલાઈ 2020 વચ્ચે ભારત સરકારની માલિકીની કંપની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)એ બે કંપનીઓ માટે લેટર ઓફ એવોર્ડ આપ્યા હતા. તેમાંથી એક કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. છે, તો બીજી મોરેશિયસની Azure Power Global Limited છે. ભારત સરકારે આ બંને કંપનીને કુલ 12 ગીગા વોટ સૌર ઊર્જાનું ઉત્પાદન કરવાની મંજૂરી આપી હતી. તેમાંથી 8 ગીગા વોટ અદાણીની કંપની દ્વારા અને 4 ગીગા વોટ સૌર ઊર્જા એઝ્યુર કંપની ઉત્પાદન કરવાની હતી. તે સમયે અદાણી જૂથે આ કરારને વિશ્વનો સૌથી મોટો સૌર ઊર્જા કરાર ગણાવ્યો હતો. જો કે, બાદમાં આ સમજૂતી તેમના માટે પડકાર બની ગઈ અને હવે તે સંકટ લઈને આવી છે.
આ પણ વાંચો : અદાણી પર ભારતમાં જ સકંજો? માહિતી છુપાવવા બદલ SEBIની કાર્યવાહીની તૈયારી
અમેરિકાની કોર્ટમાં શું આરોપ લગાવાયા?
હવે અમેરિકામાં ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર લગભગ 2200 કરોડ રૂપિયાની લાંચ જે તે સરકારી અધિકારીઓને ઓફર કરી હતી. જેના કારણે બંને કંપનીઓને વર્ષ 2021 અને 2022 વચ્ચે ઘણી રાજ્ય સરકારો પાસેથી મોટા સોલર એનર્જી પ્રોજેક્ટ્સ મળી ગયા હતા. જેમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, તમિલનાડુ અને છત્તીસગઢની સરકારોનો ઉલ્લેખ છે. એઝ્યુર કંપની 638 કરોડ રૂપિયાની લાંચ આપવાની હતી,. જ્યારે ગૌતમ અદાણીની કંપનીને લગભગ 1.5 હજાર કરોડ રૂપિયાની લાંચ આપવાની હતી. લાંચનો સૌથી મોટો હિસ્સો લગભગ રૂ. 2029 કરોડ આંધ્ર પ્રદેશના અધિકારીઓને મળ્યો હોવાનો આરોપ છે. આંધ્ર પ્રદેશના અધિકારીને આ લાંચ કેમ અપાઈ છે, એ સમજી શકાય એમ છે.
પ્રતિવાદીઓએ લાંચ યોજના વિશે ખોટું બોલ્યા: યુએસ એટર્ની
અમેરિકન એટર્ની બ્રાયન પીસે બુધવારના રોજ આરોપોની જાહેરાત કરતા એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘પ્રતિવાદિઓ પર આરોપ છે કે, તેઓએ અબજો ડૉલરનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવા માટે એક યોજના બનાવી હતી અને યોજના અંગે ખોટું બોલ્યા હતા, કારણ કે તેઓ અમેરિકનો અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી મૂડી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’
આ પણ વાંચો : અદાણીકાંડના આટાપાટા: સૌર પ્રોજેક્ટ ભારતનો, લાંચ પણ ભારતીયોને, તો તપાસ અમેરિકામાં કેમ?