કમલા હેરિસે ટ્રમ્પને ફાસીવાદી ગણાવી દીધા, શું ટ્રમ્પ આને અપમાનજનક ગણાવીને હેરિસ સામે કાયદાકીય પગલું લેશે?
America Presidential Election 2024 : અમેરિકામાં પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે. 3 કરોડથી વધુ અમેરિકનોએ એડવાન્સમાં વોટિંગ કરી પણ દીધું છે. ચૂંટણી પ્રચારની ગરમાગરમી એ હદે વધી ગઈ છે કે થોડા દિવસો અગાઉ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ફાસીવાદી કહી દીધા હતા, જે બાબતે અમેરિકામાં થોડી ચર્ચા પણ ચાલી છે, કેમ કે ફાસીવાદી એ બહુ અપમાનજનક શબ્દ છે. જર્મનીના એડોલ્ફ હિટલર અને ઈટાલીના બેનિટો મુસોલિની જેવા સરમુખત્યારોને ફાસીવાદી (ફાસિસ્ટ - Fascist) કહેવાતા આવ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે ફાસીવાદ છે શું?
ક્યારે શરૂ થયો ફાસીવાદ?
ફાસીવાદ એ એક પ્રકારની રાજકીય વિચારધારા અને શાસન વ્યવસ્થા છે, જે 20મી સદીની શરૂઆતમાં પ્રચલિત થઈ હતી. આ એવો ‘વાદ’ છે જેમાં એક નેતા, એક પક્ષ અને એક દેશ પ્રત્યે સંપૂર્ણ વફાદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કોઈ એમ કરવાનો ઈનકાર કરે છે, તો તેને દબાવવા માટે રાજકીય અને લશ્કરી બળનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો : અમેરિકામાં ટ્રમ્પ-હેરિસને સરખા મત મળતા ચૂંટણી બની રોમાંચક
આ દેશમાં ફાસીવાદનો યુગ શરૂ થયો હતો
ઈટાલીના સરમુખત્યાર મુસોલિનીએ ફાસીવાદની શરૂઆત કરી હતી. એના તો પક્ષનું નામ પણ ‘રાષ્ટ્રીય ફાસીવાદી પક્ષ’ (નેશનલ ફાસિસ્ટ પાર્ટી) હતું. એણે 1922 ફાસીવાદી લશ્કર તૈયાર કર્યું હતું, જેણે સૂત્રોચ્ચાર કરતાં રોમની શેરીઓમાં કૂચ કરી હતી. જેણે પણ ફાસીવાદનો વિરોધ કર્યો, તેને કચડી નાંખવામાં આવ્યો. આ વિચારધારા પાછળથી જર્મની પહોંચી. હિટલરના સૈન્યે પણ ફાસીવાદી સત્તા જ ચલાવી હતી. જોકે, જર્મનીમાં એને ‘રાષ્ટ્રીય સમાજવાદ’ (નેશનલ સોશિયલિઝમ) જેવું સુંવાળું અને રાષ્ટ્ર-હિતનું લાગે એવું નામ આપવામાં આવ્યું હતું. એ પછી ફાસીવાદ ફ્રાન્સ, સ્પેન, ઓસ્ટ્રિયા, ક્રોએશિયા, નોર્વે, પોર્ટુગલ, ગ્રીસ, હંગેરી, પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ચીન અને જાપાન જેવા ઘણા દેશોમાં ફેલાયો હતો.
ફાસીવાદનો અર્થ આવો થાય
લેટિન ભાષાના શબ્દ ‘ફાસીસ’નો અર્થ થાય છે ‘લાકડાના બંડલમાં કુહાડી’. પ્રાચીન રોમમાં ફાસીસ તાકાત અને એકતાનું પ્રતીક હતું. એના પરથી ઉતરી આવેલ શબ્દ તે ફાસીઝમ. મુસોલિનીએ એને જ પોતાની પાર્ટીનું પ્રતીક બનાવ્યું હતું. ફાસીવાદમાં માત્ર પાર્ટીના સર્વોચ્ચ નેતા જ દેશના તમામ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતા હોય છે. જનતાની મૂળભૂત જરૂરિયાતો પર, મીડિયાની સ્વતંત્રતા પર, તથા આમ જનતાના વાંચન-લેખન પર પણ નિયંત્રણ રાખવું, એ ફાસીવાદનું પ્રમુખ લક્ષણ છે.
આ પણ વાંચો : ટ્રમ્પ કે હેરિસ ? વિશ્વના વિખ્યાત અર્થશાસ્ત્રીના મતે ડૉનાલ્ડ ટ્રમ્પ જ વિજયી થવા સંભવ
રાજકારણ સિવાય પણ પગપેસારો કર્યો છે
ફાસીવાદ હવે વધુ વ્યાપક બન્યો છે. માત્ર રાજકારણમાં જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ ફાસીવાદે પગપેસારો કર્યો છે. પછી એ કોઈ સરકારી સંસ્થા હોય કે વ્યાવસાયિક ઉદ્યોગ. બે ઉદાહરણ જોઈએ તો,
• કોવિડકાળ દરમિયાન લોકડાઉનના નિર્ણયને અમેરિકા સહિત ઘણા દેશોમાં સરકારનો ફાસીવાદી નિર્ણય કહેવામાં આવ્યો હતો.
• ભારતમાં નોટબંધીના નિર્ણયને પણ ફાસીવાદી ગણાવાયો હતો. જનતાનું કહેવું હતું કે નોટબંધી લાગુ કરતાં પહેલાં ઓપિનિયન પોલ કરાવવાનો હતો.
આ કારણસર હેરિસે ટ્રમ્પને ફાસીવાદી કહ્યા
વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પહેલાથી જ ટ્રમ્પને લોકશાહી વિરોધી ગણાવતા રહ્યા છે. તેમનો આરોપ છે કે ટ્રમ્પ પોતાના રાજકીય વિરોધીઓને ચૂપ કરવા માટે સૈન્યની મદદ પણ લઈ શકે છે. વિરોધીઓ પ્રત્યે ટ્રમ્પના કડક વલણને કારણે પણ આ આરોપ સાચો હોય એવું લાગે છે. જેમ કે,
• પોતાની વિરુદ્ધ સમાચારો છાપતા માધ્યમો વિશે ટ્રમ્પ કડવું બોલતા રહે છે.
• અમેરિકા બહારથી આવીને વસેલા ‘ઈમગ્રન્ટ્સ’થી જ બનેલો હોવા છતાં અમેરિકા પર ગોરા અમેરિકનોનો હક વધારે છે, એવી ટ્રમ્પની માન્યતા છે.
• ટ્રમ્પના સમર્થકોમાં એક જૂથ ‘પ્રાઉડ બોયઝ’ પણ છે, જે હિંસા કરીને, ડરાવી-ધમકાવીને લોકોને નિયંત્રિત કરે છે. આ કોઈ રાજકીય જૂથ નથી, યુવાનોનો સમૂહ છે. ટ્રમ્પ આડકતરી રીતે આ જૂથને ટેકો પૂરો પાડે છે. મતલબ કે હિંસા કરવાની છૂટ આપે છે.
• જાન્યુઆરી 2021માં ટ્રમ્પ સમર્થકોના જૂથે વોશિંગ્ટન ડીસીમાં રમખાણો કર્યા હતા. એ દરમિયાન કેપિટોલ બિલ્ડિંગમાં થયેલ અભૂતપૂર્વ હલ્લો ટ્રમ્પની ફાસીવાદી માનસિકતાનો જ પડઘો પાડે છે, એવું પણ કહેવાતું આવ્યું છે.
હેરિસના આક્ષેપ પર ટ્રમ્પ બદનક્ષીનો કેસ દાખલ કરી શકે?
કમલા હેરિસે તો બોલતા બોલી દીધું. હવે સવાલ એ થાય છે કે, શું ટ્રમ્પ વિશ્વના સૌથી કુખ્યાત સરમુખત્યારો સાથે તેમની સરખામણી કરવા બદલ હેરિસ સામે કોઈ કાનૂની પગલાં લઈ શકે એમ છે?
જવાબ છે, હા. અમેરિકાનો કાયદો આ માટેની છૂટ આપે છે. ભૂતકાળમાં આવો કેસ થયો પણ છે. વર્ષ 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન સામસામે હતા. બંનેએ એકમેક પર જાતભાતના આક્ષેપ કર્યા હતા, ત્યારે ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’ના એક અહેવાલમાં હિલેરીને ટાંકીને ટ્રમ્પની રશિયા સાથે મિલીભગત હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે બદલ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઈમ્સ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જોકે, આ મુદ્દાને ‘મીડિયાની સ્વતંત્રતા’ ગણાવીને અમેરિકન કોર્ટે એ કેસ રદબાતલ કરી દીધો હતો.
આ પણ વાંચો : શું કેનેડા બાદ અમેરિકા ભારતના રાજદ્વારીઓ પર લેશે એક્શન? વિદેશ મંત્રાલયે કરી ચોખવટ