Get The App

અમેરિકન પ્રમુખ બનવાના માપદંડ શું છે? જાણો નાગરિકતાથી લઈને ભણતર અને વય મર્યાદાના નિયમો

Updated: Nov 4th, 2024


Google NewsGoogle News
અમેરિકન પ્રમુખ બનવાના માપદંડ શું છે? જાણો નાગરિકતાથી લઈને ભણતર અને વય મર્યાદાના નિયમો 1 - image


US Presidential Election 2024 : પાંચમી નવેમ્બરે આયોજિત થવા જઈ રહેલી અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં હવે ગણતરીના કલાકો બાકી છે. ટૂંક સમયમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું ભાવિ બૉક્સ-બંધ થઈ જશે છે. ત્યારે ચાલો, આપણે જાણીએ કે અમેરિકાના પ્રમુખ બનવા માટેના ધારાધોરણ શું છે, ઉમેદવારને નાગરિકતાથી લઈને શિક્ષણ અને વય મર્યાદા જેવા કયા કયા નિયમો લાગુ પડે છે?

પ્રમુખ બનવા માટે જન્મ સંબંધિત નિયમો

અમેરિકાના બંધારણમાં દેશના પ્રમુખ બનવા માટે જરૂરી લાયકાત અને અન્ય યોગ્યતાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી મહત્ત્વનું હોય છે અમેરિકાના નાગરિક હોવું. જે વ્યક્તિ અમેરિકામાં ‘નેચરલ બોર્ન’ (સ્વાભાવિક રીતે જન્મેલ) હોય એ જ પ્રમુખ પદના ઉમેદવાર બની શકે છે. આ સંદર્ભે અમુક નિયમો જોઈએ તો… 

• અમેરિકાના 50 રાજ્યોમાં જન્મેલ કોઈપણ ધર્મ અને સમુદાયની વ્યક્તિ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડી શકે છે.

• વર્ષ 1940 પછી ‘પ્યુઅર્ટો રિકો’માં જન્મેલ વ્યક્તિને પણ નેચરલ બોર્ન અમેરિકન નાગરિક ગણવામાં આવે છે અને એને અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવાનો હક મળે છે. આ એટલા માટે કે ‘પ્યુઅર્ટો રિકો’ એ અમેરિકાની જ ‘ટેરિટરી’ (પ્રદેશ) છે.

• જોકે, એમ તો અમેરિકા ઘણા દેશોમાં લશ્કરી થાણા ધરાવે છે. એવા લશ્કરી થાણામાં જન્મનાર બાળકને અમેરિકાની નાગરિકતા તો મળે છે, પણ તેને અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવાનો હક મળતો નથી. 

આ પણ વાંચો : મેં 2020ના ચૂંટણી પરિણામો બાદ વ્હાઇટ હાઉસ છોડીને જ ભૂલ કરી હતી, ટ્રમ્પના નિવેદનથી હોબાળો

વય સંબંધિત નિયમ

અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ. મહત્તમ ઉંમરની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. 

અમેરિકામાં કેટલા વર્ષોનો વસવાટ જરૂરી?

અમેરિકામાં જન્મેલ કોઈ નાગરિક અન્ય દેશમાં વસી ગયો હોય તો તે અમેરિકા પરત જઈને તરત પ્રમુખની ચૂંટણી લડી શકતો નથી. ઓછામાં ઓછા 14 વર્ષથી અમેરિકામાં રહેનાર અમેરિકન નાગરિક જ ચૂંટણી લડવા માટે લાયક ગણાય છે. 

કેટલી શૈક્ષણિક લાયકાત જરૂરી છે?

અમેરિકન પ્રમુખ બનવા માટે કોઈ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી નથી. એક અભણ વ્યક્તિ પણ અમેરિકાનો પ્રમુખ બની શકે છે. 

ગુનાઇત ઈતિહાસ ધરાવતી વ્યક્તિનું શું? 

અમેરિકા લોકતંત્રમાં એટલી હદે માને છે કે દરેક અમેરિકન નાગરિકને પ્રમુખની ચૂંટણી લડવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે અને એમાં ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. જી, હાં. ગંભીર ગુનાઇત રેકોર્ડ/ઈતિહાસ ધરાવતી વ્યક્તિ પણ અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી લડી શકે છે. 

આ પણ વાંચો : ટ્રમ્પ બાદ હવે કમલા હેરિસને પણ ચૂંટણી પહેલા આવી ભારતની યાદ, શેર કરી બાળપણની ખાસ તસવીર

અસાધ્ય બિમારી હોય તો? 

એ જ પ્રકારે ગંભીર અને અસાધ્ય બિમારી કે મેડિકલ કન્ડિશન ધરાવનારને પણ અમેરિકાના પ્રમુખ બનવાનો પૂરો હક આપવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની વિકલાંગતા એમાં બાધારૂપ બનતી નથી. બે ઉદાહરણ જોઈએ તો,

• ચાર વખત પ્રમુખ બનનાર ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટને લકવો, પોલિયો અને હૃદયરોગ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. 

• જ્હોન એફ. કેનેડીને ઓસ્ટીયોપોરોસિસ, ગંભીર પીઠદર્દ, એલર્જી અને પેશાબની નળીમાં ચેપ જેવી સમસ્યાઓ હતી.

નિયમો તો બરાબર, પણ વાસ્તવિકતા શું?

ઉપર લખ્યા એ બધા કાગળ પરના નિયમો છે. મૂળ વાત તો એ છે કે પક્ષના નેતાઓ જ બહુમતિથી એમનો લીડર (પ્રમુખ પદના ઉમેદવાર) નક્કી કરતા હોય છે, એટલે સ્વાભાવિક છે કે નેતાગણ શારીરિક રીતે સાવ અક્ષમ વ્યક્તિની પસંદગી તો ન જ કરે. પ્રમુખ બની ગયા પછી શારીરિક બિમારીઓ લાગુ પડે તો ઠીક, બાકી ચૂંટણી પહેલાંથી જ જો એવી કોઈ ગંભીર સમસ્યા હોય તો એવા ઉમેદવારને સામાન્ય રીતે ટેકો આપવામાં આવતો નથી. જેમ કે,   

• વર્તમાન પ્રમુખ જો બાઈડન સ્મૃતિદોષ સહિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હોવાથી એમણે 2024ની પ્રમુખની ચૂંટણીની રેસમાંથી ખસી જવું પડ્યું હતું અને એમનું સ્થાન કમલા હેરિસને આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : અમેરિકામાં ફરી 2020ની જેમ હિંસા ભડકશે? ટ્રમ્પના નિવેદનથી ખળભળાટ, કહ્યું- 'જો હું હાર્યો તો..'

બે જ ટર્મ શાસન કરી શકે 

અમેરિકાના બંધારણ મુજબ સતત બે ટર્મ સુધી પ્રમુખ બન્યા પછી ત્રીજી વખત પ્રમુખ બની શકાતું નથી. જોકે, ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટનો કિસ્સો અપવાદરૂપ હતો. તેઓ 1933થી 1945 દરમિયાન ચાર વખત અમેરિકાના પ્રમુખ બન્યા હતા. તેમનો કાર્યકાળ પૂરો થયા પછી બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો જે મુજબ હવે કોઈપણ વ્યક્તિ ફક્ત બે ટર્મ અથવા 8 વર્ષ સુધી પ્રમુખ રહી શકે છે.


Google NewsGoogle News