બાઇડેન 26મી જાન્યુ.ની ઉજવણીમાં સામેલ નહીં થાય તેવી શક્યતા
- અમેરિકાના રાષ્ટ્રપતિને ભારતના મુખ્ય મહેમાન બનવા આમંત્રણ અપાયું છે
- બાઇડેનના ભારત આવવાના ઇનકારને પગલે જાન્યુ.માં ભારતમાં યોજાનારી ક્વાડ દેશોની બેઠકના સમયમાં ફેરફાર કરાશે
નવી દિલ્હી : ૨૬મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. દર વર્ષે મુખ્ય મહેમાન તરીકે અન્ય દેશોના કોઇ વડાને આમંત્રણ આપવામાં આવતું હોય છે. આ વખતની ઉજવણીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ગણતંત્ર દિવસે ભારત નહીં આવે તેવા અહેવાલો છે. બાઇડેનની ગેરહાજરીમાં ક્વાડ દેશોની બેઠક યોજવી પણ શક્ય નથી તેથી આ બેઠક આગામી વર્ષે અન્ય કોઇ મહિનામાં યોજવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને ભારત પધારીને ૨૬મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન બનવા આમંત્રણ મોકલ્યું હતું. જોકે અમેરિકાના વ્હાઇટ હાઉસે ભારતને જવાબ મોકલ્યો છે કે જો બાઇડેન ૨૬મી જાન્યુઆરીના રોજ ભારત આવી શકે તેમ નથી માટે તેઓ ૨૬મી જાન્યુઆરીની ઉજવણીમાં ભાગ નહીં લઇ શકે. પીટીઆઇના અહેવાલો મુજબ સુત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઇ સ્પષ્ટતા હજુસુધી કરવામાં નથી આવી.
જાન્યુઆરી મહિનામાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સંગઠન ક્વાડની બેઠક ભારતમાં યોજાવાની હતી. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ જાન્યુઆરીમાં ભારત આવવાના ન હોવાથી હવે ક્વાડની બેઠક પણ મુલતવી રાખવામાં આવી હોવાના અહેવાલો છે. અમેરિકાએ ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનો ભારતે પ્લાન ઘડ્યો હોવાના આરોપો લગાવ્યા હતા. આ આરોપો જુઠા હોવાનો ભારતે અમેરિકાને જવાબ પણ આપ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન જાન્યુઆરીમાં ભારત નહીં આવે તેવા અહેવાલો સામે આવ્યા છે. બીજી તરફ ક્વાડ દેશોની બેઠક જાન્યુઆરીમાં યોજાવાની હતી તેના બદલે આગામી વર્ષે અન્ય કોઇ મહિનામાં યોજવામાં આવશે તેવા પણ અહેવાલો છે. આ બેઠકમાં ઇન્ડો-પેસિફિક પ્રાંતમાં ચીનની વધી રહેલી દાદાગીરી સામે ક્વાડ દેશો દ્વારા મહત્વના પગલા લેવામાં આવી શકે છે. જો બાઇડેન હાલ ભારત કેમ નથી આવી રહ્યા તે અંગે કોઇ અહેવાલો સામે નથી આવ્યા. એવામાં હવે જ્યારે જો બાઇડેને ભારત આવવાની ના પાડી છે ત્યારે અન્ય દેશના કોઇ નેતાને ૨૬મી જાન્યુઆરીની ઉજવણીમાં મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવી શકે છે.