Get The App

આઠ ગુજરાતી સહિત 116 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને અમેરિકાએ ડિપોર્ટ કર્યા, બીજું વિમાન અમૃતસર પહોંચ્યું

Updated: Feb 15th, 2025


Google NewsGoogle News
આઠ ગુજરાતી સહિત 116 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને અમેરિકાએ ડિપોર્ટ કર્યા, બીજું વિમાન અમૃતસર પહોંચ્યું 1 - image


USA Deportation News | અમેરિકાથી દેશનિકાલ કરાયેલા  ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી ફ્લાઇટ અમૃતસર આવી પહોંચી છે. શનિવારે 116 ભારતીયોને લઇને આવેલુ અમેરિકન એરફોર્સનું વિમાન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયું. આમાંથી 60 થી વધુ પંજાબના અને 30 થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજું જૂથ છે જે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યું હતું અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.

આ અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ 104 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન વિમાન પણ અમૃતસરમાં ઉતર્યું હતું. તેમાંથી, હરિયાણાના 33, ગુજરાતના 37 અને પંજાબના 30 હતા. મોટાભાગના દેશનિકાલ કરાયેલા લોકોએ કહ્યું કે, તેઓ તેમના પરિવારોને વધુ સારું જીવન પૂરું પાડવા માટે અમેરિકામાં સ્થાયી થવા માંગતા હતા. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 157 ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (16 ફેબ્રુઆરી) અમૃતસર પહોંચવાની શક્યતા છે. તેમાંથી 59 હરિયાણાના, 52 પંજાબના, 31 ગુજરાતના અને બાકીના અન્ય રાજ્યોના છે.

ડંકી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે પકડાયા હતા 

આ બધા લોકો 'ડંકી રૂટ'નો ઉપયોગ કરીને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે સરહદ પર પકડાયા હતા. વાઈરલ વીડિયોમાં, અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સના પહેલા જૂથને સાંકળ અને હાથકડી પહેરાવીને લવાયા હતા. જેના પર ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથેના આ દુર્વ્યવહાર અંગે વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં વિપક્ષને ખાતરી આપી હતી કે ભારત સરકાર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા ભારતીયો સાથે કોઈપણ રીતે દુર્વ્યવહાર ન થાય.

PunjabUs

Google NewsGoogle News