ખાલિસ્તાની આતંકીઓ અંગે અમેરિકાનો મોટો નિર્ણય! અજીત ડોભાલ અને તુલસી ગબાર્ડ વચ્ચે વાતચીત
Tulsi Gabbard Meeting: અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડ અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) વચ્ચે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જો કે સુરક્ષા પરિષદમાં યોજાયેલી આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે એ વાત પર સહમતિ બની છે કે ભારત વિરોધી ગતિવિધિઓ કરવા માટે ખાલિસ્તાનીઓને હવે અમેરિકામાં સ્થાન નહીં મળે.
અજિત ડોભાલ અને તુલસી ગબાર્ડ વચ્ચે યોજાઈ ખાસ બેઠક
20 દેશોના ગુપ્તચર વિભાગના વડાઓ સાથે આયોજિત કોન્ફરન્સ ઉપરાંત અજિત ડોભાલ અને તુલસી ગબાર્ડ વચ્ચે ખાસ બેઠક યોજાઈ હતી. ભારત-અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સાથે સુરક્ષા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે, આ માટે અપનાવવામાં આવનારી પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આતંકવાદ અને ઉભરતી ટેક્નોલૉજીના જોખમો સહિત વિવિધ સુરક્ષા પડકારોનો સામનો કરવા પરસ્પર સહયોગ વધારવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. ઈન્ડો-પેસિફિક મહાસાગરમાં સુરક્ષા, આતંકવાદનું ભંડોળ, ઈમિગ્રેશન અને દેશનિકાલને લગતી ચર્ચાઓ પણ થઈ હતી.
તુલસી ગબાર્ડ ઘણા દેશોના પ્રવાસે
તુલસી ગબાર્ડ અઢી દિવસની મુલાકાતે રવિવારે સવારે ભારત પહોંચ્યા હતા. ગબાર્ડની મુલાકાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના ઉચ્ચ અધિકારીની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. તેઓ જાપાન, થાઈલેન્ડ અને ફ્રાંસના પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે ભારતની મુલાકાત પણ લીધી છે. ગયા મહિને, ગબાર્ડ વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.