Get The App

ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ભારત પરત આવ્યા બાદ સરકારની મોટી કાર્યવાહી, કબૂતરબાજોમાં ફફડાટ

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ભારત પરત આવ્યા બાદ સરકારની મોટી કાર્યવાહી, કબૂતરબાજોમાં ફફડાટ 1 - image


US illegal immigration: હરિયાણાના યુવકોને ડંકી રૂટથી અમેરિકા મોકલનારા એજન્ટો પર પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. હરિયાણાના કરનાલના ચાર એજન્ટ્સ વિરુદ્ધ ઇમિગ્રેશન ઍક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ખાનગી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, તાજેતરમાં અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા 104 લોકોમાં સામેલ ત્રણ લોકોએ આ એજન્ટ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર, કરનાલના મધુબન, રામનગર અને અસંધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. 104  ભારતીય ડિપોર્ટ થઈને આવ્યા છે, જેમાં 33 લોકો હરિયાણાના સામેલ છે. જેમાં હરિયાણાના કરનાલ જિલ્લાના 7 લોકોનો સમાવેશ થાય છે.

પોલીસે આ મામલે કરનાલના આકાશ અને સુમિતની ફરિયાદ પર ચાર એજન્ટ્સ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ એજન્ટ્સ પર ફ્રોડ અને ઇમિગ્રેશન એક્ટ લગાવવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, આકાશ અને સુમિત સહિત હરિયાણાના 33 લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે. તેને 5 ફેબ્રુઆરીએ અમેરિકન એરફોર્સના વિમાનમાં હાથ-પગ બાંધીને અમૃતસર એરપોર્ટ પર લવાયા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ 33 લોકો પાસેથી એજન્ટ્સ દ્વારા અંદાજિત 15 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે, જેમાં તેમને અમેરિકામાં નોકરી સુધીની લાલચ આપવામાં આવી. જો કે, લગભગ તમામ મેક્સિકો બોર્ડરની દિવાલ પાર કરીને અમેરિકામાં પહોંચતા જ એરેસ્ટ થઈ ગયા.

કરનાલના ડીએસપી રાજીવ કુમારે માહિતી આપી છે કે, છેલ્લા એક વર્ષમાં લગભગ 144 કેસ દાખલ થયા છે અને 83 કબૂતરબાજોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો લોકોને લાલચ આપીને અથવા ગેરકાયદેસર રીતે વિદેશ મોકલે છે. સાથે જ 37 વિરૂદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરાઈ છે. પોલીસ દ્વારા ધરપકડની કાર્યવાહી સતત ચાલી રહી છે, જેમાં દિલ્હી, હરિયાણા અને પંજાબના કબૂતરબાજ સામેલ છે.

અમેરિકાએ ડિપોર્ટની કાર્યવાહી કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, 'અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ડિપોર્ટેશન ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને તેમાં કંઈ નવું નથી.'


Google NewsGoogle News