કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પના ભાગ્યનો ફેંસલો કરશે આ સાત રાજ્ય, જાણો અમેરિકાના સ્વિંગ સ્ટેટ્સનું શું છે મહત્ત્વ
America Presidential Election 2024 Kamala Harris vs Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને આડે ફક્ત એક સપ્તાહનો સમય બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે ચૂંટણી જીતવા માટે ભરચક પ્રયાસ કર્યા છે. 5 નવેમ્બરે મતદાન થશે અને 24 કરોડ મતદાતાઓ નક્કી કરશે કે નવા પ્રમુખ કોણ બનશે. પ્રમુખપદ મેળવવા માટે હેરિસ અને ટ્રમ્પે સ્વિંગ સ્ટેટ્સ કહેવાતા સાત રાજ્યોના રહેવાસીઓના દિલ જીતવા જરૂરી છે. શા માટે? એવું તો શું ખાસ છે એ સાત રાજ્યોમાં? ચાલો સમજીએ સ્વિંગ સ્ટેટ્સનું ગણિત અને એમનું મહત્ત્વ.
આ સાત રાજ્ય કહેવાય છે ‘સ્વિંગ સ્ટેટ્સ’
અમેરિકામાં કુલ 50 રાજ્ય છે, એમાંથી પેન્સિલવેનિયા, મિશિગન, વિસ્કોન્સિન, જ્યોર્જિયા, નેવાડા, એરિઝોના અને નોર્થ કેરોલિના એ સાત રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે. આ રાજ્યોના મતદારોનો મૂડ હંમેશાં બદલાયા કરે છે, ક્યારેક તેઓ ડેમોક્રેટ્સ તરફ ઢળે છે તો ક્યારેક રિપબ્લિકન તરફ. આ રાજ્યોના મતદારો કોના પક્ષે મતદાન કરશે એનું અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ ગણાતું હોવાથી આ રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ કહેવામાં આવે છે.
સ્વિંગ સ્ટેટ્સમાંય સૌથી મોટું સ્ટેટ કયું?
અમેરિકામાં અત્યારે સૌથી મોટું સ્વિંગ સ્ટેટ પેન્સિલવેનિયા ગણાય છે. અહીં 19 ઈલેક્ટોરલ વોટ છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ અહીં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બંને જણે એકલા આ રાજ્યમાં પ્રચાર માટે જ કુલ 13.8 કરોડ ડોલરથી વધુનો ખર્ચ કરી નાંખ્યો છે.
સ્વિંગ સ્ટેટ્સ શા માટે આટલા મહત્ત્વના છે?
- અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સ્વિંગ સ્ટેટ્સનું શું મહત્ત્વ છે, એ સમજવા માટે અમેરિકામાં ચૂંટણી કઈ રીતે થાય છે, એ સમજવું પડશે. અમેરિકામાં ચૂંટણી નીચે મુજબ થાય છે.
- અમેરિકાના લોકો ચૂંટણીમાં તેમના મનપસંદ ઉમેદવારને મત તો આપે છે, પરંતુ તેમના મતથી સીધા જ રાષ્ટ્રપતિની પસંદગી થતી નથી. લોકો મત આપીને પોતાનો પ્રતિનિધિ (ઈલેક્ટર) પસંદ કરે છે.
- દરેક રાજ્યમાં પ્રતિનિધિની સંખ્યા અમેરિકાની ‘સેનેટ’ અને ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’માં તે પક્ષના પ્રતિનિધિઓની સંખ્યા જેટલી હોય છે. ઉદાહરણ તરીકે, મિશિગનમાંથી સેનેટમાં ધારાસભ્યોની સંખ્યા 4 હોય તો તે રાજ્યમાં પ્રતિનિધિની સંખ્યા પણ 4 થશે. આ પ્રતિનિધિઓ જ તેમની પસંદગીના ઉમેદવારને સીધો મત આપે છે, જેને ‘ઇલેક્ટોરલ વોટ’ કહેવાય છે.
- આમ, સામાન્ય મતદાર પોતાનો પ્રતિનિધિ પસંદ કરે અને એ પ્રતિનિધિઓના ઇલેક્ટોરલ વોટ્સ દ્વારા દેશના રાષ્ટ્રપતિ ચૂંટાય. આ પ્રકિયાને ‘ઇલેક્ટોરલ કૉલેજ’ કહેવાય છે.
- છેવટે જે રાજ્યમાં જે પક્ષના ઉમેદવારને વધારે ઇલેક્ટોરલ વોટ્સ મળ્યા હોય એ રાજ્ય એ ઉમેદવારની ઝોળીમાં જાય. આ રીતે સમગ્ર દેશના તમામ પચાસ રાજ્યોના મતોનો સરવાળો કરાય. કુલ 538 મતમાંથી જે ઉમેદવાર 270 મત મેળવે એ રાષ્ટ્રપતિ બની જાય.
- ઈલેક્ટોરલ વોટના મામલે કેલિફોર્નિયા રાજ્ય સૌથી આગળ છે. એના 54 વોટ છે. એ પછી ટેક્સાસ (40), ફ્લોરિડા (30), ન્યૂયોર્ક (28), ઇલિનોઇસ (19) અને પેન્સિલવેનિયા (19)નો નંબર આવે છે. ઓહાયો (17) પછી આવતાં સ્વિંગ સ્ટેટ્સ પૈકીના જ્યોર્જિયા (16), ઉત્તર કેરોલિના (16) અને મિશિગન (15) પણ ઝાઝા પાછા નથી, માટે ત્યાં જીતવું વિશેષ મહત્ત્વ ધરાવે છે.
સ્વિંગ સ્ટેટ્સમાં કોણ કોના પર ભારે?
પેન્સિલવેનિયા (19), જ્યોર્જિયા (16), ઉત્તર કેરોલિના (16) અને મિશિગન (15) પછી એરિઝોના, વિસ્કોન્સિન અને નેવાડા અનુક્રમે 11, 10 અને 6 ઇલેક્ટોરલ વોટ ધરાવે છે. તાજેતરના સર્વેમાં જાણવા મળ્યું છે કે સાતે સાત સ્વિંગ સ્ટેટ્સમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કટ્ટર સ્પર્ધા ચાલી રહી છે. પેન્સિલવેનિયા, જ્યોર્જિયા અને એરિઝોનામાં ટ્રમ્પ થોડા આગળ છે, તો વિસ્કોન્સિન, મિશિગન અને નેવાડામાં હેરિસનો હાથ ઉપર છે.
‘કહાની મેં ટ્વિસ્ટ’ જેવો દાવ પણ થાય છે
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત એક વિચિત્રતા એ છે કે રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર પણ રાષ્ટ્રપતિ પદ ન મેળવી શકે! હા, આમ બનવું શક્ય છે અને હકીકતમાં બન્યું પણ છે. રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ મત મેળવવા કરતાં વધારે જરૂરી છે ઈલેક્ટોરલ વોટ દ્વારા ઈલેક્ટોરલ કોલેજ જીતવું. વર્ષ 2016 માં એવું બન્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ મત જીત્યા હોવા છતાં હિલેરી ક્લિન્ટન ઈલેક્ટોરલ કોલેજમાં જીતી ન શકવાને કારણે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હારી ગયાં હતાં.