Get The App

CAA અંગે ભારતનું ટેન્શન વધારતો અમેરિકાનો રિપોર્ટ, બંધારણના ઉલ્લંઘનનો ગંભીર આરોપ મૂક્યો

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
CAA અંગે ભારતનું ટેન્શન વધારતો અમેરિકાનો રિપોર્ટ, બંધારણના ઉલ્લંઘનનો ગંભીર  આરોપ મૂક્યો 1 - image

 

US Report on CAA | અમેરિકન કોંગ્રેસની સ્વતંત્ર રિસર્ચ વિંગે ભારતમાં ચાલુ વર્ષે લાગુ થયેલા નાગરિકતા સુધારા કાયદા (CAA) અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રિસર્ચ વિંગે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં જણાવ્યું કે આ બિલની કેટલીક જોગવાઈઓ સંભવિત રીતે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કરે છે. 

CAA કાયદો શું છે? 

CAA 1955ના નાગરિકતા બિલમાં એક સુધારો છે જેને આ વર્ષે માર્ચમાં લાગુ કરાયો હતો. આ બિલ ચાર વર્ષ પહેલા 2019 માં સંસદમાં પસાર થયું હતું જેના લાગુ થયા બાદ 31 ડિસેમ્બરે 2014 થી પહેલા ભારત આવેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળી જશે. 

અમેરિકન કોંગ્રેસના રિપોર્ટમાં મુસ્લિમો પર ચિંતા વ્યક્ત કરાઈ  

અમેરિકન કોંગ્રેસની સ્વતંત્ર રિસર્ચ વિંગ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (CRS)ના રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) સાથે સીએએ ભારતની મુસ્લિમ વસતીના અધિકારોને ખતરામાં નાખી શકે છે. 

ભાજપ અંગે ગંભીર ટિપ્પણી 

રિપોર્ટમાં જણાવાયું છે કે સીએએનો વિરોધ કરનારા લોકો સત્તાધારી ભાજપથી ડરી ગયા છે જે હિન્દુ બહુમતવાદી, મુસ્લિમવિરોધી એજન્ડાને આગળ વધારી રહ્યો છે જે સત્તાવાર રીતે ધર્મનિરપેક્ષ દેશ તરીકે ભારતની સ્થિતિને ખતરામાં નાખે છે અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર માપદંડો અને ફરજનું ઉલ્લંઘન કરે છે. 

CAA લાગુ કરવાની ટાઈમિંગ પર સવાલ ઊઠાવ્યો 

રિપોર્ટમાં એમ પણ કહેવાયું કે સીએએને એવા સમયે લાગુ કરાયો જ્યારે ભાજપ તેનો ચૂંટણી પ્રચાર શરૂ કરી રહ્યો હતો અને નિરીક્ષકો માને છે કે તેને લાગુ કરવાની ટાઈમિંગ મોટાપાયે રાજકારણથી પ્રેરિત છે. ટીકાકારોનો હવાલો આપતાં રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે '...CAA માત્ર અમુક ધર્મોના લોકોને બચાવવા માટે રચાયેલ છે, તેનાથી અન્યો પાસે ખૂબ જ ઓછી તક રહેશે. આ રીતે તે કથિત રીતે ભારતના બિનસાંપ્રદાયિક માળખાને નબળું પાડવાના મોદી-ભાજપના પ્રયાસોને આગળ વધારી રહ્યું છે. એક વરિષ્ઠ  ટીકાકારના મતે, હવે એક એવી લોકશાહી સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જેમાં હિંદુઓની બહુમતી ધરાવતું રાષ્ટ્ર હોય અને જેમાં બાકીના લોકો દ્વિતીય દરજ્જાના નાગરિકો હોય.

CRSનો રિપોર્ટ અમેરિકન કોંગ્રેસનું સત્તાવાર વલણ દર્શાવતો નથી 

ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ પ્રકાશિત કરનાર કોંગ્રેસની સ્વતંત્ર રિસર્ચ વિંગ સીઆરએસ કોંગ્રેસને નિર્ણય લેવામાં મદદ કરવા રિપોર્ટ આપે છે પણ તે કોંગ્રેસના સત્તાવાર વલણનું પ્રતિનિધિત્વ નથી કરતી. અગાઉ બાઈડેન સરકારે ભારતમાં નાગરિકતા સુધારા કાયદાની નોટિફિકેશન વખતે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમેરિકી સરકાર તેના પર ચાંપતી નજર રાખી રહી છે. ભારત પણ અમેરિકા તરફથી કરાતી ટીકાઓને સતત ફગાવતું રહ્યું છે. 

CAA અંગે ભારતનું ટેન્શન વધારતો અમેરિકાનો રિપોર્ટ, બંધારણના ઉલ્લંઘનનો ગંભીર  આરોપ મૂક્યો 2 - image


Google NewsGoogle News