30 વધુ અધિકારીઓ UPSC ના રડારમાં, પૂજા ખેડકરની જેમ સર્ટિફિકેટ સાથે ચેડાં કર્યાનો દાવો
UPSC receives 30 complaints: બરતરફ કરવામાં આવેલ આઇએએસ પૂજા ખેડકર વિવાદ પછી આવા જ પ્રકારના અન્ય કેસ પણ સામે આવી શકે છે. પૂજા ખેડકર વિવાદ પછી યુપીએસસીને 30થી વધારે એવા અધિકારીઓની ફરિયાદ મળી છે જેમણે પોતાના સર્ટિફિકેટમાં ચેડાં કર્યા છે.
આયોગ ડોક્યુમેન્ટમાં ચેડાં કરનાર અધિકારીઓની તપાસ કરશે
આયોગ ટૂંક સમયમાં આવા અધિકારીઓની તપાસ કરી શકે છે. જો કે આયોગ તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. વાસ્તવમાં યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષા દેશની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પૈકીની એક છે. આ પરીક્ષાના માધ્યમથી આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અને આઈઆરએસ વગેરે અધિકારીઓની પસંદગી થાય છે. જે પછી તેમને મુખ્ય જવાબદારીઓ સોંપવામાં આવે છે.
ડોક્યુમેન્ટમાં ચેડાં કરનાર 30થી વધુ અધિકારીઓ અંગે ફરિયાદ
મીડિયા રિપોર્ટ અનુસાર પૂજા ખેડકર વિવાદ પછી યુપીએસસીના ડોક્યુમેન્ટમાં ચેડાં કરી પસંદગી પામેલા 30થી વધારે અધિકારીઓની ફરિયાદ મળી છે. દાવો કરવામાં આવ્યો છે કે પસંદગી પામેલા અધિકારીઓએ પોતાના સર્ટિફિકેટ અને અન્ય વિગતોમાં ખોટી માહિતી આપી છે.
ઓબીસી કોટાના દુરુપયોગ બદલ પૂજા સામે કાર્યવાહી
બીજી તરફ સરકાર ઉમેદવારો દ્વારા દિવ્યાંગતા માપદંડ અને કોટાના દુરુપયોગને રોકવાના ઉપાયો પર સક્રિય રીતે વિચારના કરી રહી છે. આ માટે એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પૂજા ખેડકરને તત્કાલિન અસરથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (આઇએએસ) માંથી મુક્ત કરી દીધા છે. સરકારે પરીક્ષામાં ઓબીસી કોટાના દુરુપયોગ બદલ પૂજા ખેડકર સામે આ કાર્યવાહી કરી છે.