Get The App

UPSCમાં સીધી ભરતીની જાહેરાત પર વિપક્ષ ભડક્યો, મોદી સરકારને અનામત વિરોધી ગણાવી

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
UPSCમાં સીધી ભરતીની જાહેરાત પર વિપક્ષ ભડક્યો, મોદી સરકારને અનામત વિરોધી ગણાવી 1 - image


UPSC Direct Entryon 45 Posts Notification: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ લેટરલ એન્ટ્રી દ્વારા 45 જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત કરી છે. જેમાં 45 જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર લેવલની પોસ્ટનો સમાવેશ થાય છે. આ પદો પર ભરતી વિવિધ મંત્રાલયોમાં સીધી ભરતી દ્વારા કરવામાં આવશે. આ ભરતીઓ અનુભવ અને કામના આધારે કરવામાં આવશે. તેની અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કે વિપક્ષ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 2019માં પહેલીવાર મોદી સરકારે આ પદો પર સીધી ભરતી દ્વારા ભરતી કરી હતી. હવે ફરી તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

મોદી સરકાર તેમના ત્રીજા કાર્યકાળમાં વહીવટી સ્તરે સુધારા માટે ઘણાં પગલાં લઈ રહી છે. ગયા અઠવાડિયે જ કેબિનેટ સચિવ અને ગૃહ સચિવ સહિત 20 સચિવોની બદલી કરવામાં આવી હતી. હવે સરકારે 'ડોમેન એક્સપર્ટસ' ની ભરતીની જાહેરાત કરી છે. યુપીએસસીએ તેના માટે  જાહેરાત બહાર પાડી છે અને અરજીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આ ભરતીમાં 10 જગ્યાઓ સંયુક્ત સચિવ સ્તરની છે, અને બાકીની નિયામક અને નાયબ સચિવ સ્તરની જગ્યાઓ છે. જે નવીકરણીય ઊર્જા, મીડિયા, પર્યાવરણ, કૃષિ, ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત મંત્રાલયોમાં ભરતી કરવામાં આવશે. 

આ પણ વાંચો - અનામત છીનવવાની ભાજપની જીદના કારણે ઉમેદવારોનું ભવિષ્ય અંધારામાં: રાહુલ ગાંધીનો પ્રહાર

સરકારનું કહેવું છે કે, એક્સપર્ટસ ફિલ્ડ વિશે વધુ જાણકારી ધરાવતા હોય છે. અને તેમના અનુભવ દ્વારા ઘણો સુધારો કરી શકાય છે. આ સાથે જ સરકારી વિભાગોને પણ ખાનગી ક્ષેત્રના સારા અનુભવી લોકોની મહેનતનો લાભ મળી શકશે. વિપક્ષ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

વિપક્ષ શા માટે કરી રહ્યો છે વિરોધ?

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું છે, કે ‘આ ભરતીઓમાં કોઈપણ પ્રકારની અનામતની જોગવાઈ નથી. જો ભરતી UPSC દ્વારા કરવામાં આવે છે, તો SC, ST અને OBCને અનામતનો લાભ આપવો જોઈએ. કેન્દ્રની મોદી સરકાર બાબા સાહેબે લખેલા બંધારણ અને અનામતની ઘૃણાસ્પદ રીતે મજાક ઉડાવી રહી છે. આ જાહેરાત તેનું નાનું ઉદાહરણ છે. વિપક્ષે તે જાહેરાતનો ફોટો પણ પોસ્ટ કર્યો છે.’ 

અનામત અંગે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે ‘અનામત ખતમ કરવાની મોદી સરકારની આ ખૂબ જ વ્યવસ્થિત, યોજનાબદ્ધ અને ચાલાકીભરી પદ્ધતિ છે. તમને જણાવી દઈએ કે, આ સરકારી નોકરી ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર રહેશે. જોઈન્ટ સેક્રેટરી માટે 17 વર્ષ, ડાયરેક્ટર માટે 10 વર્ષ અને ડેપ્યુટી સેક્રેટરી માટે સાત વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે રાખવામાં આવી છે.’

કોંગ્રેસે પણ આ ભરતીનો વિરોધ કરતાં કહ્યું છે કે, ‘મોદી સરકારે અનામત પર હુમલો કર્યો છે. મોદી સરકારે કેન્દ્રમાં 45 જગ્યા ભરવા માટે લેટરલ એન્ટ્રી માટે જાહેરાત આપી છે. આમાં SC, ST અને OBC માટે કોઈ અનામત નથી. મોદી સરકાર આવું જાણી જોઈને કરી રહી છે, જેથી આ વર્ગના લોકોને અનામતથી દૂર રાખી શકાય.’ 

તો બહુજન સમાજ પાર્ટીના વડાં માયાવતીએ પણ યુપીએસસીની જાહેરાતનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે ‘તેના કારણે નીચલા પદ પર કામ કરતા કર્મચારીઓ પ્રમોશનથી વંચિત રહેવુ પડશે. તમને જણાવી દઈએ કે આ પદો સુધી પહોંચવા માટે IAS અધિકારીઓને પણ લાંબા સમય સુધી કામ કરવું પડે છે. આ ભરતી દ્વારા આ જગ્યાઓ પર કોઈપણ જાતની પરીક્ષા વગર લોકોની ભરતી કરવામાં આવશે. આ પ્રાઈવેટ સેક્ટરના લોકો માટે આ એક સોનેરી તક છે.’



Google NewsGoogle News