Get The App

પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી: UPSCએ IAS પદ છીનવી લીધું, કોઈ પરીક્ષા પણ નહીં આપી શકે

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી: UPSCએ IAS પદ છીનવી લીધું, કોઈ પરીક્ષા પણ નહીં આપી શકે 1 - image


Image Source: Twitter

IAS Puja Khedkar Case: વિવાદાસ્પદ ટ્રેઇની IAS અધિકારી પૂજા ખેડકરને મોટો ઝટકો લાગ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આયોગે પૂજા ખેડકરનું IAS પદ છીનવી લીધું છે અને તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આયોગે ખુદ આ માહિતી આપી છે. આયોગે જણાવ્યું કે, સિવિલ સર્વિસ પરીક્ષા-2022 (CSE-2022) માટે કામચલાઉ ભલામણ કરાયેલ ઉમેદવાર પૂજા મનોરમા દિલીપ ખેડકરની કામચલાઉ ઉમેદવારી આજે રદ કરી દેવામાં આવી છે. આ સાથે જ તેના પર ભવિષ્યની તમામ પરીક્ષાઓ આપવા પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

UPSCએ પહેલાં જ કાર્યવાહીના સંકેત આપી દીધા હતા

UPSCએ આ અંગેનો સંંકેત અગાઉથી જ આપી દીધો હતો. UPSCનું કહેવું હતું કે, જો પૂજા ખેડકર પર લગાવવામાં આવેલા આરોપો સાચા સાબિત થશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. UPSCએ પણ પૂજા ખેડકરને આ અંગે કારણ જણાવો નોટિસ ફટકારી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે, કેમ પૂજા ખેડકરની સિવિલ સર્વિસ પરીક્ષા-2022ની ઉમેદવારીને રદ કરવામાં ન આવે? 

UPSCએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે, પૂજા ખેડકરે તેનું નામ, તેના માતા-પિતાના નામ, તેનો ફોટો, સહી, ઈમેલ આઇડી, મોબાઇલ નંબર અને સરનામું બદલીને નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ખેડકરે ફ્રોડ કરીને પરીક્ષા આપી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પૂજા ખેડકર પર આરોપ છે કે તેણે ઓબીસી હેઠળ અનામત મેળવવા માટે છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત સેવામાં તહેનાત થતાં જ ખોટી માંગણીઓ શરુ કરી હતી. તેની આવી હરકતો ધ્યાનમાં આવ્યા પછી અનેક ગેરરીતિઓનો પર્દાફાશ થયો હતો, જેથી તેમની વિરુદ્ધ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. 


Google NewsGoogle News