યુપીના સંભલ હિંસા : સપા સાંસદ સહિત 2700 સામે ફરિયાદ, 25ની ધરપકડ
- મસ્જિદના સરવે દરમિયાન હિંસામાં મૃત્યુઆંક ચાર થયો
- કુલ સાત ફરિયાદો, એનએસએ પણ લગાવાયો, ડ્રોન કેમેરા ફૂટેજની મદદથી હિંસાખોરોની ઓળખ કરાઇર્
સંભલ : ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદનો સરવે કરવા ગયેલી ટીમ અને પોલીસ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ચાર લોકો માર્યા ગયા હતા. આ સમગ્ર હિંસાની ઘટનાની મેજિસ્ટરિયલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને સાત ફરિયાદો દાખલ કરી છે. જેમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા ઉર રેહમાન અને સપાના ધારાસભ્ય ઇકબાલ મેહમૂદના પુત્ર સોહૈલ સહિત કુલ ૨૭૦૦ લોકોનો સમાવેશ થાય છે. સાથે જ કેટલાક મામલામાં એનએસએ લગાવાયો છે અને ૨૫ લોકોની ધરપકડ પણ કરાઇ છે.
પોલીસે જણાવ્યું હતું કે હિંસાખોરોને ઓળખવા માટે ડ્રોન કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, કુલ ૨૭૫૦ અજાણ્યા લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે.
જ્યારે ચાર મોટા પોલીસ અધિકારીઓ સહિત કુલ ૨૪ પોલીસકર્મીઓ ઘવાયા છે. સંભલ શાહી જામા મસ્જિદના સદર ઝફર અલીની પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે સવારે ઝફરે પ્રેસ કોન્ફરંસ કરીને પોલીસ અને એસડીએમ પર આરોપો લગાવ્યા હતો કે હિંસા માટે તેઓ જવાબદાર છે સાથે દાવો કર્યો હતો કે મે લોકોને શાંતિની અપીલ કરી હતી પરંતુ પોલીસે દેશી કટ્ટાનો ઉપયોગ કર્યો હતો, સરવે દરમિયાન એસડીએમ મસ્જિદના વઝૂનું પાણી નિકાળવા માગતા હતા જેની ખોટી માહિતી બહાર જતા હિંસા ભડકી ઉઠી હતી. જોકે સ્થાનિક અધિકારીઓએ મસ્જિદના સદર સામે કાર્યવાહી કરી હોવાના દાવાને નકાર્યા હતા.
રવિવારની હિંસાના બીજા દિવસે સોમવારે પોલીસે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી, હાલ સમગ્ર વિસ્તારમાં બીએનએસ હેઠળ પ્રતિબંધિત આદેશ જારી કરાયો છે, અને ૩૦ નવેમ્બર સુધી પ્રવેશબંધી રાખવામાં આવશે. સાથે જ ઇન્ટરનેટ સેવાને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.
બચાવમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા ઉર રેહમાને કહ્યું હતું કે રવિવારે હિંસા ભડકી તે દિવસે હું રાજ્યમાં જ હાજર નહોતો તો સંભલમાં હાજર હોવાનો કોઇ સવાલ જ નથી રહેતો. હું ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક માટે બેંગલુરુમાં હતો. સ્થાનિક કોર્ટમાં એક અરજી દ્વારા દાવો કરાયો છે કે સંભલની શાહી જામા મસ્જિદને બાબરે એક મંદિર તોડીને બનાવી હતી.
બાદમાં કોર્ટે મસ્જિદના સરવેનો આદેશ આપ્યો હતો. રવિવારે ફરી સરવે ટીમ મસ્જિદ પહોંચી તે સમયે હિંસા ભડકી ઉઠી હતી. જે દરમિયાન ચાર લોકો માર્યા ગયા હતા. જેમાંથી એક મૃતકના પરિવારનો દાવો છે કે પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું જ્યારે પોલીસે આ આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે હિંસાખોરોમાંથી કેટલાક ઉપદ્રવીયો દ્વારા આ ગોળીબાર કરાયો છે જેની અમે પણ તપાસ કરી રહ્યા છીએ.
બીજી તરફ ડિવિઝનલ કમિશનર ઔંજાનેયા સિંઘે જણાવ્યું હતું કે ટોળામાંથી જ ગોળીબાર કરાયો હતો, જેના પુરાવા તરીકે અમારી પાસે વીડિયો પણ છે. અનેક વાહનોને આગ લગાવવામાં આવી છે, સ્થિતિને કાબુમાં લેવા માટે નજીકના જિલ્લામાંથી વધારાના પોલીસ જવાનોને બોલાવવા પડયા હતા, રવિવાર સાંજથી જ સમગ્ર જિલ્લામાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવામાં આવી છે.