સરકારના કામને વખાણો તો માલામાલ દેશ વિરોધી પોસ્ટ કરો તો આજીવન કેદ
- ઉત્તર પ્રદેશ સરકારની નવી સોશિયલ મીડિયા પોલિસીને મંજૂરી
- ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, યુટયુબના ઇન્ફ્લ્યૂએન્સરને યોજનાઓના વખાણ બદલ મહિને બેથી આઠ લાખ અપાશે
લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર દ્વારા નવી સોશિયલ મીડિયા પોલિસી લાવવામાં આવી છે. જેમાં એક આકરી જોગવાઇ કરવામાં આવી છે. જે મુજબ જો કોઇ વ્યક્તિ સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પોસ્ટ કરે તો તેને ત્રણ વર્ષથી આજીવન કેદની સજા કરવામાં આવી શકે છે. તેવી જ રીતે જો કોઇ સોશિયલ મીડિયા પર સરકારના કામના વખાણ કરતી પોસ્ટ કરે તો તેને માલામાલ કરી દેવામાં આવશે.
યોગી સરકારે ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટયુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થતા વીડિયો, તસવીરો તેમજ તમામ પ્રકારની સામગ્રીને રેગ્યુલેટ કરવા માટેની સોશિયલ મીડિયા પોલિસીને મંજૂરી આપી છે. આ પ્લેટફોર્મ પર જો કોઇ યુઝર દેશ વિરોધી સહિતની વાંધાજનક કન્ટેન્ટ શેર કરે તો તેની સામે આકરા પગલા લેવામાં આવશે. આવા વ્યક્તિ સામે દેશ વિરોધી પોસ્ટ કરી હોવાના આરોપો સિદ્ધ થયા બાદ તેને ત્રણ વર્ષથી આજીવન કેદની સજા થઇ શકે છે. રિપોર્ટ મુજબ આવા લોકોની સામે ગુનાહિત બદનક્ષીના આરોપો પણ લગાવવામાં આવી શકે છે.
જોકે પોલિસીમાં માત્ર દેશ વિરોધી કન્ટેન્ટને લઇને સજાની જ જોગવાઇ નથી, સાથે જ તેમાં સોશિયલ મીડિયા યૂઝર્સને કમાણી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. જેમ કે જો કોઇ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએંસર સરકારના કામકાજના વખાણ કરતી પોસ્ટ કરે તો તેને મહિને બે લાખથી આઠ લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે. આ માટે સરકાર દ્વારા જુદી જુદી કેટેગરી તૈયાર કરાઇ છે. ફોલોઅર્સ અને સબ્સ્કાઇબર્સની સંખ્યાના આધારે ચાર કેટેગરી તૈયાર કરાઇ છે. ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બેથી પાંચ લાખ જ્યારે યુટયુબ વીડિયો, શોર્ટ્સ અને પોડકાસ્ટ પર ઇન્ફ્લુએંસરને ચારથી આઠ લાખ મળશે. સરકાર દ્વારા એજન્સીઓની પણ પસંદગી થશે જેને આ આવા ઇન્ફ્લુએંસર્સને શોધવાનું અને જાહેરાતો આપવાનું કામ સોપવામાં આવશે.