Get The App

ઓડિશામાં મહિલા સાથે રસ્તા પર, પોલીસ સ્ટેશનમાં જાતીય સતામણીથી હોબાળો

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
ઓડિશામાં મહિલા સાથે રસ્તા પર, પોલીસ સ્ટેશનમાં જાતીય સતામણીથી હોબાળો 1 - image


- સૈન્ય અધિકારી અને તેની ફિઆન્સ પર હુમલાના વીડિયો વાયરલ

- પોલીસ સ્ટેશનમાં આર્મી અધિકારીને કેદ કરાયો, મહિલાના કપડાં ઉતારી છાતી પર લાતો મારી બળાત્કારની ધમકી અપાઈ

- મહિલા પર અત્યાચારનો વિવાદ વકરતા પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ, રસ્તા પર હુમલો કરનાર સાત આરોપીની ધરપકડ

ભુવનેશ્વર : ઓડિશાના ભુવનેશ્વરમાં એક સૈન્ય અધિકારી અને નિવૃત્ત બ્રિગેડીયરની પુત્રી સાથે પોલીસ સ્ટેશનમાં થયેલા અત્યાચારનો કિસ્સો સામે આવ્યા પછી હવે તેમની સાથે રસ્તા પર કેટલાક લોકોએ કરેલા હુમલાના ત્રણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ હુમલાની ફરિયાદ કરવા આર્મી ઓફિસર અને તેની ફિઆન્સ પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ કર્મચારીઓએ તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો અને આર્મી ઓફિસરને કોઈ કારણ વિના જેલમાં કેદ કરી દીધો હતો. આ વિવાદમાં વિપક્ષ બીજેડીએ રાજભવન નજીક ધરણાં કર્યા હતા જ્યારે કોંગ્રેસે મુખ્યમંત્રી નિવાસનો ઘેરાવ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર શનિવારે વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા અને સૈન્ય અધિકારીને કેટલાક લોકોએ ઘેરી લીધા હોવાનું જોવા મળે છે. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થાય છે. તેઓ આર્મી ઓફિસર અને મહિલાને ગાળો પણ આપતા દેખાય છે. આ ઘટના ૧૫ સપ્ટેમ્બરની છે જ્યારે ભારતીય સૈન્યમાં નિવૃત્ત બ્રિગેડિયરની પુત્રી અને સૈન્ય અધિકારીની ફિઆન્સ રાતે ૧.૦૦ વાગે તેની રેસ્ટોરાં બંધ કરીને હોટેલ પાછા ફરી રહ્યા હતા ત્યારે થઈ હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં મહિલા અને સૈન્ય અધિકારી સાથે કેટલાક લોકો ઉગ્ર બોલાચાલી કરતા દેખાય છે. તેઓ એમ પણ કહે છે કે 'આ દિલ્હી નથી.' મહિલાને 'અતિ આત્મવિશ્વાસ નહીં બતાવવા' જણાવે છે. ત્યાર પછી તેઓ સૈન્ય અધિકારી અને મહિલા સાથે મારપીટ કરે છે. વીડિયોના અંતમાં મહિલા અને અધિકારી કાર તરફ જતા દેખાય છે. મહિલા કહે છે કે તે પોલીસ પાસે જશે. જોકે, આ વીડિયોની પુષ્ટી થઈ શકી નથી.

મહિલા અને સૈન્ય અધિકારી ભુવનેશ્વરના ભરતપુર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે તેમની સાથે વધુ ભયાનક અત્યાચાર થાય છે. તેઓ પોલીસ સ્ટેશન પહોંચતા એક મહિલા કોન્સ્ટેબલે તેમને મદદ કરવાનો ઈન્કાર કરી દીધો અને મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. એટલામાં અન્ય પોલીસ કર્મચારી અને એક અધિકારી ત્યાં પહોંચે છે. તેઓ સૈન્ય અધિકારીને કોઈપણ કારણ વિના જેલમાં કેદ કરી દે છે.

મહિલા વિરોધમાં અવાજ ઉઠાવે છે અને કહે છે કે તે સૈન્ય અધિકારી છે, તમે તેને જેલમાં પૂરી શકો નહીં તો બે મહિલા કર્મચારીઓ તેના પર હુમલો કરે છે અને તેના હાથ પગ બાંધીને તેને રૂમમાં પૂરી દે છે. થોડાક સમય પછી એક પુરુષ અધિકારી રૂમમાં આવે છે અને મહિલાના કપડાં ઉતારી તેને છાતી પર લાતો મારે છે તથા પોતાનું પેન્ટ ઉતારી રેપની ધમકી આપે છે.

દરમિયાન પોલીસ અધિકારીઓએ આરોપ મૂક્યો કે મહિલા અને સૈન્ય અધિકારીએ દારૂના નશામાં એક પોલીસ અધિકારી સાથે મારપીટ કરી અને પોલીસ સ્ટેશનની સંપત્તિને નુકસાન પહોંચાડયું હતું. પોલીસે આ સપ્તાહની શરૂઆતમાં મહિલાની અટકાયત કરી હતી. જોકે, ઓડિશા હાઈકોર્ટે મહિલાને જામીન આપ્યા હતા. ૧૫ સપ્ટેમ્બરની આ ઘટના ૧૯ સપ્ટેમ્બરે બહાર આવી હતી જ્યારે જામીન પર છૂટેલી મહિલાની એઈમ્સમાં સારવાર કરાવાઈ હતી.

એઈમ્સમાંથી બહાર આવતા મહિલાએ આ ઘટના અંગે મીડિયા સમક્ષ નિવેદન આપ્યા બાદ ઓડિશા સરકારે ભરતપુર પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેમના પર અત્યાચારની કાર્યવાહી શરૂ કરી છે. વધુમાં આ ઘટનાની તપાસ કરતાં પોલીસે શનિવારે રસ્તા પર મહિલા અને આર્મી અધિકારી સાથે મારપીટ કરનારા સાત લોકોની ધરપકડ કરી હતી. 

બીજીબાજુ વિપક્ષ બીજેડીએ ભાજપ શાસનમાં મહિલાઓ સુરક્ષિત નહીં હોવાનો દાવો કરતાં રાજ ભવન સામે ધરણાં કર્યા હતા જ્યારે કોંગ્રેસે સીએમ હાઉસને ઘેરી લેતા દેખાવો કર્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે વીડિયોમાં એક યુવક મોહન માંઝીનું નામ લેતા સંભળાય છે. આ બધા લોકો ભાજપ સાથે સંકળાયેલા છે.


Google NewsGoogle News