પયગમ્બર સાહેબનું અપમાન કરતી ટિપ્પણી બદલ મહારાષ્ટ્રમાં હોબાળો, પોલીસ સ્ટેશને ભીડનો પથ્થરમારો
Image: Facebook
Yati Narsinghanands Disputed Statement: પયગમ્બર મોહમ્મદ સાહેબ પર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત મંદિરના મહંત યતિ નરસિંહાનંદની વિવાદિત ટિપ્પણીને લઈને મહારાષ્ટ્રમાં હોબાળો થયો. મહારાષ્ટ્રના અમરાવતીમાં ભીડે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. એફઆઈઆર નોંધવાની માગને લઈને પહોંચેલી ભીડે ખૂબ પથ્થરમારો કર્યો. જેમાં ઘણા પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થઈ ગયા. બળ પ્રયોગ કરીને ભીડે કોઈ પણ રીતે કાબૂ મેળવ્યો.
નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન પરિસરમાં સેંકડો પથ્થર ફેંકવામાં આવ્યા. સૂત્રોચ્ચાર કરતાં ભીડ મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમની માગ હતી કે યતિ નરસિંહાનંદ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે. આ દરમિયાન અચાનક ભીડ ઉગ્ર થઈ ગઈ અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કરી દેવાયો.
પથ્થરમારામાં 21 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થઈ ગયા. પોલીસે જણાવ્યું કે અમરાવતી શહેરના નાગપુરી ગેટ પોલીસ સ્ટેશનની બહાર શુક્રવારની રાત્રે થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસની 10 વાનને નુકસાન પહોંચ્યુ છે. એક અધિકારીએ જણાવ્યું કે આ દરમિયાન 1,200 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેમાંથી 26ની ઓળખ કરી લીધી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) ની કલમ 163 હેઠળ મનાઈ હુકમ જારી કરીને નાગપુરી ગેટ વિસ્તારમાં પાંચ કે તેનાથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઉત્તર પ્રદેશના ડાસના સ્થિત દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદે 29 સપ્ટેમ્બરે પયગમ્બર મોહમ્મદ સાહેબ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ગુરુવારે રાત્રે તેનો વીડિયો સામે આવ્યો તો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. ગાઝિયાબાદ પોલીસે યતિ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. જોકે, મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે કે માત્ર એફઆઈઆર પૂરતી નથી, યતિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે.
એક તરફ સોશિયલ મીડિયા પર લોકોએ યતિ વિરુદ્ધ કાર્યવાહી માટે અવાજ ઉઠાવ્યો તો બીજી તરફ લોકોએ રસ્તા પર ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા. ગાઝિયાબાદમાં પણ શુક્રવાર રાત્રે ઘણા સ્થળો પર પ્રદર્શન કરવામાં આવ્યુ. મહારાષ્ટ્રના અમરાવતીમાં ભીડ હિંસક થઈ ઉઠી. સેંકડોની સંખ્યામાં પહોંચેલા લોકોએ પહેલા તો ખૂબ સૂત્રોચ્ચાર કર્યા અને પછી અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો. પોલીસે ખૂબ મહેનત બાદ સ્થિતને કાબૂ કરી. શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. નાગપુરી પોલીસ સ્ટેશનની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત છે. આરોપીઓની શોધ શરૂ કરી દેવાઈ છે. પોલીસે દોષિતો વિરુદ્ધ આકરી કાર્યવાહીની વાત કહી છે.