અચાનક ડાઉન થયેલી UPI સેવાઓ હવે સામાન્ય થઈ, ઑનલાઈન પેમેન્ટ કરવામાં આવી હતી મુશ્કેલી
UPI Down in India: પેમેન્ટ કરવાનો સૌથી સરળ રસ્તો યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ની સેવાઓ બુધવારે (26 માર્ચ, 2025) અચાનક બંધ થઈ ગઈ હતી. એવું સામે આવ્યું છે કે 26 માર્ચની સાંજે આ પેમેન્ટ સર્વિસને એક મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે અનેક યુઝર્સ ડિજિટલ પેમેન્ટ કરી શક્યા નહીં. આ અચાનક સમસ્યાને કારણે, યુઝર્સને Google Pay, PhonePe અને Paytm જેવી લોકપ્રિય પેમેન્ટ એપ્લિકેશનો દ્વારા પેમેન્ટ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જોકે, હવે UPI સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પણ આ અંગે એક સત્તાવાર નિવેદન જારી કર્યું છે.
ઓનલાઈન સેવાઓના ડાઉનટાઇમ પર નજર રાખતા પ્લેટફોર્મ ડાઉનડિટેક્ટર અનુસાર, બુધવારે સાંજે 7:50 વાગ્યા સુધીમાં UPI સંબંધિત 3,000 થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. આમાંથી, 296 ફરિયાદો ગુગલ પે યુઝર્સ તરફથી હતી, જેમાંથી મોટાભાગની ફરિયાદો પેમેન્ટ, વેબસાઇટ એક્સેસ અને એપ સાથે સંબંધિત હતી. આવી ફરિયાદો કરનારા યુઝર્સની સંખ્યા ઝડપથી વધી છે અને ગૂગલ પે સિવાયની એપ્સ દ્વારા પેમેન્ટ કરનારાઓને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. હવે યુઝર્સ પહેલાની જેમ કોઈપણ મુશ્કેલી વિના ઓનલાઈન પેમેન્ટ કરી શકે છે.
NPCI એ સ્વીકાર્યું કે UPI ડાઉન થયું હતું
UPI સેવાઓનું સંચાલન કરતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ અચાનક આવેલી સમસ્યા અંગે એક સત્તાવાર નિવેદન જારી કર્યું છે. NPCI એ સ્વીકાર્યું કે ટેકનિકલ ખામીને કારણે ઘણા યુઝર્સ વ્યવહાર કરી શક્યા ન હતા પરંતુ હવે સેવાઓ સામાન્ય થઈ ગઈ છે અને ખામી દૂર થઈ ગઈ છે. નિવેદન અનુસાર, 'NPCI ને થોડા સમય માટે ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે યુઝર્સને UPI પેમેન્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા હવે ઠીક થઈ ગઈ છે અને સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી છે. અસુવિધા માટે અમે દિલગીર છીએ.'
સોશિયલ મીડિયા પર લોકોએ આપી પ્રતિક્રિયા
દેશમાં UPIની સેવા અનેક જગ્યાઓ પર ઠપ થઈ ગઈ હતી, જેનાથી લોકોને ડિજિટલ ચૂકવણીમાં મુશ્કેલી થઈ રહી હતી. જ્યારે UPI ડાઉન હતું ત્યારે કેટલાક યુઝર્સની ફરિયાદ હતી કે, તેમનું UPI પેમેન્ટ ફેલ થઈ રહ્યું છે અથવા ખુબ વાર લાગી રહી છે. કેટલાક બેંકોના ગ્રાહકોને UPI દ્વારા પૈસા મોકલવા અને મંગાવવામાં મુશ્કેલી થઈ રહી છે. યુઝર્સ UPI લેવડ-દેવડથી જોડાયેલી સમસ્યાને લઈને પોતાની ફરિયાદ અને નારાજગી ઈન્ટરનેટ પર વ્યક્ત કરી હતી.
ઘણા વેપારીઓએ જણાવ્યું હતું કે, ગ્રાહકો UPI દ્વારા ચુકવણી કરી શકતા નથી, જેના કારણે વ્યવહારો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. ઓનલાઈન શોપિંગ અને એપ્સ પર પેમેન્ટ ફેઈલ થવાની ફરિયાદો પણ મળી છે. કેટલાક યુઝર્સે ફરિયાદ કરી છે કે ફોનપે, ગુગલ પે અને પેટીએમ જેવી એપ્સ યોગ્ય રીતે કામ કરી રહી નથી.
આવી સ્થિતિમાં શું કરવું?
જો તમારી UPI ચુકવણી નિષ્ફળ જાય તો કૃપા કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો. પરંતુ તે પહેલાં આ બાબતને લગતા અપડેટ્સ માટે NPCI અને તમારી બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત અખબારોના સોશિયલ મીડિયા પેજ જરૂર જુઓ. ઉપરાંત, તમારા બધા પેમેન્ટ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા રોકડ દ્વારા કરો.