Get The App

રાહુલ ગાંધીની ગેરંટીથી કોંગ્રેસ મૂંઝવણમાં, પાર્ટી કાર્યાલય પર મહિલાઓ પૈસા લેવા ઉમટી, જાણો મામલો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીની ગેરંટીથી કોંગ્રેસ મૂંઝવણમાં, પાર્ટી કાર્યાલય પર મહિલાઓ પૈસા લેવા ઉમટી, જાણો મામલો 1 - image


UP Lok Sabha Election Results 2024: દેશમાં લોકસભાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીમાં દરેક પક્ષે અલગ-અલગ વચનો આપ્યા હતા. આ વખતના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પાર્ટીના ગેરેંટી કાર્ડના વચનની ખૂબ ચર્ચા થઈ હતી, જેમાં મહિલાઓને વાર્ષિક 1,00,000 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી દ્વારા પાંચ વચનની બાંયધરી આપતો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો.

જેમાં મહિલાઓને ₹100000 આપવાની ગેરંટી આપવામાં આવી હતી. આ માટે કોંગ્રેસે ચૂંટણી સમયે મહિલાઓને ફોર્મનું વિતરણ કર્યું હતું અને તેમને તે ફોર્મ ભરવા આહ્વાન કર્યું હતું. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ લખનઉની ઘણી મહિલાઓ કોંગ્રેસ કાર્યાલયે પહોંચી આ ફોર્મ જમા કરાવવા ઉમટી પડી હતી. તેમજ  રૂ. 100,000ની માંગણી કરી હતી.

કોંગ્રેસ ઓફિસની બહાર જોવા જેવી થઈ

લખનઉમાં કોંગ્રેસ ઓફિસની બહાર ઘણી મહિલાઓનો જમાવડો જોવા મળ્યો હતો. જેમાંથી અમુક આ ખટાખટ સ્કીમનું ફોર્મ જમા કરાવવા આવી હતી, જ્યારે અમુક નવુ ફોર્મ લેવા આવી હતી. જેમાં કોંગ્રેસ કાર્યાલયે પોતાની પાસે ઉપલબ્ધ ફોર્મ મહિલાઓને વહેંચી દીધા હતા. જો કે, મહિલાઓની ભીડ ચાલુ જ રહી હતી.

કોંગ્રેસ પાર્ટીના લોકોની મુશ્કેલી વધી

કોંગ્રેસ કાર્યાલયની બહાર એકઠી થયેલી મહિલાઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે, દર મહિને  તેના ખાતામાં રૂ. 8.5 હજાર અને વાર્ષિક રૂ. 1 લાખ જમા થશે. અમે તેમને મત આપી જીત અપાવી છે. જેથી તેઓ આ યોજનાનો લાભ લેવા ફોર્મ ભરવા આવી છે. શરૂઆતમાં કેટલીક મહિલાઓને સમજાવવામાં આવી હતી કે હજુ કોંગ્રેસ પાર્ટીની સરકાર બની નથી, પરંતુ મહિલાઓની સતત વધી રહેલી સંખ્યાને કારણે કોંગ્રેસ પાર્ટીના લોકોને સમજાવવું મુશ્કેલ બન્યુ હતું.

સીપી રાયે શું કહ્યું?

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ પ્રવક્તા સીપી રાયે જણાવ્યું કે રાહુલ ગાંધીમાં વિશ્વાસ ધરાવતી આ મહિલાઓને જોઈને અમે ખૂબ જ ખુશ છીએ. અમે આ મહિલાઓને વચન પણ આપીએ છીએ કે અમારી સરકાર બન્યા બાદ અમે અમારી તમામ વચનની બાંયધરી પૂરી કરીશું અને મહિલાઓને તેમના બાકી નાણાં આપીશું.

સરકાર બનાવવાનો પ્રયાસ હજુ પણ રાષ્ટ્રીય નેતૃત્વ સ્તરે ચાલુ છે અને સત્તા અમારી તરફેણમાં આવતા જ અમે અમારા તમામ વચનો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરીશું.

  રાહુલ ગાંધીની ગેરંટીથી કોંગ્રેસ મૂંઝવણમાં, પાર્ટી કાર્યાલય પર મહિલાઓ પૈસા લેવા ઉમટી, જાણો મામલો 2 - image


Google NewsGoogle News