યુપીના સંભલમાં પોલીસની કાર્યવાહી, 800 ઉપદ્રવી સામે FIR, ડ્રોન ફૂટેજથી તોફાનીઓના ફોટા શોધ્યા
Sambhal Riots: સંભલ હિંસા મામલે પોલીસે સાત FIR દાખલ કરી છે. તેમાં 800 ઉપદ્રવીઓ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સંભલના એસપીએ જણાવ્યું કે, ઉપદ્રવીઓની ઓળખ માટે સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. આ સિવાય ડ્રોન દ્વારા પણ ઉપદ્રવીઓના ફોટો એકઠા કરી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સંભલમાં હાલ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 163 (પહેલાં IPCની કલમ 144) લાગુ કરી દેવામાં આવી છે અને મંગળવારે પણ ઈન્ટરનેટ બંધ રહશે. આ સિવાય અનેક પોલીસકર્મીઓને શાંતિ પુનઃસ્થાપિત કરવા હિંસા પ્રભાવિત વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
સંભલના એસપી કે. કે. બિશ્નોઈએ જણાવ્યું કે, જામા મસ્જિદ બહાર થયેલી હિંસામાં 15 પોલીસકર્મી અને 4 અધિકારી ઈજાગ્રસ્ત થયા હતાં. પથ્થરમારા વખતે બચાવ દરમિયાન એસડીએમના પગમાં ફ્રેક્ચર થઈ ગયું, ત્યારબાદ તેઓએ 800 ઉપદ્રવીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી. આ મામલે અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Explainer: સંભલ જામા મસ્જિદ વિવાદ, અહીં મંદિર હતું કે નહીં એવો સરવે કરવાની જરૂર કેમ પડી?
કાલે પણ બંધ રહેશે ઈન્ટરનેટ
કોર્ટના આદેશ બાદ એસડીએમ (Sub-Divisional Magistrate), ઈઓ (Executive Officer) અને સીઓ (Circle Officer)ની એક કમિટી બનાવવામાં આવી હતી, જેના પર મસ્જિદનો સરવે કરાવવાની જવાબદારી હતી. કમિટીએ કહ્યું કે, સંભલમાં હાલ કલમ 163 લાગુ છે. જોકે, હવે પરિસ્થિતી નિયંત્રણમાં છે. દુકાનો પણ ધીમે-ધીમે ખુલી રહી છે. જોકે, મંગળવારે પણ ઈન્ટરનેટ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.
પોલીસે સપા સાંસદ પર કર્યો કેસ
આ પહેલાં પોલીસે સપા સાંસદ જિયાઉર્રહમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્યના દીકરા સોહેલ ઇકબાલ સામે કેસ નોંધ્યો હતો. સપા સાંસદ પર આરોપ છે કે, તેઓએ સુનિયોજિત રીતે હિંસાને ભડકાવી, લોકોને એકઠા કરી તેમને ઉશ્કેર્યા હતાં. સમગ્ર બાબતે એસપીએ જણાવ્યું કે, મસ્જિદની અંદર કરવામાં આવેલા સરવેને લઈને ભડકાવનારા નિવેદન આપવામાં આવ્યા, ત્યારબાદ ભીડ ઉગ્ર થઈ ગઈ અને હિંસાની શરૂઆત થઈ.
આ પણ વાંચોઃ સંભલ જામા મસ્જિદ હિંસા પછી પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ, ઈન્ટરનેટ-સ્કૂલો બંધ, મૃતકાંક 4
હિંસામાં 4 લોકોની મોત
સંભલ હિંસામાં ચાર લોકોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોની ઓળખ નઈમ, બિલાલ અંસારી, નૌમાન અને મોહમ્મદ ફૈકના રૂપે થઈ. નૌમાન અને બિલાલ અંસારીને રાત્રે 11 વાગ્યે સુપુર્દ-એ-ખાફ (અંતિમ વિધિ) કરવામાં આવી હતી. હિંસાને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી છે. એક ખાનગી સંસ્થાએ સંભલમાં પોલીસની ફાયરિંગથી 4 યુવકોની મોતનો આરોપ લગાવતો વીડિયો પણ આયોગને મોકલવામાં આવ્યો છે.
સંભલમાં પહેલી ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
હિંસા બાદ સંભલમાં જિલ્લા પ્રશાસને બહારના લોકોના પ્રવેશ પર પહેલી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, ભીમ આર્મી ચીફ અને નગીનાથી સાંસદ ચંદ્રશેખર આઝાદે એલાન કર્યું છે કે, તે આજે સંભલ જશે અને મૃતકોના પરિવારજનોને મળશે. આઝાદે કહ્યું, દર વખતે સરકારના ઈશારે પોલીસે નિઃશસ્ત્ર આંદોલનકારીઓ પર સીધો ગોળીબાર કરી તેમનો જીવ લઈ લે છે. હું જલ્દી જ ઘાયલ પોલીસકર્મીઓને પણ મળીને આ હિંસાની હકીકત દેશ સામે લાવવાનો પ્રયાસ કરીશ.