બેરોજગારોના ધરણામાં સામેલ થાય તે પહેલા જ રાકેશ ટિકૈતની ધરપકડ
નવી દિલ્હી,તા.21.ઓગસ્ટ.2022 રવિવાર
ખેડૂત આગેવાન અને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતને દિલ્હીની ગાઝીપુર બોર્ડર પરથી પોલીસે અટકાયતમાં લીધા છે.
તેમને પકડીને પોલીસ મથકમાં લઈ જવાયા હતા અને તેમને ત્યાં બેસાડી રાખવામાં આવ્યા છે.કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે, રાકેશ ટિકૈતને કાર્યકરો સાથે સંપર્ક પણ કરવા દેવાતો નથી.રાકેશ ટિકેતની સાથે બીજા કેટલાક કાર્યકરોને પણ પોલીસે અટકાયતમા લીધા છે.
રાકેશ ટિકૈત દિલ્હીના જંતર મંતર પર બેરોજગારો માટેના ધરણામાં સામેલ થવા જઈ રહ્યા હતા પણ પોલીસે તે પહેલા જ તેમની અટકાયત કરી હતી.
દરમિયાન શનિવારે યુપીમાં થયેલા ખેડૂતોના ધરણામાં પણ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે સરકાર પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા બાદ પણ દોષી ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્ર ઉર્ફે ટેનીને સરકારે નથી હોદ્દા પરથી હટાવ્યા કે નથી તેમની ધરપકડ કરી.યુપીમાં ખેડૂતો માટે વીજળી પણ મોંઘી છે.જો કોઈ ટ્યુબવેલ પર મીટર લગાવે તો ઉખાડીને ફેંકી દેજો.પોલીસ અને તંત્ર ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે.