મંદિરોની સંપત્તિનું મેનેજમેન્ટ, હિન્દુ પરિવારને આર્થિક મદદ..: સનાતન બોર્ડમાં આવા નિયમોની માંગ
Sanatan Board Demand: મહાકુંભમાં હિન્દુઓ માટે સનાતન બોર્ડની માંગ કરવામાં આવી રહી છે. 27 નવેમ્બરે પ્રયાગરાજમાં સંતોની એક વિશાળ ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિન્દુઓ માટે સનાતન બોર્ડ બનાવવા અને પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટને ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી. આ સિવાય સનાતન બોર્ડ દ્વારા મંદિરોને સરકારના કબ્જામાંથી મુક્ત કરાવવાની પણ માંગ કરી હતી.
સનાતન ધર્મ સંસદની અધ્યક્ષતા કરી રહેલાં નિમ્બાર્ક પીઠાધીશ્વર શ્યામ શરણ દેવાચાર્યએ કહ્યું કે, 'સનાતન બોર્ડ ન ફક્ત સનાતન ધર્મની રક્ષા કરશે, પરંતુ આવનારી પેઢીઓની સુરક્ષાને પણ સુનિશ્ચિત કરશે. તિરુપતિ બાલાજી જેવા મંદિરમાં બહારના લોકોની ઘુસણખોરી અટકાવવા અને આપણી આસ્થાને ભ્રષ્ટ થવાથી રોકવા માટે આ બોર્ડ ખૂબ જ જરૂરી છે. એક સમયે ઈરાન, અફઘાનિસ્તાન, નેપાળ અને ભૂતાન જેવા દેશ સાંસ્કૃતિક રૂપે ભારત સાથે જોડાયેલા હતા. જો આપણે કાર્યવાહી નહીં કરીએ, તો ભારત પણ હિન્દુઓના હાથમાંથી નીકળી જશે.
ઉદ્યોગો માટે CII અને FICCI તો હિન્દુઓ માટે સનાતન બોર્ડ કેમ નહીં?
ઈસ્કોન સાથે જોડાયેલા ગૌરાંગ દાસ મહારાજે સનાતનીઓ માટે એકીકૃત સંસ્થાની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું કે, 'જો ઉદ્યોગો માટે CII અને FICCI જેવી સંસ્થા અને દવા માટે IMA જેવા સંસ્થા છે, તો આપણી પાસે સનાતનીઓની સુરક્ષા અને તેઓને એકજૂટ રાખવા માટે આવી કોઈ સંસ્થા કેમ ન હોઈ શકે? શાંતિ, સુરક્ષા અને ન્યાય માટે તમામ સનાતનીઓએ સનાતન બોર્ડના બેનર હેઠળ એકજૂટ થવું પડશે.'
કેવા પ્રકારના સનાતન બોર્ડની થઈ રહી છે માંગ?
27 જાન્યુઆરી, 2025ના દિવસે પ્રયાગરાજ કુંભમાં પસાર કરવામાં આવેલાં પ્રસ્તાવ અનુસાર, આ કાયદાને સનાતન હિન્દુ બોર્ડ અધિનિયમ કહેવામાં આવશે. જેને કેન્દ્ર સરકાર સંસદમાં પસાર કરશે. સંતો અનુસાર, સનાતન હિન્દુ બોર્ડને એક સ્વતંત્ર સંસ્થાના રૂપે સ્થાપિત કરવામાં આવશે. જેનું કામ હિન્દુ મંદિરો, તેમની સંપત્તિ અને તેમના ધનની સંભાળ રાખવાનું હશે. સનાતન બોર્ડ મંદિરોમાં વૈદિક સનાતન પૂજા, પદ્ધતિ, સનાતની પરંપરા, સનાતની હિન્દુઓના ધાર્મિક અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ બોર્ડના સભ્ય ફક્ત એ જ વ્યક્તિ હશે જે હિન્દુત્વમાં વિશ્વાસ રાખશે અને સનાતન પરંપરાની સેવા કરવાની પ્રબળ ઇચ્છા ધરાવતા હશે.
કોણ-કોણ થશે સામેલ?
- દેશના ચારેય શંકરાચાર્યના સંરક્ષણમાં કેન્દ્રીય સનાતન બોર્ડ બનાવવામાં આવશે. જેમાં 11 સભ્ય હશે.
- આ 11 સભ્યમાંથી 4 સભ્ય ચાર પ્રમુખ જગદ્ગુરુ હશે. 3 સભ્ય સનાતની અખાડાના પ્રમુખ હશે. એક સંરક્ષક મંડળ દ્વારા નામાંકિત કરવામાં આવશે. 3 સભ્ય પ્રમુખ સંત/કથાકાર અથવા ધર્માચાર્ય હશે.
- આ સિવાય સનાતન બોર્ડનું એક સહયોગી મંડળ હશે, જેમાં 11 સભ્ય હશે. તેમાં 2 સૌથી મોટા હિન્દુ સંગઠનોના પ્રતિનિધિ, પ્રમુખ કથાકાર, મંદિર અને ગૌશાળા સાથે જોડાયેલા પ્રમુખ વ્યક્તિ હશે.
- આ સિવાય સનાતન બોર્ડનું એક સલાહકાર મંડળ હશે. જેમાં સેવાનિવૃત્ત ન્યાયાધીશ, નિવૃત્ત IAS, મીડિયા ક્ષેત્રના સનાતની, શિક્ષાવિદ, સામાજિક કાર્યકર્તા સામેલ થશે.
શું કામ કરશે સનાતન બોર્ડ?
- સનાતન બોર્ડ મંદિરોની સંપત્તિનું મેનેજમેન્ટ કરશે.
- પ્રત્યેક મોટા મંદિર દ્વારા એક હૉસ્પિટલનું સંચાલન કરવામાં આવશે.
- આર્થિક રૂપે નબળા હિન્દુ પરિવારોની મદદ કરવામાં આવશે, જેથી ધનના અભાવે થતાં ધર્મ પરિવર્તનને રોકી શકાય.
- નાના મંદિરોને આર્થિક મદદ કરવામાં આવશે.
- સનાતન બોર્ડ પૂજારીઓની નિયુક્તિ કરશે. જેમાં પરંપરાગત યોગ્યતાઓ અને ધાર્મિક જ્ઞાનના માપદંડોનું પાલન કરવામાં આવશે.
- જો કોઈ વ્યક્તિ કોઈ મંદિરની સંપત્તિ પર ગેરકાયદે કબ્જો કરે છે, તો જિલ્લા મજિસ્ટ્રેટને તાત્કાલિક કબ્જો દૂર કરવાનો આદેશ આપવાનો અધિકાર હશે.
- સનાતન મંદિરમાં પ્રવેશનો અધિકાર નક્કી કરશે અને બોર્ડની દેખરેખમાં પણ પ્રસાદ પ્રબંધન હશે. જેથી, તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદને લઈને જેવી ગડબડ થઈ તેવી ફરી ન થાય.
- સનાતન બોર્ડ વક્ફ બોર્ડ દ્વારા જબરદસ્તી કબ્જો કરવામાં આવેલી ભૂમિની મુક્તિ તેમજ ગેરબંધારણીય અધિકારોની સમાપ્તિ માટે પ્રયાસ કરશે.
- સનાતન બોર્ડ સનાતન વિરોધી ચલચિત્ર/નિવેદન/કોમેડી કરનારને દંડિત કરવા માટે કાયદાકીય પગલાં લેશે.
- મંદિર પરિસરમાં ફક્ત હિન્દુઓને કામ કરવાની મંજૂરી મળશે.
ભારતમાં કેમ છે વક્ફ બોર્ડ?
આ મુદ્દે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલા કથાકાર દેવકીનંદન ઠાકુરે સનાતન સંસ્કૃતિના પતનને મેકોલેની શિક્ષણ નીતિ સાથે જોડતાં કહ્યું કે, 'આ પદ્ધતિના કારણે ભારતીય પરંપરાઓની જગ્યા અંગ્રેજી ભાષાએ લઈ લીધી. વક્ફ બોર્ડના માધ્યમથી ભારત પર કબ્જો કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. જો પાકિસ્તાન જતાં રહેલા લોકોની ખાલી કરવામાં આવેલી ભૂમિ વક્ફ બોર્ડના નિયંત્રણમાં છે, તો ભારત આવેલા હિન્દુઓની ભૂમિનું શું થયું? પાકિસ્તાનમાં હિન્દુ બોર્ડ કેમ નથી? જો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આવા બોર્ડ નથી, તો ભારતમાં વક્ફ બોર્ડ કેમ છે?' તેઓએ દાવો કર્યો કે, 'તિરુપતિ બાલાજી જેવા મંદિર સરકારને વર્ષે 500 કરોડ રૂપિયા યોગદાન આપે છે. જો સનાતન બોર્ડ બને છે, તો દરેક મંદિરની પોતાની ગૌશાળા, ગુરૂકુળ અને હૉસ્પિટલ હશે અને તમામ દાન સનાતન ધર્મમાં જ રહેશે.'
આ પણ વાંચોઃ મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પર હુમલો: ઉપદ્રવીઓએ પથ્થરમારો અને તોડફોડ કરી, મુસાફરોમાં દહેશત
વડાપ્રધાનને કર્યો આગ્રહ
જગદ્ગુરુ વિદ્યા ભાસ્કર મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ ખતમ કરવાના આગ્રહ સાથે કહ્યું કે, 'હિન્દુ મંદિરોને તોડીને બનાવવામાં આવેલી મસ્જિદોની રક્ષા માટે કોઈપણ પ્રકારની સલાહ વિના આ કાયદો લાગુ કરી દેવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાના બહુમતનો ઉપયોગ પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટને ખતમ કરવા માટે કરવો જોઈએ. એ સમયની સરકારે કોઈપણ ચર્ચા વિના કાયદો બનાવી તેને આખા દેશ ઉપર થોપી દીધો.'
સનાતન ધર્મ સંસદમાં હરિદ્વારથી ચિન્મયાનંદ બાપુ, મહામંડલેશ્વર આશુતોષ નંદ મહારાજ, રાઘવાચાર્ય મહારાજ, જૈન સંત વિવેક મુનિ મહારાજ, હનુમાન ગઢીના મહંત રાજુ દાસ અને અયોધ્યાથી વલ્લભાચાર્ય મહારાજ સહિત અનેક સંત અને ધાર્મિક નેતાઓએ ભાગ લીધો. આ તમામે સનાતન બોર્ડની સ્થાપના માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.