VIDEO: 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ, તમામ ટ્રેનો રદ, પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ભીડ
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ગત થોડા દિવસોથી ભીડ ઓછી હોવાની વાત સામે આવી રહી હતી, વળી અખાડાના સાધુ-સંતો પણ મહાકુંભથી પરત જઈ રહ્યાં હતાં. જોકે, આ ખબર બાદ ફરી એકવાર લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભ પહોંચ્યા છે. પ્રયાગરાજમાં ફરી એકવાર ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે સ્ટેશનના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. ભીડને જોતા તમામ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. જે લોકો અંદર ફસાયેલા છે તે અંદર જ રહી ગયા છે. આ સિવાય રેલવે સ્ટેશનથી ભારે ભીડ રેલવે ટ્રેકના સહારે આગળ વધતી જોવા મળી રહી છે.
અખિલેશ યાદવે કરી માંગ
પ્રયાગરાજ જતા તમામ રસ્તા પર જોરદાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, બાળકો-વડીલો અને અન્ય શ્રદ્ધાળુઓ જામના કારણે ખાણી-પીણી માટે હેરાન થઈ રહ્યાં છે. આ તમામ વચ્ચે સપા સુપ્રીમો અખિલેશ યાદવે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી લોકો માટે તુરંત વ્યવસ્થા કરવાની માંગ કરી છે. અખિલેશે એક્સ પર લખ્યું કે, 'મહાકુંભમાં દરેક જગ્યાએ ભૂખ્યા, તરસ્યા, બેહાલ અને થાકેલા તીર્થયાત્રી જોવા મળી રહ્યાં છે. હું રાજ્ય સરકારને અપીલ કરૂ છું કે, માનવીય દ્રષ્ટિથી જોવામાં આવે અને તેમના માટે તુરંત વ્યવસ્થા કરવામાં આવે'.
તમામ ટ્રેન કરી રદ
પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે તમામ ટ્રેનને રદ કરવામાં આવી છે. રેલવે સ્ટેશનની અંદર ફસાયેલા શ્રદ્ધાળુઓ રેલ ટ્રેક પરથી પોતાના ગંતવ્ય સ્થળ તરફ આગળ વધી રહ્યાં છે. અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં રસ્તા પર હજારો લોકો ફસાયેલા જોવા મળી રહ્યા છે અને વચ્ચે-વચ્ચે ગાડીઓ ફસાયેલી છે. અખિલેશ યાદવે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી કે, મહાકુંભમાં ફસાયેલા કરોડો શ્રદ્ધાળુઓ માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે.
આ પણ વાંચોઃ કરુણાંતિકા: મહાકુંભ જતાં પિકઅપની SUV સાથે ટક્કર, માતા-પુત્ર અને નાનાનું મોત
કયા રૂટ પર છે જામ?
અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં વીડિયો શેર કર્યો કે, 'આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લખનૌ તરફથી 30 કિલોમીટર પહેલાં જામ લાગેલો છે, વળી રીવા રોડ તરફથી 16 કિલોમીટરનો જામ લાગેલો છે. વારાણસી તરફથી 12-15 કિલોમીટર પહેલાં જામ લાગેલો છે. સ્ટેશન પર એટલી ભીડ છે કે, લોકો ટ્રેનના એન્જિનમાં પણ ઘુસી ગયાં છે. આટલી ભીડમાં લોકો તો પરેશાન થઈ જ રહ્યાં છે, સાથે જ જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે'.