'ભગવાન હનુમાન તો રાજભર જાતિમાં જન્મ્યાં હતા...' ભાજપ સહયોગી દિગ્ગજનો નવો ફણગો
O P Rajbhar Statement on Hanuman Ji : ઉત્તરપ્રદેશના પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે કહ્યું કે ભગવાન હનુમાનનો જન્મ રાજભર જાતિમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે ઓમ પ્રકાશ રાજભર ભાજપ સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) ના પ્રમુખ છે.
શું બોલ્યા ઓ.પી. રાજભર
કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર બી.આર.આંબેડકર મુદ્દે સત્તાપક્ષને ઘેરવા બદલ વળતા પ્રહાર કર્યા હતા. એક સભાને સંબોધતા ઓ.પી.રાજભરે કહ્યું કે હનુમાનજીનો જન્મ રાજભર જાતિમાં થયો હતો. જ્યારે (રાક્ષસ) અહિરાવણ રામજી અને લક્ષ્મણજીને પાતાલ પુરી લઈ ગયો તો કોઈનામાં તેમને પાછા લાવવાની હિંમત નહોતી. ફક્ત રાજભર જાતિમાં જન્મેલા હનુમાનજીમાં એવું કરવાનું સાહસ હતું.
કિસ્સો પણ સંભળાવ્યો
તેમણે કહ્યું કે હનુમાનજી જ રામ અને લક્ષ્મણને પાતાલ પુરીથી પાછા લાવ્યા હતા. ગામમાં વૃદ્ધો આજે પણ નાના બાળકો ઝઘડે તો કહે છે કે 'ભર બાનર હૈ, હનુમાન જી કા રહલન બાનર...' તેમણે બલિયાના ચિબડાગામ ક્ષેત્રમાં વાસુદેવ ગામના મુખ્ય ગેટ પર મહારાજા સુહેલદેવની પ્રતિમાના નિર્માણ માટે ભૂમિ પૂજના બાદ આ ટિપ્પણી કરી હતી.
સપા અને કોંગ્રેસ સામે તાક્યું નિશાન
કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતા રાજભરે કહ્યું, 'બંધારણની વાત કરનાર કોંગ્રેસે ઈમરજન્સી લાદી અને લાખો નેતાઓ અને પત્રકારોને જેલમાં ધકેલી દીધા. આજે સપા અને કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકર માટે આટલો પ્રેમ બતાવે છે, શું તેઓ તેમના માટે ભગવાન ન હતા? ઓપી રાજભરે કહ્યું કે સપાએ લાખો લોકોની જિંદગી બરબાદ કરી નાખી અને આંબેડકરના નામે બનેલી વિકાસ યોજનાઓને ખતમ કરી નાખી.