મુજફ્ફરનગરની મસ્જિદ પણ વિવાદમાં, 'શત્રુ સંપત્તિ' જાહેર, પાકિસ્તાનના પ્રથમ PM સાથે કનેક્શન
Muzaffarnagar Masjid Controversy: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક મસ્જિદને લઈને વિવાદ સામે આવ્યો છે. અહીં પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાનના ભાઈ સજ્જાદ અલી ખાનની જમીન મળી છે. ગૃહ મંત્રાલય હેઠળના શત્રુ સંપત્તિ સંરક્ષણ કાર્યાલયે મુઝફ્ફરનગરમાં એક મસ્જિદ અને તેના પર આવેલી કેટલીક દુકાનોની જમીનને 'શત્રુ સંપત્તિ' તરીકે જાહેર કરી છે.
જાણો શું છે મામલો
એક સત્તાવાર દસ્તાવેજ અનુસાર, આ જમીન પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાનના ભાઈ સજ્જાદ અલી ખાનની છે. આ જમીનો વકફ પ્રોપર્ટી હોવાના દાવાઓ વચ્ચે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને ત્યારબાદ શત્રુ સંપત્તિ સંરક્ષણ કાર્યાલયની ટીમે જણાવ્યું હતું કે, 'મુઝફ્ફરનગર રેલવે સ્ટેશનની સામે સ્થિત 0.082 હેક્ટર જમીન સજ્જાદ અલીના નામે છે. તે રૂસ્તમ અલીનો પુત્ર અને લિયાકત અલી ખાનનો ભાઈ હતો.'
આ પણ વાંચો: બ્રિટનમાં બે ભારતીય હસ્તીઓનું અપમાન, એવોર્ડ આપ્યા બાદ પાછા લઈ લીધા, જાણો શું છે મામલો
પાંચમી ડિસેમ્બરે શત્રુ સંપત્તિ સંરક્ષણ કાર્યાલયના અધિકારી રાજેન્દ્ર કુમારે હસ્તાક્ષર કરાયેલ પ્રમાણપત્ર લખ્યું કે, 'પાકિસ્તાની નાગરિક સજ્જાદ અલી ખાનની જે જમીન છે તે શત્રુ સંપત્તિ છે. શત્રુ સંપત્તિ અધિનિયમ 1968 અને શત્રુ સંપત્તિ અધિનિયમ 2015 હેઠળ ભારતની શત્રુ સંપત્તિ હેઠળ છે.'
'શત્રુ સંપત્તિ'માં મસ્જિદ બનાવાઈ
ઉલ્લેખનીય છે કે, આ જમીન અગાઉ રૂસ્તમ અલીના નામે નોંધાયેલી હતી. વિભાજન પછી જ્યારે રૂસ્તમ અલીનો પરિવાર પાકિસ્તાન ગયો ત્યારે તેની અન્ય મિલકત 'શત્રુ સંપત્તિ' જાહેર કરાઈ હતી. જો કે બાદમાં આ જમીનનો કબજો લેવામાં આવ્યો હતો. ત્યાં એક મસ્જિદ બનાવવામાં આવી હતી.