રામ મંદિર છતાં યુપીમાં કેમ ન મળ્યા વોટ? કારણ જાણવા બેચેન ભાજપે બનાવ્યો આ પ્લાન
BJP Lost IN UP For Loksabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં મળેલા મોટા ફટકાથી ભાજપ બેચેન છે. કેન્દ્રમાં મોદી 3.0 સરકાર બની હોવા છતાં ભાજપ ઉત્તરપ્રદેશમાં પક્ષનો ગ્રાફ નીચો ઉતર્યો હોવા પાછળના કારણો શોધી રહ્યો છે. બુધવારે પક્ષના પ્રદેશ કાર્યાલયમાં પ્રદેશ અધ્યક્ષ ભુપેન્દ્ર ચૌધરી અને મહામંત્રી સંગઠન ધર્મપાલે મતમાં નોંધાયેલા ઘટાડા અંગે ચર્ચા કરી હતી, અને આ ઘટાડા પાછળનું કારણ જાણવા નિર્ણય લીધો હતો.
ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરિણામોના પગલે ભાજપના સ્થાનિકથી માંડી દિગ્ગજ નેતાઓના નેતૃત્વમાં હડકંપ સર્જાયો છે. ગત ચૂંટણીની તુલનામાં આ વખતે ભાજપને મળેલા મતોની સંખ્યા 9 ટકા ઘટી છે. જેના માટે પક્ષના નેતાઓની એક ટાસ્ક ફોર્સ પણ ઘડવામાં આવી છે.
ટાસ્કફોર્સની રચના
ઉત્તરપ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં જ્યાં ભાજપના મત ઘટ્યા છે. તેની પાછળનું કારણ શોધવા ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત સ્થાનિક જનપ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે. જેના માટે 60થી વધુ સભ્યોની પસંદગી થઈ ચૂકી છે. તે જે-જે લોકસભા બેઠક પર ભાજપને નુકસાન થયુ છે, તેની હાર અને નુકસાનના કારણો શોધશે. ગામડે-ગામડે જઈ તેઓ ભાળ મેળવશે કે, ભાજપના કોર વોટર ગણાતા ઓબીસી અને દલિતોમાં કયા પક્ષના લીધે ફાટ પડી છે.
અયોધ્યામાં રામ મંદિર ચૂંટણીનો મહત્વનો મુદ્દો
અયોધ્યામાં રામ મંદિર ચૂંટણી પ્રચારમાં મહત્વનો મુદ્દો રહ્યો હોવા છતાં, અયોધ્યામાં જ ભાજપની હારથી પક્ષમાં સોપો પડી ગયો છે. બિનયાદવ ઓબીસી અને બિન જાટવ દલિતોને ભાજપમાંથી ભટકાવવામાં કોનો હાથ છે. તેમજ પક્ષના જે-તે ક્ષેત્રના નેતાઓની મુલાકાત લઈને પણ પણ જાણવાનો પ્રયાસ કરશે. કેન્દ્રમાં ભલે ભાજપની સરકાર બની છે, પરંતુ ઉત્તરપ્રદેશમાં તેને થયેલા નુકસાનની જાણ મેળવવી અત્યંત જરૂરી છે.
મુખ્યમંત્રી સાથે પણ કરી બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશમાં ભાજપની હાર અંગે સરકાર અને સંગઠન વચ્ચે પ્રારંભિક ધોરણે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. સૌથી પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મળી સંગઠનના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી આ મુદ્દે ચર્ચાઓ કરશે.