Get The App

ઉત્તર પ્રદેશમાં દલિત-ઓબીસીએ આપ્યો ભાજપને ઝટકો, આ બેઠકો પર જાતીય સમીકરણથી ઉલટફેર

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ઉત્તર પ્રદેશમાં દલિત-ઓબીસીએ આપ્યો ભાજપને ઝટકો, આ બેઠકો પર જાતીય સમીકરણથી ઉલટફેર 1 - image


Lok Sabha Election 2024 : આ વખતે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ભાજપ ગત વખત કરતાં વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યુ હતું, પરંતુ આ વખતે લગભગ અડધી બેઠકો પર નુકસાન થયુ છે. પરંતુ, આખરે ભાજપને આટલી ઓછી બેઠકો કેમ મળી એ સવાલ છે. આ વખતે જ્ઞાતિ સમીકરણથી માંડીને બંધારણ અને રોજગાર જેવા મુદ્દાઓએ ભાજપને પાછળ ધકેલી દીધુ છે. 

1- કૌશામ્બી

કૌશામ્બીમાં ભાજપે દલિત સમુદાયમાંથી આવતા વિનોદ સોનકરને ટિકિટ આપી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીએ પાસીથી ઈન્દ્રજીત સરોજના પુત્ર પુષ્પેન્દ્ર સરોજને મેદાનમાં ઉતાર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિનોદ સોનકર વિરુદ્ધ સત્તા વિરોધીતા વધારે હતી. એટલુ જ નહીં આ બેઠક પર કુંડાના ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ રાજા ભૈયાએ પણ વિનોદ સોનકરને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો હતો. લોકોને એટલો ગુસ્સો હતો કે સોનકર એક લાખથી વધુ મતથી પાછળ રહ્યા.

2- બંદા

બાંદા બેઠક ભાજપે બે દાયકા સુધી સાંસદ રહેલા આરકે સિંહ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે સપાએ કૃષ્ણાદેવી શિવશંકર પટેલને ટિકિટ આપી હતી. આ બેઠક પર પર કૃષ્ણા દેવી 70 હજારથી વધુ વોટથી આગળ છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવુ કહેવામાં આવી રહ્યું છે કે, બાંદા બેઠક પર આરકે સિંહ પટેલ વિરુદ્ધ પહેલેથી જ લોકોને જોરદાર ગુસ્સો હતો. એટલું જ નહીં બ્રાહ્મણોના એક મોટા વર્ગમાં પણ તેમની સામે નારાજગી હતી. જ્યારે બસપાએ બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતાર્યા તો ચર્ચાઓ શરૂ થઈ કે બ્રાહ્મણો પણ ભાજપ છોડીને હાથી પર સવારી કરશે, પરંતુ જ્ઞાતિના સમીકરણો સપાના ઉમેદવારની તરફેણમાં હતા.

3- બારાબંકી

બારાબંકીથી કોંગ્રેસે પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયાને ટિકિટ આપી હતી. આ બેઠક પર શરૂઆતથી જ ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી હતી. હકીકતમાં અહીંથી સાંસદ ઉપેન્દ્ર રાવતનો એક વીડિયો વાયરલ થયો હતો, જે પછી ભાજપે તેમની ટિકિટ બદલીને રાજરાની રાવતને આપી હતી. પરંતુ અહીં મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી અને દલિત સમુદાયનો મોટા વર્ગે કોંગ્રેસના સમર્થનમાં હતું.  જેના કારણે તનુજ પુનિયા 2 લાખ 15 હજાર મતોથી જીતી રહ્યા છે. 

4- ફૈઝાબાદ

જ્યાં હાલમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે, તે ફૈઝાબાદની બેઠક પર ભાજપે લલ્લુ સિંહને ટિકિટ આપી હતી. એવું માનવામાં આવતું હતું કે આ બેઠક ભાજપ માટે ખૂબ જ સરળ છે, પરંતુ આ બેઠક પર આજે આવેલા પરિણામો સૌથી વધુ ચોંકાવનારા હતા. સપાના અવધેશ પ્રસાદે 50 હજાર મતોથી જીત મેળવી છે. તેમણે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને અનેક રાઉન્ડમાં હરાવ્યા. 

હકીકતમાં અવધ વિસ્તારમાં 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 14માંથી 13 બેઠકો પર જીત મેળવી હતી, પરંતુ આ વખતે જાતિય સમીકરણમાં એટલા ફેરફારોને કારણે ભાજપને આ બેઠકો પરથી હાર સ્વીકારવી પડી. સમાજવાદી પાર્ટીમાં દલિત પાસી સમુદાયના ત્રણ સૌથી મોટા ચહેરાઓ અવધેશ પાસી, ઈન્દ્રજીત સરોજ અને આર.કે. ચૌધરીને તેમની પાર્ટીમાં લાવીને તેમને ટિકિટ આપવામાં આવી હતી. એ પછી આ સમુદાયે ભાજપ છોડીને કેટલીક બેઠકો પર સપાને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. 

કુર્મી સમુદાય કે જે ભાજપના ઓબીસીમાં સૌથી સોલિડ વોટ બેંક માનવામાં આવે છે. જેની મોટી અસર સમાજવાદી પાર્ટી પર જોવા મળી હતી. સપાએ કુર્મી સમુદાયમાં 10 ટિકિટ આપી હતી, જેની અસર કેટલીક બેઠકો પર જોવા મળી રહી છે. 



Google NewsGoogle News