ઠાકુર, દલિત અને જાટ મતબેંકમાં ઘૂસવાનો વિપક્ષને ના મળ્યો ફાયદો, સમજો ઉત્તર પ્રદેશના એક્ઝિટ પોલ
Uttar Pradesh Lok Sabha Elections Exit Poll 2024 : લોકસભા ચૂંટણીના માટેના એક્ઝિટ પોલના તારણો મુજબ ઉત્તર પ્રદેશમાં ઘણા નકારાત્મક પરિબળોના કારણે ભાજપને બેઠકો મળવામાં મુશ્કેલી પડી શકે છે. તે જાતિઓ, જેમણે વર્ષ 2019માં ભાજપનો ખોબલે ખોબલા ભરીને મતો આપ્યા હતા, પરંતુ આ વખતે તે જાતિઓના મતદારો વહેંચાઈ ગયા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ચૂંટણી દરમિયાન ફિલ્ડ પર લોકોના મંતવ્યો, વિચારો જાણનાર પત્રકારો અને સર્વે કરનારા લોકોનું માનવું છે કે, આ વખતે 2019 જેવી સ્થિતિ નથી. તે સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી-મોદીના નારો અને જનમેદની જોવા મળી હતી, પરંતુ આ વખતે મોદીના નારા સાંભળવા મળ્યા નથી અને રામ મંદિરની કોઈ પ્રત્યક્ષ અસર જોવા મળી નથી. જોકે એક્ઝિસ માઈ ઈન્ડિયા પોલના ડેટા મુજબ ઉત્તર પ્રદેશમાં ભલે ભાજપ અને એનડીએને સમર્થન આપતી ઓબીસી અને દલિત જાતિઓમાં મોટું વિભાજન થયું છે, પરંતુ તેમ છતાં મોદી-મોદીના નારા અને રામ મંદિરનો મુદ્દે બંનેમાં અંડર કરંટની જેમ કામ થયું છે.
જાતિઓમાં રોષ, પરંતુ મતો પર કોઈ અસર નહીં
ઉત્તર પ્રદેશમાં અસમંજસની સ્થિતિ પરથી એવી ચર્ચાઓ થઈ રહી છે કે, જો ભાજપ (BJP)ને લઈને ઓબીસી જાતિઓમાં મતભેદ હોય, જો કુર્મી, મૌર્ય અને લોધ જેવી OBC જાતિઓના એક વર્ગે આ વખતે ભાજપ વિરુદ્ધ એસપી-કોંગ્રેસને મત આપ્યો હોય, જો બિન-જાટવ-દલિત મતોનો મોટો હિસ્સો ઈન્ડિયા ગઠબંધન તરફ વડ્યો હોય, તો પછી એનડીએની બેઠકો ઘટવાને બદલે કેમ અને કેવી રીતે વધી રહી છે? આખરે નારાજ થયેલા ઠાકુરોના મત કોને મળ્યા?
ઈન્ડિયા ગઠબંધનથી ભાજપની વોટ બેંકને નુકસાન
જો આપણે જાતિવાર ડેટા સમજીએ તો તેના પરથી સ્પષ્ટ થાય છે કે, આ વખતે ઈન્ડિયા ગઠબંધને ભાજપની વોટ બેંકને મોટું નુકસાન કર્યું છે. આપણે પહેલા એ સમજીએ કે, અગાઉની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) વચ્ચે ગઠબંધન હતું અને તે સમયે ઈન્ડિયા ગઠબંધન ન હતું. અને આ વખતે સપા અને બસપા બંને નોખા પડી ગયા છે. કોંગ્રેસ (Congress) અને સમાજવાદી પાર્ટી (Samajwadi Party) સાથે છે અને જ્યારે મતોની વહેંચણીની વાત આવે છે, તો ગત વખતે બસપાને મળેલા મોટી સંખ્યામાં મતો સપા અને કોંગ્રેસ તરફ જતા જોવા મળશે.
NDAને બિન-જાટવ-દલિત મતોમાં નવ ટકાનું નુકસાન
જાતિ મુજબના ડેટામાં એનડીએને સૌથી વધુ નુકસાન બિન જાટવ-દલિતોમાં થયું છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી 60 ટકા બિન જાટવ-દલિત મતદારોએએ એનડીએને મત આપ્યા હતા. તો આ વખતે તેમાં 9 ટકાનો ઘટાડો થઈ 51 ટકા મતો મળ્યા હોવાની ધાણા છે. જ્યારે ગત ચૂંટણીમાં એનડીએને 32 ટકા જાદવ-દલિત મતદારોએ મત આપ્યા બાદ આ વખતે 31 ટકા મતદારોએ મત આપ્યા હોવાની સંભાવના છે.
યાદવ મતદારોએ પણ એનડીએને જાકારો આપ્યો
આ ઉપરાંત યાદવ મતદારો (Yadav Caste Voter)એ પણ એનડીએને જાકારો આપ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે. 2019માં એનડીએને 24 ટકા યાદવ મતદારોએ મત આપ્યા હતા, જ્યારે આ વખતે તે ઘટીને 18 ટકા મત મળ્યા હોવાની ધારણા છે. જ્યારે 2019માં 12 ટકા મુસ્લિમ મતદારોએ મત આપ્યા હતા, જે ઘટીને 6 ટકા મત પર આવી ગયા છે.
ઈન્ડિયા ગઠબંધનના વોટ ક્યાં વધ્યો?
વિપક્ષને વર્ષ 2019ની ચૂંટણીમાં જાટવ ઉમેદવારોના 25 ટકા મતો મળ્યા હતા, જેમાંથી ઈન્ડિયા ગઠબંધનને આ વખતે સાત ટકા વધુ એટલે કે 32 ટકા મતો મળ્યા હોવાની ધારણા છે. ગત ચૂંટણીમાં 14 ટકા બિન જાદવ-દલિત મતદારોએ વિપક્ષને મત આપ્યા હતા, તો આ વખતે ગઠબંધનને 19 ટકાનો વધુ એટલે કે 33 ટકા મતદારોના મત મળ્યા છે. ગઠબંધનને યાદવ જાતિના પણ 35 ટકા વધુ મતો મળ્યા છે. રિપોર્ટ મુજબ આ વખતે યાદવ જાતિના 79 ટકા મતદારો ગઠબંધન તરફ વળ્યા છે. આ ઉપરાંત મુસ્લિમ જાતિના 87 ટકા મતદારોએ આ વખતે ઈન્ડિયા ગઠબંધને મતો આપ્યા હોવાની ધારણા છે, અગાઉની ચૂંટણીમાં 49 ટકા મતદારોએ વિપક્ષને મતો આપ્યા હતા, એટલે 38 ટકા મુસ્લિમ મતદારો ઈન્ડિયા ગઠબંધન તરફ વળ્યા હોય, તેવી ધારણા છે.
બહુજન સમાજપાર્ટીને મોટું નુકસાન
આ ચૂંટણીમાં માયાવતીની પાર્ટી બીએસપીને સૌથી વધુ નુકસાન થયું છે. 2019ની ચૂંટણીમાં 36 ટકા મુસ્લિમ મતદારો, 29 ટકા યાદવ મતદારોએ, 17 ટકા બિન જાટવ-દલિત મતદારોએ બસપાને મત આપ્યા હતા. જ્યારે આ વખતે અનુક્રમે 34 ટકા, 28 ટકા અને 13 ટકા મતો મળ્યા છે. એટલે કે 34 ટકા મુસ્લિમો, 28 ટકા યાદવો અને ચાર ટકા બિન જાટવ-દલિત ઉમેદવારોએ બસપાને જાકારો આપી અન્ય પક્ષોને મત આપ્યા છે. જાટવ ઉમેદવારોની વાત કરીએ તો અગાઉ તેમના 43 મતદારોએ બીએસપીને મત આપ્યા હતા, જોકે આ વખતે 8 ટકા મતો ઘટી 35 ટકા મતદારોએ બીએસપીને મત આપ્યા હોવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન હતું અને બંનેએ અડધી અડધી બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે આ વખતે બસપાએ એકલા ચલોની નીતિ અપનાવી છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ છે.
ઈન્ડિયા ગઠબંધને જાટ મતદારોને પણ આકર્ષ્યા
2019ની ચૂંટણીમાં NDAને કુર્મી જ્ઞાતિના 67 ટકા મતદારો, લોધ કિસાન (Kisan Caste Voter) જ્ઞાતિના 78 ટકા, જાટ જ્ઞાતિના 78 ટકા મતદારોએ મત આપ્યા હતા, જ્યારે આ વખતે અનુક્રમે 62 ટકા, 73 ટકા અને 71 ટકા મતદારોએ મત આપ્યા હોવાની ધારણા છે. એટલે કે આ વખતે પાંચ ટકા કુર્મી, પાંચ ટકા લોધ કિસાન જ્ઞાતિ અને સાત ટકા જાટ મતદારોએ એનડીએને જાકારો આપ્યો છે. એકંદરે સમગ્ર બિન-યાદવ ઓબીસીમાં ભાજપને 4 ટકા મતોનું નુકસાન થયું છે, જે ઓબીસીએ 2019માં ભાજપને 76% મત આપ્યા હતા, તેમણે આ વખતે ભાજપને 72 ટકા મત આપ્યા છે. આ વખતે ઇન્ડિયા ગઠબંધનને બિન-યાદવ ઓબીસીમાં મોટો ફાયદો થતો જણાય છે. 2019માં વિપક્ષને 16 ટકા કુર્મી વોટ મળ્યા હતા. જેમાંથી ઈન્ડિયા ગઠબંધનને આ વખતે 29 ટકા મત મળ્યા હોવાની ધારણા છે. ગત વખતે સપા અને કોંગ્રેસને લોધ કિસાનોના 12 ટકા વોટ મળ્યા હતા, જે આ વખતે 6% વધીને 18% થયા છે.
એનડીએને મળતા જાટ ઓબીસીના મતો ઘટ્યા
જાટ ઓબીસીનાં આ વખતે કોંગ્રેસ અને સપાને 12 ટકા વોટ મળ્યા છે, જ્યારે 2019માં સમાજવાદી, કોંગ્રેસ, આરએલડીના ગઠબંધન વખતે 10 ટકા વોટ મળ્યા હતા. આ વખતે જાટ ઓબીસીના 22 ટકા મતદારોએ સપા-કોંગ્રેસને મત આપ્યા છે. આ વખતે સપા-કોંગ્રેસ અથવા ઈન્ડિયા ગઠબંધનને કુલ બિન-યાદવ ઓબીસીના 6 ટકા વધુ મત મળ્યા છે, 2019માં સપા અને કોંગ્રેસના બિન-યાદવ ઓબીસીના 13 ટકા મત મળ્યા હતા, જે આ વખતે વધીને 19 ટકા પર પહોંચ્યા છે. ગત ચૂંટણીમાં એનડીએને 76 ટકા ઓબીસીના મતો મળ્યા હતા, જે ઘટીને 72 ટકા પર પહોંચી ગયા છે.
ઠાકુર મતદારોથી ભાજપને ખાસ કોઈ નુકસાન નહીં
ઠાકુર મતોનું એનડીએને કેટલું નુકસાન થયું છે અને ઉચ્ચ જાતિના મતદારોની પેટર્ન શું હતી? તે વિશે માહિતી મેળવીએ તો ઠાકુરોનો મસમોટો વિરોધ છતાં માત્ર 2 ટકા રાજપૂત-ઠાકુર મતદારોએ એનડીએ વિરુદ્ધ મતદાન કર્યું છે અને તે મતો ઈન્ડિયા ગઠબંધનને મળ્યા હોય તેવી ધારણા છે. 2019માં ઠાકુર રાજપૂતે એનડીએને 77 ટકા વોટ આપ્યા હતા, જે આ વખતે ઘટીને 75 ટકા થઈ ગયા છે. 2019માં સપા અને કોંગ્રેસને મળીને 13 ટકા રાજપૂત-ઠાકુર મત મળ્યા હતા, જે આ વખતે વધીને 15 ટકા પર પહોંચી ગયા છે.
ઠાકુર-રાજપૂતોના મત ઘટ્યા તો બ્રાહ્મણો NDA તરફ વળ્યા
એકતરફ ઠાકુર-રાજપૂતોના બે ટકા મતદારોએ એનડીએને જાકારો આપ્યો છે, તો બીજીતરફ એક ટકા બ્રાહ્મણ મતદારો ભાજપ તરફ વળ્યા છે. વર્ષ 2019માં 75 ટકા બ્રાહ્મણોએ ભાજપને વોટ આપ્યા હતા, આ વખતે તેમની વોટ ટકાવારી 76 ટકા સુધી પહોંચી ગઈ છે. જ્યારે વૈશ્ય-બનિયા મતદારોએ ગત વખતે એનડીએને 78 ટકા મત આપ્યા હતા, તો આ વખતે એટલા જ મતો મળ્યા છે. જો કે 2024માં કુલ ઉચ્ચ જાતિના મતોમાં NDAને બે ટકાનું નુકસાન થવાની સંભાવના છે અને ઈન્ડિયા ગઠબંધનને બે ટકા મતોનો ફાયદો થવાની ધારણા છે.
ઘણી જ્ઞાતિના મતદારો નારાજ તો NDAને વધુ બેઠકો કેવી રીતે મળી શકે છે?
હવે પ્રશ્ન એ થાય છે કે, જો એનડીએને દરેક વર્ગ-જ્ઞાતિના મતદારો જાકારો આપી રહ્યા છે, તો પછી એક્ઝિટ પોલમાં તે વધુ બેઠકો જીતી શકે, તેવું કેમ બતાવાઈ રહ્યું છે. એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ઉત્તર પ્રદેશની 80 બેઠકોમાંથી એનડીએને 67થી 72 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે 2019માં 64 બેઠકો મેળવી હતી. વાસ્તવમાં આ વખેત બીએસપીના 12 ટકા મતો ઘટ્યા છે, અને બસપાના મોટાભાગના મતદારો ઈન્ડિયા ગઠબંધન તરફ વળ્યા હોવાની ધારણા છે.
2019માં સપાએ 37, બસપાએ 38 અને આરએલડીએ બે બેઠકો પર ચૂંટણી લડી હતી. તે વખતે બંનેના મતદારો એકબીજામાં ટ્રાન્સફર થયા હતા. આમાંથી યાદવ મતદારો પણ બસપા તરફ વળ્યા હતા અને દલિત-જાટવ મતદારો સમાજવાદી પાર્ટી તરફ વળ્યા હતા. જોકે આ વખતે બસપા ઈન્ડિયા ગઠબંધનમાં નથી. જેના કારણે મોટાભાગના યાદવ મતદારોના મતો સમાજવાદી પાર્ટીને મળ્યા છે. બીજીતરફ જાટવ અને બિન જાટવ દલિત મતદારોએ પણ બસપાને જાકારો આપ્યો છે અને તે મતદારો મોટી સંખ્યામાં ઈન્ડિયા ગઠબંધન તરફ વળી ગયા છે. જોકે તેમાંથી કેટલાક મતદારો એનડીએ તરફ પણ વળ્યા છે.
આવી સ્થિતિમાં ડેટા એવું કહી રહ્યા છે કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને ખૂબ મતો મળ્યા છે, જોકે ભાજપના મતો પણ ઘટ્યા નથી. આ વખતે બસપાના કપાયેલા મતો ભાજપ તરફ વળ્યા હોવાની ધારણા છે. ભાજપને વર્ષ 2019માં જેટલા મતો મળ્યા હતા, તે મુજબ આ વખેત તેની આસપાસ મતો મળવાની સંભાવના છે. સર્વે મુજબ બંને ગઠબંધન વચ્ચે હજુ 10 ટકા મતોનું અંતર છે અને આ ભાજપની લીડનું કારણ છે.