ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં મકાનમાં લાગી ભીષણ આગ, 3 બાળકો સહિત માતા જીવતી સળગી
UP News: ગાઝિયાબાદ લોનીના કંચન પાર્ક કોલોનીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ઘરમાં આગ લાગવાના કારણે 3 બાળકો સહિત એક મહિલાનું મોત નિપજ્યું છે. આગમાં દાઝી જવા અને ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે ચારેયના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે સમયે અકસ્માત થયો, તે સમયે ઘરમાં 8 લોકો હાજર હતાં. બાકી લોકોનું રેસક્યૂ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, હજુ સુધી આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું.
ત્રણ માળના મકાનમાં લાગી આગ
મળતી માહિતી મુજબ, ત્રણ માળના ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી. પરંતુ, આગ એટલી વિકરાળ હતી કે, તે બીજા-ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ આગ મોડી રાત્રે લાગી હતી. પરંતુ, ઘરમાં હાજર લોકોને તેના વિશે જાણ ન થતાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ઘરમાં હાજર ચાર લોકોનું ધુમાડામાં શ્વાસ રૂંધાવાના કારણે મોત થઈ ગયું.
આ પણ વાંચોઃ સરહદે બાંગ્લાદેશીઓ પાકની ચોરી કરી જતાં ભારતીય ખેડૂતો વિફર્યા, BSFએ મામલો થાળે પાડ્યો
નોંધનીય છે કે, પરિવારના 4 લોકોના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમમાં મોકલી પોલીસ દ્વારા આગ લાગવાના કારણ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સિવાય અન્ય 4 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
એક જ પરિવારના ચાર લોકોનું મોત
ફાયર બ્રિગેડના અધિકારી રાહુલ પાલના જણાવ્યા અનુસાર, સૂચના મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ, આગ પર કાબૂ મેળવી લેવાયો છે. મોડી રાત્રે આગ લાગી હતી અને મકાનમાં સૂતેલા લોકોને તેની જાણ ન થતાં તેઓ આગની લપેટમાં આવી ગયા હતાં. 4 લોકો મૃત હાલતમાં મળ્યા છે અને અન્ય ચાર થોડા દાઝી ગયા છે. હાલ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.