UP Election: જાણો કોણે કહ્યું કે- 'હુલ્લડ-મારપીટ, લાત-જૂતા બધું કરો, પણ ચૂંટણી જીતો!'
- પોલીસે આ વીડિયોના આધાર પર ધારાસભ્ય રહી ચુકેલા રામસેવક પટેલ ઉપરાંત તેમના સમર્થકો વિરૂદ્ધ કેસ નોંધી તપાસ આરંભી
પ્રયાગરાજ, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટેનું ઘમાસાણ વધારે ઉગ્ર બની રહ્યું છે. ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારો અને નેતાઓ પોતાની સમગ્ર તાકાત લગાવી રહ્યા છે ત્યારે નેતાઓના અનેક વિવાદિત નિવેદનો પણ સામે આવી રહ્યા છે. પ્રયાગરાજ ખાતેથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. ભાજપના નેતા રામસેવક પટેલ પોતાના કાર્યકરોને ચૂંટણી જીતવા માટે 'હુલ્લડ-મારપીટ, હિંસા અને પૈસા-દારૂ વહેંચવા' માટે ઉશ્કેરતા જોવા મળ્યા હતા. તેમના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે તેના આધાર પર કેસ પણ નોંધ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, રામસેવક પટેલ ખુલ્લેઆમ કાર્યકરોને ઉશ્કેરી રહ્યા છે. તેમણે સ્ટેજ પરથી જ કાર્યકરોમાં કોઈ પણ રીતે ચૂંટણી જીતવાનો મંત્ર ફૂંક્યો હતો. તેમણે કાર્યકરોને ઉશ્કેરતાં અનેક વિવાદિત નિવેદનો આપ્યા હતા. પોલીસે આ વીડિયોના આધાર પર ધારાસભ્ય રહી ચુકેલા રામસેવક પટેલ ઉપરાંત તેમના સમર્થકો વિરૂદ્ધ કેસ નોંધી તપાસ આરંભી છે.
આ વીડિયો મેજા વિધાનસભા બેઠકનો હોવાનું જણાઈ રહ્યું છે. સભા દરમિયાન તેમણે કાર્યકરોને કહ્યું હતું કે, 'કોઈ પણ સંજોગોમાં ચૂંટણી જીતવાની છે. એક-એક બૂથને જીતવા માટે જે પણ કરવું પડે તે આપ સૌએ કરવાનું રહેશે. જીતવા માટે હુલ્લડ-મારપીટ કે લાત-જૂતા, પૈસા-કોડી કે દારૂ વહેંચવો પડે કે પછી તાકાત દેખાડવી પડે તે બધું જ કરવું પડશે.'