ગૂગલ મેપે બતાવ્યો અડધા બનેલા પુલનો રસ્તો, કાર નીચે ખાબકતાં ત્રણના મોત, યુપીની ઘટના
Bareilly Car Accident : આજે સવારે ફરીદપુરના અલ્લપુર ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન પુલ પરથી કાર રામગંગામાં ખાબકી ગઈ હતી. અકસ્માતમાં બે ભાઈઓ સહિત ત્રણ લોકોના મોત થઈ ગયા છે. ત્રણેય લોકો ફરુખાબાદના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માત બાદ વહીવટીતંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. જેનો જવાબ હજુ સુધી કોઈને મળ્યો નથી. પોલીસ અને પ્રશાસનના લોકોએ તમામ હકીકતોની તપાસ શરૂ કરી દીધી છે.
ગૂગલ મેપે 'મોતનો રસ્તો' બતાવ્યો!
ઉત્તરપ્રદેશના બદાયૂંના સમરેરથી ફરીદપુરને જોડવા માટે બનાવેલા રામગંગાના અધૂરા પુલથી કાર ખાબકતા ત્રણ લોકાના મોત થયા. જણાવવામાં આવી રહ્યું છે કે, ગૂગલ મેપથી લોકેશનની મદદથી જઈ રહેલા સિક્યોરિટી કંપનીના ત્રણ કર્મચારીઓ કૌશલ, વિવેક અને અમિતની કાર રવિવારે સવારે બદાયૂં તરફથી ચઢીને પુલથી નીચે ખાબકી હતી. જેમાં ત્રણેયના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. મૃતકોમાં બે સગા ભાઈ હતા. સવારે માહિતી મળતા બે જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણેય એક લગ્નમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા સમેય ગૂગલ મેપ લગાવ્યું હતું. ગૂગલ મેપે અડધા બનેલા પુલનો રસ્તો બતાવ્યો. ગાડી સ્પીડમાં આગળ વધી અને નીચે ખાબકી ગઈ.
રામગંગા નદી પર હજુ બ્રિજનું કામ અધૂરું હતું
બદાયુંના દાતાગંજ અને બરેલીના ફરીદપુરને જોડવા માટે અત્યાર સુધી કોઈ રસ્તો નહોતો. બંને વચ્ચે રામગંગા હોવાને કારણે લોકોને ફરીદપુર જવા માટે બરેલી થઈને જ જવું પડતું હતું, તેથી સેતુ નિગમ રામગંગા પર એક બ્રિજ બનાવી રહ્યું હતું. જેનાથી બંને વિસ્તારોને જોડી શકાય અને લોકોની મુસાફરી માટે નવો રસ્તો બનાવી શકાય. આ બ્રિજ હજુ અધૂરો હતો.
આ બ્રિજ દાતાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચઢતો હતો અને બરેલીના ફરીદપુરમાં આ બ્રિજ ઉતરતો હતો. દાતાગંજ બાજુથી આ બ્રિજ પર કોઈ ચઢી ન જાય તે માટે એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે દિવાલ તૂટી ગઈ હતી. રવિવારે સવારે ફરુખાબાદના રહેવાસી બે ભાઈઓ કૌશલ અને વિવેક ગાઝિયાબાદથી મિત્ર સાથે આવી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમણે ગૂગલ મેપની મદદથી આ રસ્તો શોધ્યો હતો. એટલા માટે ત્રણેય કાર લઈને પુલ પર ચઢી ગયા હતા. પુલ આગળ પૂરો ન થવાને કારણે તેમની કાર રામગંગામાં ખાબકી ગઈ હતી. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા.