મતદાન વચ્ચે યુપીમાં ઘમસાણ: ભાજપ નેતાઓ પર મતદાન રોકવાનો આરોપ, 7 પોલીસકર્મી સસ્પેન્ડ
UP ByPolls 2024: ઉત્તર પ્રદેશમાં જારી પેટાચૂંટણી દરમિયાન ભારતીય ચૂંટણી પંચે કડક કાર્યવાહી હાથ ધરતાં સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશ પેટાચૂંટણી દરમિયાન અમુક સમુદાયો દ્વારા મતદાન રોકવાની ફરિયાદોને ધ્યાનમાં લેતાં ચૂંટણી પંચના સચિવ રાજીવ કુમારે સીઈઓ યુપી અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, રિટર્નિંગ અધિકારીઓને કડક નિર્દેશ આપ્યા છે, તેમજ મતદાનની પ્રક્રિયા નિષ્પક્ષ અને સુચારૂ રૂપે લાગુ કરવાની ખાતરી કરવા કહ્યું છે.
સાત પોલીસ કર્મીને કર્યા સસ્પેન્ડ
સપાની ફરિયાદો અને જુદા-જુદા માધ્યમથી ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો મળતાં ચૂંટણી પંચે સીસામઉમાં બે પોલીસ અધિકારી, મુરાદાબાદમાં 3 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે. મુઝફ્ફરનગરમાં પણ બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બે પોલીસ અધિકારી એસઆઈ અરૂણ કુમાર સિંહ અને રાકેશ કુમાર નાદર મતદારોના ઓળખ પત્ર ચકાસી રહ્યા હતાં. જેમની વિરૂદ્ધ અમુક સમુદાયોને મતદાન કરવાથી અટકાવ્યા હોવાની ફરિયાદ સપા દ્વારા કરવામાં આવી હતી.
ભાજપ ઉમેદવારની ગાડી પર પથ્થરમારો
સીસામઉમાંથી ભાજપના ઉમેદવાર સુરેશ અવસ્થીએ સપા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો છે. સીસામઉમાં ભારે હોબાળો થયો હતો. અવસ્થીએ જણાવ્યું કે, તે એક ચાર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
અખિલેશે ફરીથી મતદાન કરવા કરી અપીલ
મતદાન મથક પર રોકવામાં આવેલા મતદારોને અખિલેશે ફરીથી મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે,તમામ મતદારોને અપીલ છે કે, જેમને રોકવામાં આવ્યા હતા, તે તમામ ફરી મતદાન મથકે જઈને મત આપે. ચૂંટણી પંચના ચીફ સેક્રેટરીએ વીડિયો અને ફોટોના પુરાવાના આધારે ભ્રષ્ટ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. બાકીના દોષિત અધિકારીઓને પણ સસ્પેન્ડ કરશે. તમે નીડર થઈ મતદાન કરો.