યોગી સામે મોટો પડકાર: યુપીમાં 10 બેઠકો પર પેટાચૂંટણી, NDAના સાથી જ વધારશે ટેન્શન?
Uttar Pradesh Assembly By-Election 2024 : ઉત્તર પ્રદેશમાં 10 વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે મોટો પડકાર ઉભો થયો છે. આ ચૂંટણી પહેલા એનડીએના સાથી પક્ષોએ ભાજપની ચિંતા વધારી દીધી છે. સૌથી પહેલા રાષ્ટ્રીય લોક દળ (RLD) અને નિષાદ પાર્ટીએ ભાજપની ચિંતા વધારી છે. તેથી ચૂંટણી પહેલા રાજ્યમાં બેઠકોનો મોટો ખેલ જોવા મળી શકે છે.
ધારાસભ્યો સાંસદો બનતા નવ બેઠક ખાલી પડી
પેટા-ચૂંટણીની બેઠકોની વાત કરીએ તો આ 10 બેઠકોમાંથી નવ બેઠકો પર વિવિધ પક્ષોના ધારાસભ્યોની લોકસભા ચૂંટણીમાં જીત થયા બાદ તેઓ સાંસદ બન્યા છે. જ્યારે એક બેઠક કાનપુરની સીસામઉ બેઠક પરના સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના ધારાસભ્ય ઈરફાન સોલંકી દોષિત જાહેર થયા બાદ તેમની સદસ્યતા રદ કરવામાં આવી છે, જેના કારણે આ 10 બેઠકો ખાલી પડી હોવાથી તેના પર પેટા-ચૂંટણી યોજાવાની છે. હવે આ ચૂંટણીને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. તમામ પક્ષો સામ, દામ, દંડ, ભેદનો ઉપયોગ કરીને પેટા-ચૂંટણીની દસેય બેઠકો જીતવા માંગે છે.
આરએલડી-નિષાદ પાર્ટીએ વધાર્યું ભાજપનું ટેન્શન
મળતા અહેવાલો મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP)નો સાથી પક્ષ આરએલડી 10 બેઠકોમાંથી ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવા માંગે છે. આરએલડીના ધારાસભ્ય ચંદન ચૌહાણ સાંસદ બન્યા બાદ મીરાપુર વિધાનસભા બેઠક ખાલી પડી છે, તેથી NDAમાં બેઠક વહેંચણી વખતે મીરાપુર બેઠક આરએલડીને મળવાની સંપૂર્ણ સંભાવના છે. આ ઉપરાંત જયંત ચૌધરી (Jayant Chaudhary)ની પાર્ટી વધુ બે બેઠકો ઈચ્છે છે. તો બીજીતરફ નિષાદ પાર્ટી (NISHAD Party)એ પણ બે બેઠકોની માંગ કરી છે. પાર્ટીનું કહેવું છે કે, મિર્ઝાપુરની મંઝવા બેઠક અમે અમારો ઉમેદવાર ઉભો રાખવા માંગીએ છીએ, કારણ કે વર્ષ 2022ની ચૂંટણીમાં આ બેઠક પર અમારા ઉમેદવાર વિનોદ કુમાર બિંદે જીત્યા હતા અને હવે તેઓ ભદોહી બેઠક પરના સાંસદ છે.
આરએલડી 10માંથી ત્રણ બેઠકો જોઈએ
આરએલડી પાર્ટી મીરાપુર બેઠક ઉપરાંત ખૈર અને સદર બેઠક પર પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખવા માંગે છે. આરએલડીના રાષ્ટ્રીય સચિવ અનુપમ મિશ્રા (Anupam Mishra)એ કહ્યું કે, અલીગઢની ખેર વિધાનસભા બેઠક અને ગાજિયાબાદની સદર બેઠક પર અમારો ઉમેદવાર ઉભો રખાશે, તો એનડીએની જીત થવાની પ્રબળ સંભાવના છે.
આ પણ વાંચો : અયોધ્યા સહિત યુપીના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ, અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર, 4નાં મોત
પેટા-ચૂંટણીની 10 બેઠકોમાંથી પાંચ સમાજવાદી પાર્ટીની હતી
ઉત્તર પ્રદેશ વિધાનસભમાં જે 10 બેઠકો ખાલી પડી છે, તેમાંથી વર્ષ 2022ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ પાંચ, ભાજપે ત્રણ અને એનડીએના સાથી પક્ષોએ એક-એક બેઠક જીતી હતી. મૈનપુરની કરહલ વિધાનસભા બેઠક પરના ધારાસભ્ય અખિલેશ યાદવ (Akhilesh Yadav) કનૌજથી સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી છે. અયોધ્યા જિલ્લાની મિલ્કીપુર બેઠક સપાના ધારાસભ્ય અવધેશ પ્રસાદ પાસીના સાંસદ બન્યા બાદ ખાલી પડી છે. અલીગઢ જિલ્લાની ખૈર વિધાનસભા બેઠક ભાજપના ધારાસભ્ય અનુપ પ્રધાન વાલ્મિકીને હાથરસ મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાવાને કારણે ખાલી થઈ છે.