યોગીની બદલે બીજા નેતાને CM બદલવાની તૈયારી? ખેંચતાણ વચ્ચે આખરે ભાજપે કરી સ્પષ્ટતા
Uttar Pradesh Politics News : ઉત્તર પ્રદેશ લોકસભાની ચૂંટણીમાં ભાજપ બેકફૂટ પર ધકેલાયા બાદ પાર્ટીમાં આંતરિક વિખવાદો સામે આવ્યા હતા. આ દરમિયાન એવી પણ ચર્ચાઓ શરૂ થઈ હતી કે, ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી બદલાઈ શકે છે. જોકે હવે આ મુદ્દે યુપી ભાજપના વડા ભૂપેન્દ્ર ચૌધરી (Chaudhary Bhupendra Singh)એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પક્ષ લોકશાહી પક્ષ છે અને તમામ પાસે પોતાની વાત રજુ કરવાનો લોકશાહી અધિકાર છે. અમે શિસ્ત સાથે આગળ વધી રહ્યા છીએ. અમારા ધાર્યા મુજબ લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા નથી અને અમે ખામીઓ પર કામ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે મુખ્યમંત્રી પદલવાની વાત પર કહ્યું કે, ‘મુખ્યમંત્રી બદલવાની વાત ખોટી છે.’
CM દ્વારા યોજાયેલી સમીક્ષા બેઠકમાં ન આવ્યા બંને નાયબ મુખ્યમંત્રી
ઉત્તર પ્રદેશ લોકસભાની ચૂંટણીમાં ભાજપની નબળાઈ સામે આવ્યા બાદ મુખ્યમંત્રી સતત સમીક્ષા બેઠકો કરી રહ્યા છે. બેઠકમાં મંડળના તમામ ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓને બોલાવાઈ રહ્યા છે. વારાણસી સિવાય તમામ મંડળોની બેઠક યોજાઈ ગઈ છે. આજે સવારે લખનઉ મંડળની બેઠક યોજાઈ હતી. અગાઉ પ્રયાગરાજની સમીક્ષા બેઠક યોજાઈ હતી, તેમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya) આવ્યા ન હતા. જ્યારે મુરાદાબાદ મંડળની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી આવ્યા ન હતા. જ્યારે આજે યોજાયેલી લખનઉ મંડળની સમીક્ષા બેઠકમાં નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક (Brajesh Pathak) જોડાયા ન હતા. બંને નાયબ મુખ્યમંત્રીએ અત્યાર સુધીની કોઈપણ સમીક્ષા બેઠકમાં આવ્યા નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) તમામ બેઠકોમાં આવેલા ધારાસભ્યો, મંત્રીઓ, વિધાન પરિષદના સભ્ય અને અન્ય નેતાઓના મનને જાણવાનો પ્રયાસ કર્યો હતો.
બેઠકમાં કેટલાક રહ્યા ચૂપ, તો કેટલાકે અધિકારીઓ પર સાધ્યુ નિશાન
મુખ્યમંત્રી સાથેની સમીક્ષા બેઠકમાં જે જનપ્રતિનિધિ આવ્યા નથી, તેમની સાથે અલગથી મુલાકાત કરવામાં આવી છે. બેઠકમાં કેટલાક ધારાસભ્યોએ અધિકારીઓ અને ઓફિસરોના કામકાજ અંગે ફરિયાદ કરી છે, જ્યારે મોટાભાગના લોકોએ ચૂપ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 10 બેઠકો પર પેટા-ચૂંટણી યોજાવાની છે, તેથી ખૂબ મુખ્યમંત્રીએ મોરચો સંભાળ્યો હોય, તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેઓ બેઠકમાં તમામ પાસેથી માહિતી મેળવવાની સાથે તેમના મનની વ્યથા, પ્રસ્તાવો પર પણ ધ્યાન આપી રહ્યા છે.