મમતા, યોગી કે તેજસ્વી... કોનો કેટલો દબદબો? પેટા ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓની અગ્નિ પરીક્ષા
Assembly By Election 2024: ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની સાથે 13 રાજ્યોની 47 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. આમાંથી મોટાભાગની બેઠકોના ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાઈ આવતાં ખાલી પડી છે. તેમાં બિહારની 4, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકોનો પણ સમાવેશ થાય છે. બિહારમાં વર્ષે 2025માં વિધાનસભા ચૂંટણી યોજાશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં વર્ષ 2026માં અને ઉત્તર પ્રદેશમાં 2027માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. આ રાજ્યોમાં લોકસભા ચૂંટણીમાં ભાજપની સ્થિતિ નબળી રહી છે. આથી વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામોને સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહ્યા છે. આ પેટા ચૂંટણી સીએમ યોગી આદિત્યનાથ, સીએમ મમતા બેનરજી, તેજસ્વી યાદવ અને પ્રશાંત કિશોર જેવા દિગ્ગજ નેતાઓ માટે અગ્નિપરીક્ષા છે.
લોકસભા ચૂંટણીના પરિણામ સુધારવા મોટો પડકાર
બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીનું મહત્ત્વ વધી ગયું છે કારણ કે લોકસભા ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપને અપેક્ષા મુજબ સફળતા મળી નથી. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે ભાજપને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે ઉત્તર પ્રદેશમાં, સમાજવાદી પાર્ટીની આગેવાની હેઠળના વિરોધ પક્ષોના I.N.D.I.A. ગઠબંધને. તો બિહારમાં ભાજપે પાંચ બેઠકો ગુમાવી છે. એનડીએમાં જોડાયેલા જેડીયુએ પણ ચાર બેઠકો ગુમાવી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની ખરાબ સ્થિતિનું કારણ પાર્ટીની અંદરની લડાઈ હોવાનું કહેવાય છે. તેથી, જો એનડીએ પેટા ચૂંટણીમાં તેમનું પ્રદર્શન સુધારવું હોય, તો I.N.D.I.A. ગઠબંધન માટે લોકસભાની ચૂંટણીની જેમ જ ટેમ્પો જાળવી રાખવો જરૂરી બનશે.
આ પણ વાંચો: ભાજપની જ મહિલા નેતાએ પહેલવાનોને આંદોલન કરવા ભડકાવ્યાં! સાક્ષી મલિકના દાવાથી હડકંપ
બિહારમાં તેજસ્વી અને પીકેની તાકાત જાણી શકાશે
ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરની પાર્ટી જન સૂરજ બિહારમાં એનડીએ અને ઉત્તર પ્રદેશ સિવાય ત્રીજા રાજકીય ધ્રુવ તરીકે ઉભરી આવી છે. પ્રશાંત કિશોરને બિહારમાં પરિવર્તનમાં દ્રઢ વિશ્વાસ છે. તેજસ્વી યાદવ નીતિશ કુમારને સીએમ પદેથી હટાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. આનું પણ એક કારણ છે, ગત વિધાનસભા ચૂંટણીમાં તેજસ્વીએ પોતાના દમ પર વિપક્ષી ગઠબંધનના ધારાસભ્યોની સંખ્યા 110 સુધી પહોંચાડી દીધી હતી. બાદમાં તેજસ્વીએ AIMIMના ચાર ધારાસભ્યોને પણ RJDનો ભાગ બનાવ્યા. બહુમત માટે જરૂરી 122 માંથી માત્ર આઠ ધારાસભ્યો ન હોવાને કારણે તેજસ્વી CM બની શક્યા નહીં. મુખ્યમંત્રી નીતિશ કુમારને બિહારમાં કરેલા વિકાસ કાર્યો પર વિશ્વાસ છે. તેથી, ત્રણેય માટે ચાર બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી અગ્નિપરીક્ષા છે.
ભાજપે ઉત્તર પ્રદેશમાં આ છૂટ આપી
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આ વખતે ભાજપના કેન્દ્રીય નેતૃત્ત્વએ તેમને ઉમેદવારની પસંદગીમાં છૂટ આપી છે. ભાજપે પણ આંતરિક વિખવાદનો અંત લાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ભાજપે સીએમ યોગીથી નારાજ લોકોને નિયંત્રણમાં રહેવા સૂચના આપી છે. જો યોગી પેટા ચૂંટણીમાં વધુ સારા પરિણામ આપવામાં સક્ષમ હોય તો એ સ્વીકારવું પડશે કે લોકસભા ચૂંટણીમાં ભાજપની નિષ્ફળતાનું સાચું કારણ તેમણે કહ્યું હતું. વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સીએમ યોગીએ પેટા ચૂંટણીમાં પોતાનું પ્રદર્શન સુધારવું પડશે. તેથી પેટા ચૂંટણી તેમના માટે અગ્નિપરીક્ષા છે. સમાજવાદી પાર્ટીની આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધનમાં ટિકિટની વહેંચણીને લઈને અસમંજસના કારણે સીએમ યોગીનો રસ્તો પણ સરળ બની શકે છે.
પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ માટે જીત જાળવી રાખવાનો પડકાર
આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં 29 બેઠકો જીતીને ભાજપ દ્વારા તૈયાર કરેલી વ્યૂહનીતિને ધ્વસ્ત કરી દીધી હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 22 બેઠકો જીતી હતી. 2024ની લોકસભા ચૂંટણીમાં આ સંખ્યા 29 પર પહોંચી ગઈ હતી. ભાજપની બેઠકો 2019માં 18 હતી તે આ વખતે ઘટીને 12 થઈ ગઈ છે. ભાજપને પ. બંગાળમાં પોતાની ગુમાવેલી બેઠક ફરી જીતવી એ એક મોટો પડકાર છે. બીજી તરફ વિવિધ પ્રકારના ભ્રષ્ટાચાર અને મહિલાઓ પર થતા અત્યાચારો સામે સર્જાયેલા વાતાવરણ વચ્ચે સીએમ મમતા બેનરજીએ સાબિત કરવું પડશે કે આ તેમની સામે ભાજપનું ષડયંત્ર છે.