Get The App

બહરાઈચ હિંસાઃ પાંચ આરોપીની ધરપકડ, બેને વાગી ગોળી, નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
બહરાઈચ હિંસાઃ પાંચ આરોપીની ધરપકડ, બેને વાગી ગોળી, નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા 1 - image


Bahraich Violence : ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસાના બે મુખ્ય આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. બંને આરોપીઓ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. પોલીસની ટીમ ઘટનાના દિવસથી જ બંને આરોપીઓને શોધી રહી હતી. જો કે આજે પોલીસને બંને આરોપીનું લોકેશન મળી આવ્યું હતું, જેમાં બંનેને ટ્રેસ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓના નામ સરફરાઝ ઉર્ફે રિંકુ અને ફહિમ છે. આ બંને આરોપી અબ્દુલ હમીદના પુત્ર છે. એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, બંને આરોપીનું નેપાળ બોર્ડર પાસે હાંડા બશેહરી નહેર પાસે એન્કાઉન્ટ કરવામાં આવ્યું છે. 

પાંચ આરોપીને ઝડપી લેવાયા

એડીજી લૉ એન્ડ ઓર્ડર અમિતાભ યશે જણાવ્યું કે, ‘હાલ એન્કાઉન્ટરમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી મળી નથી, પરંતુ પોલીસે પાંચ આરોપીઓ ઝડપી લીધા છે. પ્રાથમિક માહિતી મુજબ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એન્કાઉન્ટરમાં બે લોકોને ગોળી વાગી છે.’ હાલ આ મુદ્દે પોલીસ હેડક્વાર્ટર ખાતે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે. બેઠકમાં એડીજી કાયદો અને વ્યવસ્થા સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના બહરાઇચમાં હિંસા; હોસ્પિટલ, દુકાનો, મોલમાં આગ ચાંપી દેવાઈ

આરોપીની બહેનનું સામે આવ્યું નિવેદન

એન્કાઉન્ટરની ઘટના બાદ અબ્દુલ હમીદની પુત્રી રૂખસારનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે, ગઈકાલે સાંજે ચાર વાગ્યે મારા પિતા અબ્દુલ હમીદ, મારા બે ભાઈ સરફરાઝ અને ફહિમ અને અન્ય એક યુવકને ઉત્તર પ્રદેશ એસટીએફમાં લઈ જવાયા હતા. મારા પતિ અને મારા સાળાને પણ ઉઠાવાયા હતા. અમારા પરિવારને પોલીસ સ્ટેશનમાંથી તેઓના વિશે કોઈ માહિતી મળી નથી. અમને ડર છે કે, તેઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોઈ શકે છે. 

બંને આરોપીઓ રામગોપાલની હત્યામાં સામેલ

આ એન્કાઉન્ટર અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બહરાઈચ હિંસામાં મૃત્યુ પામનાર રામગોપાલ મિશ્રાની હત્યામાં બંને આરોપીઓ સામેલ હતા. આ બંનેએ જ સાથીઓ સાથે મળીને રામગોપાલ પર ગોળીઓ વરસાવી હતી. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અબ્દુલ હમીદના ધાબા પર ચારથી પાંચ લોકો જોવા મળી રહ્યા છે. આ જ ધાબા પર રામગોપાલને ગોળી મારવામાં આવી હતી.

બહરાઈચમાં હિંસા કેવી રીતે ભડકી ?

ઉલ્લેખનીય છે કે, બહરાઈચના હરદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેહુઆ મંસૂર ગામના રહેવાસી રામગોપાલ મિશ્રા રવિવારે સાંજે છ કલાકે દુર્ગા પ્રતિમા વિસર્જનની યાત્રામાં સામેલ થયા હતા. જ્યારે આ યાત્રા મહારાજગંજ બજારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ. એવું કહેવાય છે કે, આ દરમિયાન ધાબા પરથી પત્થરો ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે વિસર્જનમાં ભાગદોડ મચી ગઈ હતી.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશ જ નહીં 72 કલાકમાં દેશના પાંચ રાજ્યોમાં કોમી હિંસાનો તણાવ, જાણો ક્યાં કેવી હાલત

રામગોપાલની ગોળી મારી હત્યા કરાતા હોબાળો

આ હોબાળા દરમિયાન એક ધારા પરની છત પરથી રામગોપાલને ગોળી મારવામાં આવી, જેમાં તેનું મોત થયું હતું. રામગોપાલના મોતના અહેવાલો ફેલાતા જ મહારાજગંજ વિસ્તારમાં ભારે બબાલ શરૂ થઈ ગઈ હતી. રોષે ભરાયેલા દેખાવકારોએ આરોપીઓના ઘર સહિત અનેક વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. બીજા દિવસે પણ હિંસા યથાવત્ રહેતા મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવાની નોબત આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાને ધ્યાને લીધી હતી. હાલ સ્થિતિ સામાન્ય છે.

આ પણ વાંચો : હવે ટ્રેનમાં એડવાન્સ બુકિંગ 120 નહીં 60 દિવસનું થશે, પહેલી નવેમ્બરથી રેલવેમાં નવો નિયમ


Google NewsGoogle News