69000 શિક્ષકોનું હાઈકોર્ટ બાદ બેંકે વધાર્યું ટેન્શન, લોન વસૂલ કરવા કર્યો આદેશ
UP Teacher Recruitment : યૂપીમાં 69 હજાર શિક્ષકોની ભરતી મામલે અલાહાબાદ હાઇકોર્ટે મેરિટ લિસ્ટ રદ કરી ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે યોગી સરકારને ત્રણ મહિનામાં નવી મેરિટ લિસ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. જો કે, હાઇકોર્ટના ચુકાદા બાદ શિક્ષકો ચિંતિત થયા છે. જે શિક્ષકોની મેરિટ લિસ્ટમાં પસંદગી થઇ હતી તેઓ મુંઝવણમાં છે કે તેમને નોકરી મળશે કે તેઓ બેરોજગાર બની જશે. આ વચ્ચે બાંદા કો-ઓપરેટિવ બેન્કે શિક્ષકોની ચિંતા વધારી છે. કોર્ટના ચુકાદા બાદ બેન્કે શિક્ષકો પર લોન રિકવરી અંગે દબાણ કરવાનું શરૂ કર્યું છે.
હાઇકોર્ટના ચુકાદાથી શિક્ષકોને ઝટકો
શિક્ષક ભરતી અંગે હાઇકોર્ટના ચુકાદા બાદ બાંદા બેન્કે સહાયક શિક્ષકોથી લોન રિકવરી કરવાના નિર્દેશ આપ્યા છે. જે બાદ બેન્ક યૂપીમાં સહાયક શિક્ષકો પાસેથી લોનની રકમ વસૂલ કરવા સક્રિય થઇ છે. બેન્ક તરફથી સહાયક શિક્ષકોને નવા લોન આપવા પર રોક લગાવવામાં આવી છે અને જે શિક્ષકો લોન લઇ ચૂક્યા છે તેમના પર લોનની રિકવરી કરવા દબાણ બનાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ ભાજપે જાહેર કર્યા રાજ્યસભાની પેટા ચૂંટણીના નવ ઉમેદવારો, જુઓ યાદી
બેન્કના સચિવે પ્રેસનોટ જાહેર કરી
બાંદા બેન્ક તરફથી એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં સચિવ તરફથી શિક્ષકોથી લોન વસૂલ કરવા અંગેની વાત કરવામાં આવી છે. આ મામલે સરકાર દ્વારા નવી મેરિટ બહાર પાડવામાં ત્યાં સુધી નવી લોન ન આપવાનો આદેશ આપ્યો છે.
બેન્ક સચિવે તેમના પત્રમાં લખ્યું કે, "શિક્ષકોની ભરતી અંગે સમાચાર પત્રોમાં હાઇકોર્ટનો આદેશ પ્રકાશીત થયું છે. જો આ મામલે જોડાયેલા શિક્ષકોને પર્સનલ લોન કે અન્ય કોઇ પણ લોન આપી હોય તો વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ વસૂલ કરવામાં આવે અને જ્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી કોઇપણ પ્રકારની લોન ન આપવામાં આવે."
અલાહાબાદ હાઇકોર્ટનો આદેશ
અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે ઉત્તરપ્રદેશમાં સહાયક શિક્ષક ભરતી પરીક્ષા (એટીઆરઇ) અંતર્ગત 69 હજાર શિક્ષકોની નિયુક્તિ માટે જૂન 2020માં જાહેર કરેલી પસંદગી યાદી અને 6800 વિદ્યાર્થીઓની પાંચ જાન્યુઆરી 2022ની પસંદગી સૂચીને બદલે નવી સૂચી બનાવવા આદેશ આપ્યો છે.