દુષ્કર્મના કેસમાં યુવકે 4 વર્ષની સજા ભોગવી, હવે કેસ ખોટો ઠરતાં કોર્ટે યુવતીને ફટકારી આવી સજા
False allegations of rape: ઉત્તરપ્રદેશના બરેલીની એક કોર્ટે બળાત્કારની જુઠી ફરિયાદ કરવાના કેસમાં ફરિયાદી યુવતીને એટલી જ સજા ફટકારી છે જેટલી સજા આ ખોટી ફરિયાદના કારણે આરોપી યુવકે ભોગવવી પડી હતી. યુવતીની ખોટી ફરિયાદના કારણે યુવકને ચાર વર્ષ અને છ મહિનાની સજા આપવામાં આવી હતી.
ખોટી ફરિયાદ કરવા બદલ કોર્ટે આપી એટલી જ સજા
કોઈ જ કારણ વગર આટલી સજા માત્ર ખોટી ફરિયાદના આધારે ભોગવવી પડી. જેને પગલે કોર્ટે ફરિયાદ કરનારી મહિલાને પણ એટલી જ સજા ફટકારી હતી સાથે જ 5.9 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ દંડની રકમ પીડિત યુવકને આપવાની રહેશે જેણે ખોટા આરોપો હેઠળ જેલ ભોગવવી પડી હતી.
માતાના કહેવાથી કરી અપહરણ અને રેપની ખોટી ફરિયાદ
વર્ષ 2018માં યુવતીની વય 15 વર્ષની હતી, તે સમયે યુવતીએ કોર્ટને કહ્યું હતું કે મારા પર અજય કુમાર ઉર્ફે રાથેવે બળાત્કાર કર્યો હતો. યુવતીની માતાના કહેવાથી અજય કુમારની સામે અપહરણ અને રેપની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
યુવતીની સામે સીઆરપીસીની કલમ 195 હેઠળ કરી કાર્યવાહી
યુવતીએ રેપનો દાવો મેજિસ્ટ્રેટ સમક્ષ પણ કર્યો હતો. જો કે જ્યારે ઉલટ તપાસ થઈ ત્યારે યુવતી ફરી ગઈ હતી અને કોર્ટમાં કહ્યું હતું કે હું મેજિસ્ટ્રેટ સમક્ષ ખોટું બોલી હતી, મારા પર અજયે બળાત્કાર નહોતો કર્યો. આ નિવેદનને ધ્યાનમાં રાખીને બાદમાં કોર્ટે ખોટી ફરિયાદ અને નિવેદન બદલ યુવતીની સામે સીઆરપીસીની કલમ 195 હેઠળ કાર્યવાહી કરી હતી.
ખોટી ફરિયાદના કારણે નિર્દોષને થઈ હતી ચાર વર્ષની જેલ
સાથે જ બરેલીની કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં સ્પષ્ટ થાય છે કે બળાત્કારની કોઈ જ ઘટના નહોતી બની, યુવતીની ખોટી ફરિયાદને કારણે અજયે ચાર વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. જોકે હવે ખુદ યુવતી જ કહી રહી છે કે અજય નિર્દોષ છે. કેસ પરથી સ્પષ્ટ થાય છે કે યુવતીએ મહિલાઓના રક્ષણ માટેના કાયદાને દુરુપયોગ કર્યો છે. જેનાથી પુરુષના અધિકારોનો ભંગ થયો છે.
ખોટી ફરિયાદના કારણે ખરેખર જે પીડિત મહિલાઓ છે તેમણે પણ નુકસાન ભોગવવું પડે છે. જે સમાજ માટે બહુ જ ગંભીર સ્થિતિ છે. પોતાના મકસદને પાર પાડવા માટે પોલીસ અને કોર્ટનો ઉપયોગ કરવો સ્વીકાર્ય નથી.