આગામી 24 કલાકમાં મહારાષ્ટ્રમાં થશે ઉથલપાથલ? શિંદે મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પદ પર હલચલ તેજ
Maharashtra Government Formation: મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ હવે સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપે 132 બેઠક જીત્યા બાદ મુખ્યમંત્રી પદની રેસમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધિઓમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના વતન ગામ ગયા.
શિંદેની વતન મુલાકાતથી રાજકારણમાં હલચલ
શિંદેની ગામની મુલાકાતના સમાચારે મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે, કારણ કે સરકાર રચવા માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શિંદેની વતન મુલાકાત પછી, એવી અટકળોએ જોર પકડ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના નિર્ણયથી ખુશ નથી.
જો કે તેમની પાર્ટીના નેતા ઉદય સામંતેનું કહેવું છે કે એકનાથ શિંદે નારાજ નથી. પરંતુ તેમને તાવ અને શરદીની તકલીફ હોવાથી તેઓ તેમના વતન ગામ ગયા હતા. ગુરુવારે રાત્રે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રીને મળ્યા ત્યારે પણ તેમની તબિયત ખરાબ હતી.
આગામી 24 કલાકમાં મોટો નિર્ણય લેશે
શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું કે એકનાથ શિંદે આગામી 24 કલાકમાં મોટો નિર્ણય લેશે. જો કે, તેમણે દાવો કર્યો હતો કે શિવસેના પ્રમુખ કેન્દ્રીય કેબિનેટમાં કોઈ પદ લેશે નહીં કારણ કે તેમનો રસ મહારાષ્ટ્રના રાજકારણમાં છે.
પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક રદ થઇ
એકનાથ શિંદેની વતન મુલાકાતના કારણે શુક્રવારે મહાયુતિના સહયોગી ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક રદ કરવામાં આવી હતી. આ કારણે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક સપ્તાહ બાદ પણ સરકારની રચનામાં વિલંબ થઈ રહ્યો છે. જો એકનાથ શિંદેની તબિયતમાં સુધાર નહી આવે તો વીડિયો કોન્ફરન્સની મદદથી પણ બેઠક થઇ શકે છે.
આ પણ વાંચો: CMના ચહેરાની મથામણ વચ્ચે મહાયુતિએ શપથ ગ્રહણની તારીખ જાહેર કરી, જાણો ક્યાં થશે કાર્યક્રમ!
શપથ ગ્રહણ ક્યારે થશે?
શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું, 'ગઈકાલે મહારાષ્ટ્રના નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મળ્યા હતા. પીએમ મોદી અને અમિત શાહ નક્કી કરશે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે. આજે મધ્યરાત્રિ સુધીમાં મહારાષ્ટ્રના સીએમનું નામ જાહેર થઈ જશે. મને જાણકારી છે કે શપથ ગ્રહણ સમારોહ 2 ડિસેમ્બરે યોજાશે.'
શિવસેનાના નેતાએ વધુમાં કહ્યું કે, 'જ્યારે પણ એકનાથ શિંદેને લાગે છે કે તેમને વિચારવા માટે થોડો સમય જોઈએ છે, ત્યારે તેઓ તેમના વતન જાય છે.'
મહા વિકાસ આઘાડી પર હુમલો
સંજય શિરસાટે કહ્યું કે, 'ભાજપે જાણ કરી છે કે તે આગામી બે દિવસમાં તેના ધારાસભ્ય દળના નેતા અંગે નિર્ણય લેશે અને ઔપચારિકતાઓ બાદ નવી સરકારની રચના કરવામાં આવશે. મહા વિકાસ અઘાડી પર નિશાન સાધતા શિરસાટે કહ્યું કે વિપક્ષે સરકારની રચના પર પક્ષોના મહાગઠબંધન પર સવાલ ઉઠાવવાને બદલે ચૂંટણીમાં તેના પ્રદર્શન પર આત્મમંથન કરવું જોઈએ.'