કાર્યસ્થળે મહિલાકર્મી સાથે અનિચ્છનીય વ્યવહાર જાતીય સતામણી ગણાય: મદ્રાસ હાઈકોર્ટ
High Court News | મદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કાર્યસ્થળ પર મહિલાઓ સાથે અનિચ્છનીય વ્યવહાર પણ યૌન ઉત્પીડનની કેટેગરીમાં આવે છે. ઉત્પીડનકર્તાની મંશા ગમે તે હોય પરંતુ આ કૃત્ય આપરાધિક કૃત્ય છે. કાર્યસ્થળે મહિલાઓના શારીરિક શોષણને અટકાવતો કાયદો ઇરાદા કરતા કૃત્ય પર વધુ ધ્યાન આપે છે. એક આઇટી કંપની એચસીએલ ટેક્નોલોજીના એક કર્મચારી સામે મહિલા કર્મચારીએ લગાવેલા આરોપો મામલે હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી.
કર્મચારી પર પોતાની સાથે કામ કરનારી ત્રણ મહિલા કર્મચારીઓના યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે આ મામલે કહ્યું હતું કે જો કોઇનો વ્યવહાર સામેની વ્યક્તિને અપ્રિય લાગતો હોય તો તે યૌન ઉત્પીડન માનવામાં આવશે. પછી આવો વ્યવહાર કરનારાનો ઇરાદો ગમે તે હોય. ન્યાયાધીશ આર. એન. મંજુલાએ કહ્યું હતું કે કાર્યસ્થળ પર કોઇ દ્વારા મહિલા સાથે અનિચ્છનીય વ્યવહાર યૌન ઉત્પીડન છે. જો કોઇ વ્યવહાર સ્વીકાર્ય ના હોય અને બીજી વ્યક્તિ ખાસ કરીને મહિલાઓને અપ્રિય અને અનિચ્છનીય લાગતો હોય તો નિશ્ચિત રુપે તે યૌન ઉત્પિડનની વ્યાખ્યામાં આવે છે.
ન્યાયાધીશે અમેરિકાની કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જો કોઇ બાબતને સારી રીતે સ્વીકાર ના કરવામાં આવતી હોય તો નિશ્ચિત છે કે આ કૃત્યને અન્ય જેંડર એટલે કે મહિલાઓને અસર કરનારા કૃત્ય તરીકે જોવામાં આવશે. શ્રમ ન્યાયાલયના એક આદેશને રદ કરતી વખતે હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી. એચસીએલ ટેક્નોલોજીની ઇંટરનલ કંપ્લેંટ કમિટીએ પોતાના એક કર્મચારી વિરુદ્ધ લાગેલા આરોપોને નકારી દીધા હતા. મહિલાઓની ફરિયાદ હતી કે આરોપીએ પોતાના ઉંચા પદનો ખોટી રીતે દુરુપયોગ કર્યો છે. જ્યારે હું કામ કરી રહી હતી ત્યારે આરોપીએ મારી પાછળ ઉભા રહીને મારા ખભાને સ્પર્શવા અને બળજબરીથી હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આરોપી કર્મચારીએ દાવો કર્યો હતો કે હું એક સુપરવાઇઝર તરીકે માત્ર પાછળ ઉભો રહીને તેનું કામ જોઇ રહ્યો હતો આ દલીલને હાઇકોર્ટે ફગાવી હતી.