મહાકુંભમાં સ્નાન કરી પાછા ફરતા શ્રદ્ધાળુઓના વાહનની બસ સાથે ટક્કર, પિતા-દીકરીનું મોત, 10 ઘાયલ
UP Accident: કાનપુર-લખનઉ હાઈવે પર અજગૈન ક્ષેત્રમાં આજે પરોઢિયે ભયાનક અકસ્માત સર્જાતાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું છે. આજે ગુરૂવારે વહેલી સવારે 6.30 વાગ્યે મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક માર્શલ જીપ રોડવેઝ બસ સાથે અથડાતાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 ગંભીર રૂપે ઘાયલ છે. અકસ્માતના 20 મિનિટ બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને જીપમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતાં. આ દુર્ઘટનાના કારણે આશરે એક કલાક સુધી હાઈવે જામ રહ્યો હતો. જીપ ડ્રાઈવરને ઉંઘનું ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો હોવાની જાણ થઈ છે.
મધ્યપ્રદેશના ઈશાગઢ તથા શિવપુરીના 12 શ્રદ્ધાળુઓ માર્શલ જીપ મારફત મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતાં. જ્યાં સ્નાન બાદ તેઓ વારાણસી કાશી વિશ્વનાથ મંદિર અને અયોધ્યામાં રામલલાના દર્શન કરવાં ચિત્રકૂટ જઈ રહ્યા હતાં. તે સમયે અજગૈન ક્ષેત્રમાં ચમરોલી ગામ નજીક જીપ આગળ જઈ રહેલી મહોબા ડેપોની રોડવેઝ બસ સાથે અથડાઈ હતી. જેમાં ઈશાગઢના રહેવાસી પિતા સુરેશ તિવારી (ઉ.વ.55) અને તેમની 30 વર્ષીય પુત્રી રાધા વ્યાસનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું.
10 લોકો ઘાયલ
મૃતક સુરેશ તિવારીના પત્ની ઓમવતી સહિત 10 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જેમાં બે જણની હાલત ગંભીર થતાં તેમને જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. સીઓ હસનગંજ સંતોષ સિંહે ઘટનાની ખાતરી કરી ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં 50 મુસાફરોને લઈ જતી બસ અને ડમ્પર વચ્ચે ભયંકર ટક્કર, બંને પલટી ગયા, 8 ઈજાગ્રસ્ત
ઈટાવામાં પણ 12 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઈટાવામાં દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહેલી ખાનગી બસ આગ્રા-કાનપુર નેશનલ હાઈવે પર રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં ઘૂસી જતાં એક ડઝન જેટલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, તેમને સામાન્ય ઈજા થઈ હોવાનું બકેવર પ્રભારી નિરિક્ષક ભૂપેન્દ્ર સિંહ રાઠીએ જણાવ્યું હતું. ખાનગી બસના ડ્રાઈવરને પણ ઊંઘનું ઝોકું આવી જતાં ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી.