યુપીમાં 'ફિર હેરાફેરી', 15 દિવસમાં પૈસા ડબલની લાલચમાં કરોડોનું ફલેકું ફેરવી ચીટફંડ કંપનીનું ઉઠામણું

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
fraud


Chit fund company: ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક ચીટફંડ કંપની 15 દિવસમાં પૈસા ડબલ કરવાના બહાને કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે. કંપનીના લોકોએ કેટલાક લોકોને અઠવાડિયામાં તો કેટલાકને 10 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી. તેઓ શેર ટ્રેડિંગ અને ચીટફંડના નામે કંપની ચલાવતા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોએ ઘણા મહિનાઓ સુધી ઑફિસના ચક્કર લગાવ્યા અને જ્યારે કોઈ ન મળ્યું ત્યારે તેઓ કંપની સંચાલકના ઘરે ગયા અને હોબાળો મચાવ્યો.

ચાર લોકોએ શરુ કરી હતી ચીટફંડ કંપની

પૂર્વ કાઉન્સિલર સુનીલ કુમારે જણાવ્યું કે બાંગરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના ગંજમુરાદાબાદના રહેવાસી અયાદ, કાશન, આમિર અને અદનાન સાથે મળીને ચીટફંડ કંપની શરુ કરી હતી. આ લોકોએ સેંકડો લોકોને 15 દિવસમાં તેમના પૈસા ડબલ થઈ જશે તેવી લાલચ આપીને તેમની મહેનતની કમાણી કંપનીમાં જમા કરાવી હતી. થોડા દિવસ તેમણે લોકોને પૈસા પરત પણ આપ્યા, પરંતુ જ્યારે મોટી સંખ્યામાં લોકોએ તેમની કંપનીમાં પૈસા રોક્યા તો કંપની કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર સહિત બે રાજ્યોમાં ચૂંટણીનું થશે એલાન, ઈલેક્શન કમિશનની આજે મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ

પૈસા ડબલ કરવાની લાલચમાં ઘરેણાં પણ ગીરવે મૂક્યા 

15 દિવસમાં પૈસા ડબલ થવાની લાલચમાં ઘણી મહિલાઓએ પોતાના ઘરેણાં ગીરવે રાખ્યા છે તો કોઈએ મિત્ર પાસેથી રૂ. 50 લાખ ઉધાર લઈને જમા કરાવ્યા છે. લોકોએ એવી આશાએ પૈસા જમા કરાવ્યા કે જયારે 15 દિવસમાં પૈસા ડબલ થઈ જશે ત્યારે ઘરેણાં પરત લઈ લેશે કે ઉધાર ચૂકવી દેશે. પરંતુ જ્યારે કંપની પાસે વધુ નાણાં જમા થઈ ગયા અને કંપની ગાયબ થઈ ગઈ. આથી રોષે ભરાયેલા લોકો કંપની ડાયરેક્ટરના ઘરે ગયા અને હંગામો કર્યો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હંગામો કરનાર લોકોને કોઈક રીતે શાંત પાડ્યા હતા.

આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે

સીઓ બાંગરમાઉ અરવિંદ ચૌરસિયાએ કહ્યું કે 4 મહિના પહેલા પણ ચીટફંડના લોકોએ એક નકલી લૂંટની જાણકારી આપી હતી, જેનો ખુલાસો પણ થયો હતો. લોકોની ફરિયાદ પર કેસ પણ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તે પછી પીડિતો ફરી આવ્યા ન હતા. જયારે હવે લોકો ફરીથી અહીં હંગામો કરી રહ્યા છે.

આ પણ વાંચો: કેદારનાથમાં આભ ફાટ્યાંની ઘટનામાં મૃત્યુ પામેલા 3 શ્રદ્ધાળુના મૃતદેહ મળતાં હડકંપ, SDRFએ કાઢ્યાં

લોકોનો આરોપ છે કે અયાદ અને તેના પરિવારના છોકરાઓ લોકો પાસેથી પૈસા લેતા હતા અને 15 દિવસમાં પૈસા ડબલ કરવાની સ્કીમ આપતા હતા. પૈસા ક્યાં રોકાણ કરવા, શેમાં રોકાણ કરવું એવી કોઈ જ જાણકારી આપતા ન હતા. હવે લોકોની ફરિયાદના આધારે અયાદ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

યુપીમાં 'ફિર હેરાફેરી', 15 દિવસમાં પૈસા ડબલની લાલચમાં કરોડોનું ફલેકું ફેરવી ચીટફંડ કંપનીનું ઉઠામણું 2 - image



Google NewsGoogle News