વિદેશી ફોર્મ્યૂલા અપનાવાઈ, યુનિવર્સિટીઓમાં વર્ષમાં બે વખત એડમિશન, વિદ્યાર્થીઓને મોટો ફાયદો
Indian Universities to Offer Admissions Twice a Year: વિદેશની યુનિવર્સિટીઓની જેમ હવે ભારતની યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર પ્રવેશ મળશે. કારણકે ભારત સરકારે પણ દેશની યુનિવર્સિટીઓ માટે દ્વિ પ્રવેશ પદ્ધતિ સ્વીકારી છે.
યુજીસીની તાજેતરમાં મીટિંગમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય કરવામા આવ્યો હતો અને જેમાં યુનિવર્સિટીઓને જુલાઈ-ઓગસ્ટ બાદ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રવેશ આપવા માટે પણ મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી દેશના લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે. જો કે યુજીસીના જણાવ્યા મુજબ આ પદ્ધતિ યુનિવર્સિટીઓએ સ્વીકારવી ફરજીયાત નથી.
યુજીસીના ચેરમેન એમ.જગાદેશ કુમારે જણાવ્યુ હતું કે જુલાઈ 2023માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ અને ઓનલાઈન અભ્યાસક્રમો માટે વર્ષમાં બે વાર પ્રવેશની મંજૂરી આપવામા આવી હતી. જેમાં ઓપન યુનિવર્સિટીઓ વર્ષમાં બે વાર એટલે કે જૂન-જુલાઈ કે ઓગસ્ટ અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રવેશ આપતી હતી.
પરંતુ રેગ્યુલર અભ્યાસક્રમોમાં માત્ર એક જ વાર એટલે કે વર્ષની શરૂઆતમાં જૂનથી-ઓગસ્ટમાં પ્રવેશ અપાતો હતો. હાલ રેગ્યુલર અભ્યાસક્રમો માટે જુલાઈ-ઓગસ્ટમાં જ પ્રવેશ આપવાની પદ્ધતિ છે
પરંતુ ઓપન એન્ડ ડિસ્ટન્સ અભ્યાસક્રમો તેમજ ઓનલાઈન અભ્યાસક્રમોમાં પ્રવેશને લઈને યુજીસીના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરોને આંકડા જોતા ધ્યાને આવ્યુ કે જુલાઈ 2022માં દેશમાં 19.73 લાખથી વધુ પ્રવેશ થયા હતા અને જાન્યુઆરી 2023માં 4.28 લાખથી વધુ પ્રવેશ થયા હતા. આમ બીજા શૈક્ષણિક સત્રમાં અડધા મિલિનય એટલે કે પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં જોડાય છે અને પ્રવેશ લેતા હોય છે.
આ બાબતને ધ્યાને લેતા ડિસ્ટન્સ લર્નિંગ અને ઓનલાઈન કોર્સીસની જેમ ફિઝિકલ-રેગ્યુલર અભ્યાસક્રમોમાં પણ વર્ષમાં બે વાર પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. યુજીસીની ગત મેમાં મળેલી મીટિંગમાં આ બાબતે નિર્ણય લેવાયો હતો. જેમાં યુનિવર્સિટીઓ હવે યુજી-પીજીના તમામ રેગ્યુલર અભ્યાસક્રમોમાં પણ જુલાઈ-ઓગસ્ટમાં અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રવેશ આપી શકશે.
જો કે બે વાર પ્રવેશ આપવો તે ફરજીયાત નથી. યુનિવર્સિટી-કોલેજો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પોતાના સ્ટાફ, ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક સત્ર-દિવસોથી માંડી પરીક્ષા-પરિણામ સહિતની તમામ બાબતોને ધ્યાને રાખી બે વાર પ્રવેશ આપવાનો નિર્ણય લઈ શકશે. પરંતુ જે યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓ- એનરોલમેન્ટ વધારવા માંગે છે તે યુનિવર્સિટી બે વાર પ્રવેશ આપી શકશે.
ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોઈ પણ કારણસર પ્રથમ સત્રમાં પ્રવેશ ન લઈ શક્યા હોય તો બીજા સત્રથી પ્રવેશ લઈ શકશે. પરંતુ જો યુનિવર્સિટી પદ્ધતિનો અમલ કરશે તો લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે અને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધશે તેમજ વિદેશના વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારો થશે.