વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્રો ઉપર મોટાભાગના દેશોનો વિશ્વાસ ઘટયો
યુએન ઉપર ભારતને સૌથી વધુ, જાપાનને સૌથી ઓછો વિશ્વાસ
77 ટકા ભારતીયો અને 38 ટકા જાપાનીઓ યુએનને વિશ્વાસુ ગણે છે, જ્યારે અમેરિકાના 50 ટકા લોકો યુએનની વિશ્વસનિયતા અંગે વહેંચાયેલા છે
વિશ્વમાં હાલમાં ઘણી અરાજકતા ચાલી રહી છે. કેટલાક દેશો વચ્ચે સીધા જ યુદ્ધની સ્થિતિ છે તો કેટલાક દેશો વચ્ચે છદ્મ યુદ્ધ ચાલે છે તો ક્યાંક આર્થિક મોરચે દેશો એકબીજાને ભીંસમાં લેવા મથી રહ્યા છે. કેટલાક દેશો વચ્ચે કોલ્ડવોરની પણ સ્થિતિ છે. આવા સંજોગોમાં વિશ્વના દેશોને શાંત પાડવા અને વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે કામ કરતી સંસ્થા સંયુક્ત રાષ્ટ્રોનું કામ ખૂબ જ મહત્ત્વનું થઈ જાય છે. આવી આશા વચ્ચે તાજેતરમાં એક એવો અહેવાલ આવ્યો છે જેણે યુએનની કામગીરી અને તેની વિશ્વસનિયતા ઉપર સવાલ ઊભા કર્યા છે. એડલમેન 2024 ટ્રસ્ટ બેરોમીટર નામનો એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં વિશ્વના 28 મોટા દેશોમાં યુએનની કામગીરી અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
એડલમેન રિપોર્ટમાં કહેવાયું હતું કે, તેમણે 28 દેશોમાં 32,000થી વધારે લોકો પાસે જઈને યુએનની કામગીરી અંગે વાતો કરી હતી. યુએન ખરેખર યોગ્ય કામગીરી કરી રહ્યું છે કે નહીં તેના વિશે સવાલો પુછવામાં આવ્યા હતા. આ સર્વેમાં જાણવા મળ્યું કે, જાપાન અને આર્જેન્ટિનાના લોકોને યુએન ઉપર જરાય વિશ્વાસ નથી. આ બંને દેશોના માત્ર 38 ટકા લોકો માને છે કે, યુએન યોગ્ય રીતે કામ કરે છે. તેમના મતે યુએનની કામગીરી ઉપર વધારે વિશ્વાસ મુકાય તેમ નથી. યુનાઈટેડ નેશન્સ ઉપર 50 ટકાથી ઓછો વિશ્વાસ કરનારા દેશોમાં ઈટાલીનો ક્રમ આવે છે. જાપાન અને આર્જેન્ટિના બાદ ઈટાલીના 48 ટકા લોકો માને છે કે, યુએન ઉપર વિશ્વાસ કરી શકાય તેમ છે. એડલમેન રિપોર્ટમાં કહેવાયું હતું કે, તેમણે 28 દેશોમાં 32,000થી વધારે લોકો પાસે જઈને યુએનની કામગીરી અંગે વાતો કરી હતી. યુએન ખરેખર યોગ્ય કામગીરી કરી રહ્યું છે કે નહીં તેના વિશે સવાલો પુછવામાં આવ્યા હતા.
મહાસત્તાઓને પણ યુએનની કામગીરી વિશે સંશય
આ અહેવાલમાં એવું પણ સામે આવ્યું છે કે, વિશ્વના 28 દેશોમાં સ્થાન પામેલા મોટા દેશો અને મહાસત્તાઓને પણ યુએનની કામગીરી અને તેના પરિણામો અંગે સંશય છે. વૈશ્વિક રીતે મોટા અર્થતંત્રો અને જી-7ના દેશોને પણ યુએનની કામગીરી અંગે ખાસ વિશ્વાસ નથી. અમેરિકાના પણ 50 ટકા લોકો માને છે કે, યુએન યોગ્ય કામગીરી કરે છે જ્યારે 50 ટકાને યુએન ઉપર વિશ્વાસ નથી. આવી અવઢવમાં સ્પેન, આયર્લેન્ડ અને જર્મનીના લોકોપણ છે. અહીંયાની 50 ટકા વસતી યુએનની તરફેણમાં જ્યારે 50 ટકા વિરોધમાં છે. ફ્રાન્સ અને કોલંબિયાના 51 ટકા લોકોને યુએનની યોગ્યતા ઉપર વિશ્વાસ છે. સાઉદી અને ઓસ્ટ્રેલિયાના બાવન ટકા લોકો જ યુએન ઉપર વિશ્વાસ કરે છે. કેનેડા અને બ્રિટન જેવા મોટા દેશના અનુક્રમે 54 અને 57 ટકા લોકોને જ યુએનની કામગીરીમાં વિશ્વાસ છે જ્યારે બાકીના યુએનથી જરાય સંતુષ્ટ નથી.
એશિયા-આફ્રિકાના દેશોને યુએન ઉપર વધારે વિશ્વાસ
મહાસત્તાઓ અને પશ્ચિમી દેશો તથા ખાસ કરીને યુરોપ અને અમેરિકી દેશોની સરખામણીએ એશિયા અને આફ્રિકાના દેશોને યુએનની કામગીરીમાં વધારે વિશ્વાસ છે. તેઓ આજે પણ વૈશ્વિક સમસ્યાઓમાં યુએન દ્વારા ઉકેલ લાવવામાં આવે છે અને ભવિષ્યમાં પણ આવશે તેવું માને છે. આ મુદ્દે ભારત અને કેન્યાની સ્થિતિ સમાન છે. બંને દેશોના 77 ટકા લોકો માને છે કે, સંયુક્ત રાષ્ટ્રો યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. ત્યારબાદ ચીનમાં પણ 7૬ ટકા લોકોનું માનવું છે કે, યુએનની કામગીરી વિશ્વસનીય છે. 75 ટકા થાઈલેન્ડવાસીઓ પણ યુએનની કામગીરીથી સંતુષ્ટ છે. સાઉથ આફ્રિકા અને સાઉથ કોરિયાના અનુક્રમે 53 અને 5૬ ટકા લોકો યુએનની કામગીરીથી જ સંતુષ્ટ છે જ્યારે બાકીના તેને વખોડે છે.
સુરક્ષા પરિષદની કામગીરી અંગે વૈશ્વિક સ્તરે ચિંતા
મહત્ત્વની વાત એવી છે કે, થોડા સમય પહેલાં જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનિસ ફ્રાંસિસે ગાઝા અને ઈઝરાયેલ તથા રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ઈરાન, ઈરાક, સિરિયા અને આફ્રિકાના કેટલાક દેશોમાં ચાલી રહેલી હિંસા પણ ચિંતાજનક જણાવી હતી. તેમણે ટકોર કરી હતી કે, દુનિયાના ઘણા દેશોમાં હિંસા અને ગૃહયુદ્ધની સ્થિતિ છે. ઘણા દેશો અંદરોઅંદર યુદ્ધ કરી રહ્યા છે. યુએનની સુરક્ષા પરિષદે આ બધું જ શાંત પાડવાની જરૂર છે પણ તેની જગ્યાએ સુરક્ષા પરિષદના જ સભ્ય દેશો એકબીજા સાથે બાખડી રહ્યા છે. સુરક્ષા પરિષદની કામગીરીએ વૈશ્વિક સ્તરે ચિંતા જન્માવી છે. સુરક્ષા પરિષદમાં માળખાગત સુધારાનો અભાવ તથા વિકાસશિલ દેશોને યોગ્ય સ્થાન નહીં મળવાના કારણે સભ્ય દેશોમાં ખેંચતાણ ચાલે છે જેના કારણે વૈશ્વિક સ્તરે નકારાત્મક અસર થઈ રહી છે. આ નકારાત્મકતાએ સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતાને પણ મોટી હાની પહોંચાડી છે.
યુએનની વિશ્વસનીયતા સુધારવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની
થોડા સમય પહેલાં ભારતના પ્રવાસે આવેલા યુએનના મહાસભાના અધ્યક્ષ ફ્રાંસિસે જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે.
યુએનની કામગીરી અને વિશ્વસનીયતામાં જે મોટાપાયે ઘટાડો થયો છે તેને સુધારવાનું કામ થાય તે ખૂબ જ જરૂરી છે. ભારત પાસે શક્તિ છે કે, તે ચાવીરૂપ ભૂમિકા ભજવીને યુએનની ખરડાયેલી છાપ સુધારવામાં મદદ કરે. વૈશ્વિક સ્તરે થયેલા વિખવાદો અને સુરક્ષા પરિષદમાં સભ્યો વચ્ચેના મતભેદને દૂર કરવામાં ભારત મદદ કરી શકે છે.
યુનાઈટેડ નેશન્સમાં વૈશ્વિક સ્તરે ફરીથી વિશ્વાસ સંપાદન યથાવત્ થાય તે માટે તમામ સભ્યોએ એકજૂથ થવાની, એકમત થવાની અને સંવાદ દ્વારા સફળતા સાથે દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવાની જરૂર છે. ભારત પાસે આ ક્ષમતા છે કે તે વાતચીત થકી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. ભારતે વૈશ્વિક સ્તરે આ ભૂમિકા ભજવવાની જરૂર છે.
યુએનની કામગીરી અને વિશ્વસનીયતામાં જે મોટાપાયે ઘટાડો થયો છે તેને સુધારવાનું કામ થાય તે ખૂબ જ જરૂરી છે. ભારત પાસે શક્તિ છે કે, તે ચાવીરૂપ ભૂમિકા ભજવીને યુએનની ખરડાયેલી છાપ સુધારવામાં મદદ કરે : ડેનિસ ફ્રાંસિસ