ઈન્દોરમાં મતદાન વધારવા માટે અનોખી પહેલ: મતદાન કરો અને ફ્રી માં ખાવો પોહા-જલેબી

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ઈન્દોરમાં મતદાન વધારવા માટે અનોખી પહેલ: મતદાન કરો અને ફ્રી માં ખાવો પોહા-જલેબી 1 - image


Image Source: Twitter

- મતદાતાને દિવસભર પોહા-જલેબીના ભાવમાં 10 ટકા વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે

ઈન્દોર, તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર

મધ્ય પ્રદેશમાં ચૂંટણી રણનીતિની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યમાં 17 નવેમ્બરના રોજ મતદાન થશે. ચૂંટણી પંચનો પ્રયાસ છે કે, તમામ બૂથો પર 100% મતદાન થાય. આ ક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની પ્રખ્યાત ચાટ-ચોપાટી 56 દુકાનોના દુકાનદારોએ મતદાનને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ કરી છે. દુકાનદારોએ ઘોષણા કરી છે કે, મતદાનના દિવસે એટલે કે, 17 નવેમ્બરના રોજ મતદાન કરનાર દરેક વ્યક્તિને આ ચાટ-ચોપાટીમાં પોહા-જલેબીનો મફત નાશ્તો કરાવવામાં આવશે.

જે તેમને પોતાની આંગળી પર અમીટ શાહીનું નિશાન બતાવશે તેમને મફતમાં નાસ્તો કરાવવામાં આવશે. 56 દુકાન વેપારી સંઘના અધ્યક્ષ ગુંજન શર્માએ જણાવ્યું  કે, સ્વચ્છતાના માપદંડો પર ઈન્દોર દેશમાં પ્રથમ ક્રમે છે. અમે ઈચ્છીએ છીએ કે અમારું શહેર મતદાનના મામલે પણ ટોપ પર રહે. તે માટે અમે મતદાન કરીને આવનારા મતદારોને મફત પોહા-જલેબી ખવડાવવાનો નિર્ણય કર્યો છે. શર્માએ જણાવ્યું કે 56 દુકાનો ચાટ-ચોપાટીમાં મતદાતાઓ માટે મફત પોહા-જલેબી 17 નવેમ્બરે સવારે 9:00 વાગ્યા સુધી આપવામાં આવશે અને ત્યારબાદ મતદાતાને દિવસભર પોહા-જલેબીના ભાવમાં 10 ટકા વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

56 દુકાનોને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનો દરજ્જો પ્રાપ્ત

ફૂડ સેફ્ટી રેગ્યુલેટર ઓફ ઈન્ડિયા (FSSAI) એ સંબંધિત પરિમાણોને પૂર્ણ કરવાને કારણે 56 દુકાનોને ક્લીન સ્ટ્રીટ ફૂડ હબનો દરજ્જો આપ્યો છે. આ ચાટ-ચોપાટી પર સ્વાદના શોખીનોનો હંમેશા મેળાવડો રહે છે અને સપ્તાહના અંતે અહીં ખૂબ ભીડ હોય છે. 

ઈન્દોરમાં કુલ 15.55 લાખ મતદાતા

56 દુકાનો સુધી પહોંચેલા મોટાભાગના સ્થાનિક મતદારોનું માનવું છે કે શહેરની વર્ષોથી નબળી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવો ખૂબ જ જરૂરી છે અને રાજ્યની આગામી સરકારે આ માટે નક્કર પગલાં ભરવા જોઈએ. વર્ષ 2018માં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈન્દોરના શહેરી વિસ્તારની પાંચ બેઠકો પર કુલ 14.72 લાખ મતદારો મતદાન કરવા પાત્ર હતા અને સરેરાશ મતદાન 67 ટકા થયુ હતું. વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં આ પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 15.55 લાખ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે.


Google NewsGoogle News